ભૂતકાળમાં સાડા ત્રણ નદીના કિનારે વસેલું “રૂપનગર” એટલે આજનું “વાલિયા”. ભૂતકાળમાં ખડતલ, મજબૂત અને દીર્ઘદૃષ્ટિથી વાલિયાની નવી પેઢી માટે શૈક્ષણિક પરંપરા માટે રોપેલા બીજ આજે વટવૃક્ષ થઈને ફળ ચાખી રહ્યાં છે. ૫૦૦૮૨.૮૭ હેક્ટરના ભૌગોલિક પથરાયેલા વાલિયા નગર એ ૨૩૦ દુકાન સાથે વેપારીમથક કહેવાય. સહકારી, શૈક્ષણિક અને આધ્યાત્મિક ક્ષેત્રે ભૂતકાળના અણીશુદ્ધ આગેવાનોએ ધીંગી ધરામાં વાલિયા નગર આજે પણ જનમાનસમાં તેઓ પથરાયેલા છે. આજે વાલિયામાં મહિલા કોલેજ સહિત અનેક કોલેજો, હાઈસ્કૂલો, પ્રાથમિક શાળા આવેલી છે. આજે વાલિયા પ્રબુદ્ધ યુવા લીડરશીપથી ધીમે ધીમે વિકાસની કેડીઓ કંડારવા આગળ વધી રહ્યું છે. વાલિયાની ધરા પર ઋષિથી લઈને આજે ન્યાયાધીશ ઊભા થયા છે. વાલિયા ગ્રામ પંચાયત દ્વારા આગામી વર્ષે રૂ.૧.૧૦ કરોડના ખર્ચે વિકાસનું આયોજન કરીને ભવિષ્યમાં સ્માર્ટ વિલેજ બનાવવાના પ્રયાસ હાથ ધર્યા છે. વાલિયા નગરજનોને ૧૦૦ ટકા શૌચાલય મળ્યાં છે. ભવિષ્યમાં વાલિયાનગર તંત્ર અને પદાધિકારીઓના પ્રયાસથી ૧૦૦ ટકા વિધવા સહાય અને વૃદ્ધ પેન્શન આપવા માટે પ્લાનિંગ હાથ ધર્યું છે. સાથે વાલિયાના કમળામાતા તળાવને બ્યુટિફિકેશન અને સમગ્ર ગામને સોલાર સ્ટ્રીટ લાઈટ ઊભી કરવાનું પ્લાનિંગ પણ છે.
પાડોશી જિલ્લામાં વાલિયાની કોઈ વ્યક્તિ મળે તો “રાજના માણહ” તરીકે ઓળખે છે
વાલિયા ગામ માટેની એવી લોકવાયકા છે કે, બાજુમાં અમરાવતી, કીમ, ટોકરી અને બાજુમાં અડધી ઘાટા નદી પસાર થાય છે. સાડા ત્રણ નદીના કિનારે ભૂતકાળનું રૂપનગર એ જ આજનું વાલિયા. મૂળ તો “વ્હાલ” શબ્દથી વાલિયા નામ પડ્યું છે. વાલિયાની જનતા મૂળ તો મજબૂત તો ખરી, પણ વહાલ કરવાવાળું એ જનમાનસ છે. વાલિયા તાલુકાના અભ્યાસ સ્ટેટ ગેઝેટમાં વાલિયામાં રાજપીપળા સ્ટેટ સાથે જોડાયેલા ચૌહાણ, સોલંકી, પરમાર, રાઠોડ, ગોહિલ રાજપૂતો, જેઓ મુખ્યત્વે સૂર્યવંશી, ચંદ્રવંશી અને અગ્નિકુલના છે. તેઓ રાજમાં આવી વસ્યા હતા. જેમની અટક દક્ષિણ ગુજરાતનાં જે-જે ગામોમાંથી તેઓ માઇગ્રેટ થઈ ‘રાજ’માં આવી વસ્યા, એના કારણે આજે પણ અન્ય પાડોશી જિલ્લામાં વાલિયાની કોઈ વ્યક્તિ મળે તો “રાજના માણહ” તરીકે ઓળખે છે. રાજપીપળા સ્ટેટના દીવાન એવા ‘દીવાન ધનેશ્વર’ના ચરિત્ર પર લેખક કમલાશંકર ભટ્ટે ‘દીવાન ધનેશ્વર’ ધારાવાહિક નવલકથા એકમાત્ર “ગુજરાતમિત્ર” અખબારમાં પણ પ્રસિદ્ધ થઇ ચૂકી છે. જેમાં રાજપીપળા સ્ટેટના મહત્ત્વના પરગણા તરીકે વાલિયાનો ઉલ્લેખ છે. રાજપીપળા રાજા રજવાડા વખતે વાલિયા ખાતે મુલાકાતે આવતા હતા, એ આજની મામલતદાર કચેરી છે. ત્યાં જ “વિઝિટર્સ બંગલો” બનાવીને રહેતા હતા. સાથે