સુરતઃ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામમાં વડોદરાની પેટર્નમાં સગીરાનો ગેંગરેપ કરનાર ત્રણેય નરાધમોને સુરત જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. પોલીસે આ કેસમાં ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. પીડીતાનું મોડી રાતે જ ચેકઅપ કરાવી લેવાયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માંગરોળના મોટા બોરસરાં ગામે મંગળવારે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે બોરસરાંની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક ત્રણ નરાધમો ત્યાં ધસી આવ્યા હતા. આ ત્રણેય નરાધમોએ સગીરા અને તેના મિત્રને ધમકાવ્યા હતા.
સગીરાના મિત્રને માર મારી ત્યાંથી ભગાડી મુક્યો હતો. તેનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો. ત્યાર બાદ સગીરાને અવાવરું જગ્યા પર બળજબરીપૂર્વક ખેંચી જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા.
દરમિયાન સગીરાનો મિત્ર ગામમાં દોડી ગયો હતો અને ગ્રામજનોની મદદ માંગી હતી. ગ્રામજનો તરત દોડી આવ્યા હતા. ઘટના સ્થળનું દ્રશ્ય જોઈ ગ્રામજનો ડઘાઈ ગયા હતા. અવાવરું જગ્યામાં સગીરા અર્ધનગ્ન હાલતમાં પડી હતી. નરાધમો સગીરાને અર્ધનગ્ન હાલતમાં અર્ધબેભાન અવસ્થામાં ફેંકીને જતા રહ્યાં હતાં. સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી.
ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લીધી હતી. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફંફોળવાનું શરૂ કરી દીધું હતું. ગણતરીના કલાકોમાં પોલીસે સામૂહિક દુષ્કર્મના ત્રણેય પરપ્રાંતીય આરોપીને દબોચી લીધા હતા. પોલીસે સગીરાના મિત્રને સાથે રાખીને ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે. તેમજ FSLની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી છે.
પોલીસે પીડીતાનું મેડિકલ કરાવ્યું
વડોદરા ગેંગરેપની ઘટના તાજી જ હોય પોલીસે આ કેસમાં જરાય આળસ દાખવી નહોતી. મોડી રાતે જ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પોલીસ દ્વારા પીડિતાના મેડિકલ ચેકઅપની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઘટનામાં સગીર તેમજ તેના મિત્રને કોઇ ગંભીર ઇજાઓ પહોંચી નથી. બે-ત્રણ તમાચા માર્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ આ મામલે ખૂબ ગંભીર જલદી થી જલદી ગુનો ઉકેલાય અને ગુનેગારોને સજા મળે તે માટે કાર્યવાહી કરી રહી છે.