Dakshin Gujarat

ઉમરગામમાં તબીબના ત્રણ બાળકો ભેદી રીતે ગુમ થતા દોડધામ

ઉમરગામ: ઉમરગામમાં રહેતા તબીબના ત્રણ બાળકો ભેદી રીતે ગુમ થતા દોડધામ મચી જવા પામી છે. તબીબ દંપતી ઘણા સમયથી અલગ રહેતુ હોય આ બાળકો માતા પાસે મુંબઈ ગયા હોવાની સંભાવના જોતાં ઉમરગામ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

  • ઉમરગામમાં તબીબના ત્રણ બાળકો ભેદી રીતે ગુમ થતા દોડધામ
  • તબીબ દંપતી ઘણા સમયથી અલગ રહેતુ હોવાથી બાળકો તેમની માતા પાસે મુંબઈ ગયા હોવાની સંભાવના, પોલીસે તપાસ હાથ ધરી

ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામે શિવમ રેસીડેન્સીમાં રહેતા મૂળ બોરીવલી મુંબઈ મહારાષ્ટ્રના ડો.રાજકુમાર વિક્રમા પંડિત (ઉ.વ 46) હાલમાં ઉમરગામમાં મેડિકલ પ્રેક્ટિસ કરે છે અને તેની સાથે તેના ત્રણ બાળકોમાં દીકરી ભવ્યા (ઉં.વર્ષ ૧૮) પુત્ર કુનિક (ઉ.વ ૧૨ ) અને પુત્રી તીયુશા (ઉ.વ ૧૦) સાથે રહે છે. જ્યારે પત્ની અલગથી મુંબઈ રહે છે.

શુક્રવારે સવારના સમયે ડોક્ટર પોતાની હોસ્પિટલ પર ગયા હતા અને આ ત્રણેય બાળકો ફ્લેટ ઉપર હતા. તે સમયે આ ત્રણેય બાળકો શૈક્ષણિક સર્ટીફીકેટની ફાઈલો લઈને કોઈને પણ કઈ કહ્યા વગર ક્યાંક ચાલી જતા ગુમ થયાની શનિવારે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં તબીબે જાણ કરી હતી. જેને પગલે પોલીસે આ ત્રણેય બાળકોની શોધખોળ આદરી છે. પોલીસને જાણવા મળ્યું કે તબીબ દંપતી છેલ્લા કેટલાક વર્ષથી અલગ રહે છે. જેથી આ બાળકોને તેમની માતા લઈ ગઈ હોવાની અથવા તો બાળકો માતા પાસે ગયા હોવાથી શક્યતાઓ છે. પોલીસે મહારાષ્ટ્ર મુંબઈ બોરીવલી વિગેરે વિસ્તારમાં તપાસ કરી હતી. જોકે ત્યાં પણ બાળકો કે એની માતા મળી આવી ન હતી. તથા મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યા હોવાથી ઉમરગામ પોલીસ આ ત્રણેય બાળકોની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top