જ પોલીસ થાણું પણ હતું. ત્યારબાદ લોકશાહીમાં લગભગ ૧૯૮૨-૮૩માં આ વિઝિટર્સ બંગલો ડિમોલીઝ કરી નાંખ્યું હતું. વાલિયામાં મૂળ તો પીલુદરા ગામથી આવીને વસેલા “પીલુદરિયા” રાજપૂત ફેમિલીના લોકો રહેતા હતા. રાજપીપળા સ્ટેટની સરહદે રાજપૂતો સુરત જિલ્લામાંથી આવીને વસ્યા અને નેત્રંગ અને વાલિયા તાલુકાની મહેનતુ પાટીદાર કોમ્યુનિટી માટે નવી વસાહતને જમીન આપેલી એ ઈતિહાસ છે.
ભારતમાં એકમાત્ર સ્વયંભૂ પ્રગટેલું કમળા માતાનું મંદિર
સમગ્ર ભારત દેશમાં બાજુના તળાવમાં કમળનાં ફૂલો સાથે કમળાદેવીનું મંદિર માટે વાલિયામાં આવેલું છે. વાલિયામાં રામાનંદી વૈષ્ણવ સમાજનાં કુળદેવી કમળા માતા લગભગ ૧૦૦ વર્ષ પહેલાં સ્વયંભૂ પ્રગટ થયાં હતાં. મંદિરનો ઈતિહાસ એવો છે કે, રાજપીપળા સ્ટેટમાં લગભગ ૧૯૦૦ની સાલમાં પોલીસ જમાદાર લલ્લુદાસ કુબાવત (થાણેદાર)ને કમળા માતાએ સપનામાં આવીને તળાવમાંથી બહાર કાઢવાની આજ્ઞા કરી. રાજપીપળા સ્ટેટના રાજા છત્રસિંહ ગોહિલને જાણ કર્યા બાદ તેમની ઉપસ્થિતિમાં જે જગ્યાએ લલ્લુદાસે બતાવેલી એ જગ્યા પર સવા હાથ જેટલી જગ્યા ખોદતાં ત્યાં કમળા માતા સ્વયંભૂ પ્રગટ થતાં શ્રદ્ધાળુએ જયકારો બોલાવ્યો હતો. એ વખતે વરસાદ થતાં બાજુમાં પાણી ભરાતાં કમળનાં ફૂલ ઊગ્યાં. લલ્લુદાસ કુબાવત એ રામાનંદી સમાજના હતા.
૧૯૮૨માં દેવુભા હમીરભા કાઠી નોકરીના અર્થે વાલિયામાં આવ્યા હતા. હિંદુ ધર્મમાં અપાર શ્રદ્ધા જોતાં તેઓ કમળા માતાનું મંદિર તરફ દર્શને ગયા. એ જગ્યાએ સામાન્ય કટાયેલા પતરાં અને કમળા માતા તળાવ પર સામાન્ય પાળીઓ પર જો કોઈ વ્યક્તિ ધ્યાન ન આપે તો તળાવના પાણીમાં પડે એવી કપરી સ્થિતિ હતી. આવી વિસમ સ્થિતિ જોતાં દેવુભા કાઠીનું મન દ્રવી ઊઠ્યું. એ માટે મંદિરની પતરાંની કામગીરી માટે ૩૦ જેટલા નોકરિયાત પાસે મહીને રૂ.૨ દાન તો લેતા, પણ રસીદ પણ આપતા. સાથે મંદિરના જીર્ણોદ્ધાર માટે ઇનામી યોજના રાખવામાં આવી હતી. ઇનામમાં એ વખતે વેલ્યુબલ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી પણ રાખતા. ઇનામી યોજનામાં રૂ.૨૮,૬૫૬નો ચોખ્ખો નફો થતાં ૧૯૮૪માં મંદિરના જીર્ણોદ્ધારનું કામ થયું. સાથે બાજુમાં પાળનું કામ આજુબાજુના વાલિયા, ઝંખવાવ, નેત્રંગ, માંગરોળ સહિતનાં સ્થળોથી શ્રમિકોને બોલાવીને કરાવ્યું હતું. આજે આ પાળ પર નવરાત્રિમાં ગરબા રમાય છે. જેના કારણે આજે પણ કમળા માતા મંદિર અને તળાવ એ વાલિયાનું ઘરેણું કહેવાય. ટ્રસ્ટના પ્રમુખ દેવુભા કાઠી કહે છે કે, વાલિયા માટે શ્રદ્ધાનું કેન્દ્ર એટલે કમળા માતાજીનું મંદિર છે. આખા ભારતમાં એકમાત્ર કમળા માતા મંદિર આવેલું છે. એ જ વિશેષતા છે.
