શહેરના પાંડેસરા વિસ્તારના એક મકાનમાં નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું પકડાયું છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી ચલણી નોટો તેમજ પ્રિન્ટર, કાગળો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પાંડેસરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે બાતમીને આધારે શુક્રવારે સાંજે પાંડેસરા ગુ.હા. બોર્ડ જવેલરી બજાર ચાર રસ્તા પાસે આવેલા હરીઓમનગર સોસાયટીના પ્લોટ નંબર 17 અને 18 ના બીજા માળે આવેલ મકાનમાં રેઈડ કરી ચલણી નોટો બનાવવાનો રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસે મકાનમાં ચલણી નોટ છાપતા ત્રણ આરોપીઓ મુળારામ મોતીરામ ચેરામારામ પ્રજાપતિ, દિનેશકુમાર છોગારામ ખેરાજરામ પ્રજાપતિ અને નારાયણ છોગારામ ખેરાજરામ પ્રજાપતિ ( ત્રણેય રહે હરીઓમનગર સોસાયટી, પાણીની ટાંકી પાસે, કોમ્યુનીટી હોલ, ગુ.હા.બોર્ડ, પાંડેસરા ) નાઓની ધરપકડ કરી હતી. તેમજ સ્થળ પરથી 500 ના દરની 3 નોટો, 200 ના દરની 3 નોટો અને 100ના દરની 2 બનાવટી ચલણી નોટો તથા પ્રિન્ટર, કાગળ, સ્કેલ, કટર અને ત્રણ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ પોતે આર્થિક લાભ મેળવવા તેમજ ભારતીય અર્થતંત્રને ખોખલું કરવાના ઈરાદે આ બનાવટી ચલણી નોટો ભારતીય બજારમાં ફરતી કરવા પોતાના કબ્જામા રાખેલી હતી. ત્રણે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
વધુમાં પાંડેસરા પોલીસ મથકના પીઆઈ જે.સી.જાદવએ જણાવ્યું હતું કે આરોપીઓ મકાની અંદર આ ચલણી નોટો છાપતા હોવાનું જાણવા મળ્યું છે તેઓ આ કૃત્ય કેટલા સમયથી કરી રહ્યા હતા, વિગેરે માહિતી એકત્રિત કરવા અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.