Sports

એક દિવસમાં ત્રણ બેટ્સમેને સદી ફટકારી, પહેલી ટેસ્ટમાં ભારત મજબૂત સ્થિતિમાં

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારત મજબૂત સ્થિતિમાં પહોંચ્યું છે. આજે એક જ દિવસમાં ભારતના ત્રણ બેટ્સમેને સદી ફટકારી છે. કે.એલ. રાહુલ (100), ધ્રુવ જુરેલ (125) અને રવિન્દ્ર જાડેજા (103) સદી ફટકારી. ત્રણ બેટ્સમેનોની સદી સાથે ભારતે 5 વિકેટ ગુમાવી 448 નો સ્કોર બનાવ્યો છે. આ સાથે બીજા દિવસના અંતે ભારતની લીડ 245 રન થઈ છે. જાડેજા અને વોશિંગ્ટન સુંદર રમતમાં છે.

આ અગાઉ ગઈકાલે તા. 2 ઓક્ટોબેર મેચના પહેલા દિવસે વેસ્ટઈન્ડિઝની ટીમ માત્ર 162 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ પહેલી ઈનિંગમાં ભારતની શરૂઆત સારી રહી હતી.

ભારતની પહેલી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે શાનદાર શરૂઆત કરી પ્રથમ વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી. યશસ્વી 36 રન બનાવીને આઉટ થયો, જ્યારે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા સાઈ સુદર્શને ફક્ત 7 રન બનાવ્યા. ત્યાર બાદ કેએલ રાહુલ અને કેપ્ટન શુભમન ગિલે પ્રથમ દિવસે ભારતની ઇનિંગને બેલેન્સ આપ્યું. રાહુલે પોતાની અડધી સદી પણ પૂર્ણ કરી.

શુભમન ગિલ અને કેએલ રાહુલે બીજા દિવસની રમતના પહેલા સત્રમાં શાનદાર પ્રદર્શન કર્યું . બંનેએ નબળા બોલનો ફાયદો ઉઠાવ્યો અને કેટલાક સારા શોટ રમ્યા. શુભમન અને રાહુલે ત્રીજી વિકેટ માટે 98 રનની ભાગીદારી કરી. શુભમને 100 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યા.

વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોસ્ટન ચેઝે શુભમનની વિકેટ લીધી. શુભમનના આઉટ થયા પછી તરત જ કેએલ રાહુલે પોતાની સદી પૂર્ણ કરી. રાહુલે 197 બોલનો સામનો કર્યો અને 100 રન બનાવ્યા, જેમાં 12 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ રાહુલની ટેસ્ટમાં 11મી સદી હતી અને ઘરઆંગણે તેની બીજી સદી હતી.

રાહુલના આઉટ થયા પછી રવિન્દ્ર જાડેજા અને ધ્રુવ જુરેલે મળીને 206 રનની શાનદાર ભાગીદારી નોંધાવી. જુરેલે તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી, જ્યારે રવિન્દ્ર જાડેજાએ પણ તેની સદી પૂરી કરી.

Most Popular

To Top