વાલિયા નગરના બે સગા ભાઈઓ વિદ્વાન ન્યાયાધીશ
કાયદાની પ્રક્રિયામાં એક જ ઘરના બે ભાઈ વિદ્વાન ન્યાયાધીશ હોય એવું સાંભળ્યું છે ખરું ! ઘણાનો જવાબ નકારાત્મક આવે. પણ વાલિયાની જીવંત ભૂમિમાં બે સગા ભાઈ આજે જજ તરીકે બેનમૂન કામ કરી રહ્યા છે. ગુજરાતની સરહદ કચ્છ ભૂમિ પર ડિસ્ટ્રિક્ટ જજ તરીકે ૪૮ વર્ષના ધર્મેન્દ્રસિંહ રણા અને તેમના લઘુબંધુ ૪૩ વર્ષના વિરેન્દ્રસિંહ રણા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઉનામાં સિનિયર સિવિલ જજ તરીકે કામ કરે છે. બેલડીના આધ્યાત્મિક અને વંશપરંપરાગત જાણવો રોચક છે. મૂળ તો દેસાડના વતની પણ વાલિયામાં તેમના પિતા ગેમલસિંહ રણા અને માતા લક્ષ્મીબેન રણા શિક્ષક-શિક્ષિકા તરીકે વાલિયાના ગણેશનગરમાં આવીને વસ્યા. ધર્મેન્દ્રસિંહ રણા એજ્યુકેશનમાં બાળપણથી સ્મરણશક્તિ અદભૂત હોવાથી વિદ્યાર્થીકાળે તેજસ્વી હતા. સાથે તેમના ભાઈ વિરેન્દ્રસિંહ રણા પણ ભણવામાં હોંશિયાર હતા. તેમના ઘરમાં સંસ્કાર ગળથૂંથીમાં આવેલાં છે.
તેમના દાદા મોહનસિંહ રણા મૂળ તો સ્ટેટ સરકારમાં સર્કલ ઓફિસર તરીકે કામ કર્યા બાદ રીટાયર્ડ લાઈફમાં મહેસૂલના જાણકાર હોવાથી પિટિશન રાઇટર તરીકે કામ કરતા હતા. ખુદ વાલિયાના ઉમરગામમાં પણ ઠાકોર કોમ્યુનિટીના ભાગ માટે મોહનસિંહ રણાનો અગ્રીમ ફાળો રહ્યો હતો. ધર્મેન્દ્રસિંહ રણાના પિતા ગેમલસિંહે કાયદા ક્ષેત્રે આગળ વધવા માટે લોનું શિક્ષણ લેવાની સલાહ આપી હતી. એ માટે ધર્મેન્દ્રસિંહે LLBનો અભ્યાસ પૂરો કરી ૨૦૦૧થી ૨૦૦૯ સુધી હાઇકોર્ટ સુધીની વકીલાત કરી હતી. તેમજ વિરેન્દ્રસિંહે પણ ૨૦૦૩ સુધીમાં પણ લોનો અભ્યાસ કર્યો હતો. ૨૦૧૦માં બંને ભાઈએ GPSCની એક્ઝામ આપીને પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ઉત્તર ગુજરાતમાં કામ કર્યું હતું. ધર્મેન્દ્રસિંહ રણાએ અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં કેટલાક સેન્સેટિવ કેસોમાં મહત્ત્વનો રોલ અજમાવ્યો હતો. પહેલાં વિરેન્દ્રસિંહ રણા ઉના કોર્ટમાં સિવિલ જજ તરીકે જોડાયા હતા. આજે તેઓ સિનિયર સિવિલ જજ તરીકે કામ કરે છે. જ્યારે ધર્મેન્દ્રસિંહ રણા ૨૦૧૭માં સુરત ખાતે જોઈન્ટ ચેરિટી કમિશનર તરીકે એક વર્ષ તરીકે મહત્ત્વનું કામ કર્યું હતું. ત્યારબાદ ૨૦૧૮માં ધર્મેન્દ્રસિંહ રણા ડિસ્ટ્રિક્ટ જજ તરીકે પસંદ થયા હતા.
