સુરત : સંઘપ્રદેશ દમણની એક મોબાઈલ શોપ કમ ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં મોબાઈલની આડમાં ગાંજાનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે બાતમીના આધારે દુકાનમાં છાપો મારી 3.57 કિલો ગાંજાનો જથ્થો ઝડપી 3 આરોપીની ધરપકડ કરી છે.
- દમણના ડાભેલ વિસ્તારમાં નેકી કોમ્પલેક્ષમાં મહાવીર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઇલ શોપમાં છેલ્લા ઘણા સમયથી માદક પદાર્થ વેચાઈ રહ્યો હતો
- પોલીસે મોબાઈલ શોપમાંથી 3.57 કિલો ગાંજાના જથ્થા સાથે 3 ની ધરપકડ કરી
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે દમણના ડાભેલ વિસ્તારમાં નેકી કોમ્પલેક્ષમાં મહાવીર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઇલ શોપમાં છેલ્લા ઘણા સમયથી માદક પદાર્થ વેચાઈ રહ્યો હોવાની જાણકારી દમણ પોલીસને મળી હતી. જે જાણકારી મુજબ પોલીસે ઉપરોક્ત જગ્યા પર જઈને દુકાનમાં છાપો પાડી તપાસ કરતાં દુકાનની અંદરથી લીલા રંગનો પદાર્થ મળી આવ્યો હતો. જ્યાં પોલીસે વલસાડ એફએસએલની ટીમની મદદ લેતા એફએસએલની ટીમે માદક પદાર્થની તપાસ કરતાં તે ગાંજો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે દુકાનમાંથી કુલ 3.573 કિલો ગાંજો કબજે કર્યો હતો. આ મામલે ગુનો દાખલ કરી આરોપી સંતોષકુમાર અજયપ્રસાદ મહંતો (રહે. સુરેશભાઈની ચાલ, આમલીયા, નાની દમણ), સૂરજ ચમરૂ શાહ (રહે.આમલીયા, નાની દમણ) તથા મુનાવર અલી શેખ (રહે. ભેંસલોર, નાની દમણ)ની ધરપકડ કરી તેમની પાસેથી 4 મોબાઈલ ફોન કબજે કરી ત્રણેય આરોપીને જેલમાં ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘરની પાછળ દારૂ ઉતારતા ટુકવાડાના બુટલેગરેને પોલીસે પકડ્યો
પારડી : પારડીના ટુકવાડા ગામે બુટલેગર સેલવાસથી દારૂનો જથ્થો ભરી પોતાના ઘર પાછળ કારમાંથી દારૂ ઉતારતા પોલીસે ઝડપી પાડ્યો હતો. કુલ રૂપિયા ૨.૫૭ લાખનો મુદ્દા માલ કબજે કરી ત્રણ આરોપીને વોન્ટેડ બતાવ્યા હતા. વલસાડ એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે સેલવાસથી દારૂ ભરી પારડીના ટૂંકવાડા ગામે અવારા ફળિયામાં રહેતા ધર્મેન્દ્ર ભીમા પટેલ પોતાના ઘર પાછળ ખેતરમાં દારૂનો જથ્થો લઈ આવ્યો હતો.
જ્યાં પોલીસે રેડ કરી સ્થળ પર કોર્ડન કરતા કારમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 744 કિં.રૂ. 52,800, મોબાઈલ, કાર, સહિત કુલ રૂ.2,57,800 નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ દારૂનો જથ્થા અંગે પૂછપરછ કરતા દારૂનો જથ્થો મંગાવનાર વિકી પટેલ (રહે.પંચલાઈ પારડી), મહેન્દ્ર દિલીપ પટેલ (રહે. ટુકવાડા પારડી), તેમજ દારૂ ભરાવનાર કેતન (રહે. સેલવાસ)ને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા. પ્રોહિ. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.