વાલિયા નગરની ઝાંખી
૧)વસતી-૭૬૭૮ (પુરુષ-૩૮૨૯, સ્ત્રી-૩૮૪૯)
૨)સાક્ષરતા-૮૬.૯૦ ટકા
૩)કુટુંબ-૧૬૪૬
૪)ઘર-૩૪૭૬
૫)દુકાન-૨૩૦
૬)જમીનના ખાતેદાર-૨૫૩
૭)ભૌગોલિક જમીન-૫૦૦૮૨.૬૭ હેક્ટર
૮)આદિવાસી, રાજપૂત, પંચાલ, મોદી, શાહ, સોની, સુરતી, ભરવાડ, દલિત
વાલિયા તાલુકામાં ઊભી થયેલી સુવિધાઓ
૧)કોલેજ-૦૨
૨)હાઈસ્કૂલ-૦૨
૩)પ્રાથમિક શાળા-૦૪
૪)આંગણવાડી-૦૪
૫)છાત્રાલય-૦૩
૬)મંદિર-૦૭
૭)મસ્જિદ-૦૧
૮)જૈન દેરાસર-૦૧
૯)બેન્ક-૦૬
૧૦)ક્રેડિટ સોસાયટી-૦૧
૧૧)ધીરાણ કરનારી સોસાયટી-૦૩
12)કંપની-૦૨ (ઇન્ટાસ અને બ્લેક બેરી)
૧૩)ડોર ટુ ડોર કચરા કલેક્શન-૦૧ (ટ્રેક્ટર-ટ્રોલી દ્વારા)
૧૪)લાઈટ માટે હાઈમાસ ટાવર-૦૩(ગુજરાત હાઉસિંગ, શિવદર્શન અને શર્મા કોલોની)
૧૫)આદિવાસી સ્મશાનભૂમિ-૦૧ (કોઈપણ અવસાન પામે તેનો લાકડાંનો સંપૂર્ણ ખર્ચ ગ્રામ પંચાયત આપે છે)
વાલિયામાં તાલુકા કક્ષાની સહકારી મંડળીઓ
૧)પ્રભાત સહકારી જીન
૨)વાલિયા તાલુકા ખરીદ વેચાણ સંઘ
3)વાલિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)-
વાલિયા ગ્રા.પં. દ્વારા આગોતરું આયોજન
૧)હાટ બજાર- રૂ.૨ કરોડની મંજૂરી મળી
૨)સાંસ્કૃતિક ભવન-રૂ.૧.૫૦ કરોડની મંજૂરી મળી
૩)વાલિયામાં પાંચ ટાંકી અને પાંચ સમ્પ થશે
૪)હર ઘર સે નલ સે જલ–રૂ.૨.૮૫ કરોડનું કામ મંજૂરી મળી
૫)સીસીટીવી કેમેરા-૧૦ લાખ મંજૂર
૮)વાલિયા આખા ગામને સોલાર સ્ટ્રીટ લાઈટનું આયોજન
૯)ખારકૂવો ટેમ્પો રૂ.૨૫ લાખ મંજૂર
૧૦)સિનિયર સિટિઝનને બેસવા માટે ગાર્ડનિંગનું કામ પ્રગતિમાં
૧૧)કચરા માટે સીએનજી ટેમ્પો
૧૨)બારડોલીના સુરુચિ સંસ્થા દ્વારા કચરાને રિસાઈકલિંગ કરીને ખાતર બનાવીને ગ્રા.પં.ને આવક કરવાનું આયોજન
૧૩)તત્કાલીન ઇનચાર્જ સરપંચ કુસુમબેન ગોહિલ વખતે રૂ.૧૭ લાખના ખર્ચે ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ બનાવ્યું
વાલિયાને ભવિષ્યમાં રહેણાક નગર બનાવવાનાં અરમાન: ડે.સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ
જાણીતા સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીના શબ્દો હતા કે, “એક સૂર ને એક તાલ એટલે ગામડું” કહેવાય. આ હાર્દને સમજતા ૩૮ વર્ષના વાલિયા ગ્રામ પંચાયતના નવા ચુંટાયેલા ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ અજીતસિંહ ગોહિલ કામગીરી કરવા તત્પર છે. ૨૩ વર્ષની ઉંમરે તાલુકા કક્ષાએ ભાજપનો હાથ પકડીને સક્રિય કાર્યકર તરીકે કામ શરૂ કર્યું હતું. પૃથ્વીરાજસિંહ મૂળ તો બાળપણથી RSSની વિચારધારા સાથે સંકળાયેલો હતો. ૨૦૧૨માં વાલિયા તાલુકા ભાજપના યુવા મોરચાના પ્રમુખ બન્યા, એ પછી જિલ્લા યુવા મોરચાના મંત્રી બન્યા બાદ ૨૦૧૯માં વાલિયા તાલુકા ભાજપ મહામંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. અને પહેલી વખત વાલિયા તાલુકા પંચાયતમાં ત્રણ દાયકા બાદ ભાજપને ૧૧ સીટ મળતાં બહુમતીથી સત્તાના સુકાન હાથમાં લીધા છે. કામ કરવાની ત્રેવડ જોયા બાદ ૨૦૨૦ની સાલમાં વાલિયા તાલુકા ભાજપના પ્રમુખ બનતાં સમગ્ર ગુજરાતમાં સૌથી નાની ઉંમરે હોદ્દો મળ્યો છે. મૂળ તો સહકારી ક્ષેત્રે મહાવીર કો.ઓ.ક્રેડિટ સોસાયટીમાં ૨૦૦૭માં ડિરેક્ટર પદે રહ્યા હતા. ત્યારબાદ ૨૦૨૧માં વાલિયા ગ્રુપ કો.ઓ.મલ્ટિપર્પઝ સોસાયટીમાં પ્રમુખ પદે વરણી થઇ છે. પૃથ્વીરાજસિંહ ગોહિલ કહે છે કે, મારું સપનું આવતીકાલે વાલિયાને સ્માર્ટ વિલેજ બનાવવાનું છે. જે માટે હાલમાં રૂ.૧.૧૦ કરોડનું આયોજન છે. વાલિયાની રોનક કમળા માતા તળાવને બ્યુટિફિકેશન કરીને રળિયામણું બનાવીશું, જેમાં તળાવની ચારેય બાજુ ટ્રેકિંગ પાળ પહોળી કરવા સાથે મરામત કરીશું. લાઈટો લગાડવી અને મિડલમાં આઈલેન્ડ (બેટ) પણ બનાવીશું.
વાલિયા ગ્રામ પંચાયતની ટીમ
૧) સોમીબેન મહેશભાઈ વસાવા (સરપંચ)
૨)પૃથ્વીરાજસિંહ અજીતસિંહ ગોહિલ (ડેપ્યુટી સરપંચ)
૩)પ્રેરણાબેન નરેન્દ્રસિંહ અટોદરિયા (સભ્ય)
૪)પારૂલબેન સુધીરભાઈ વસાવા (સભ્ય)
૫)ઉષાબેન પરભુભાઈ ગામીત (સભ્ય)
૬)મુકેશભાઈ પાંચિયાભાઈ વસાવા(સભ્ય)
૭)હિતેશભાઈ શંકરભાઈ વસાવા(સભ્ય)
૮)મયૂરકુમાર સુમનલાલ સુરતી (સભ્ય)
૯)ગીતાબેન મોતીસિંહ નરોલીયા (સભ્ય)
૧૦)કુસુમબેન કાન્તીભાઈ વસાવા (સભ્ય)
૧૧)પારૂલબેન જયપાલસિંહ સુરતીયા (સભ્ય)
૧૨)કિરણકુમાર ભગવાનભાઈ વસાવા (સભ્ય)
૧૩)ભરતભાઈ પરાગભાઈ ગોહિલ (સભ્ય)
૧૪)અંજનાબેન વી.વસાવા (તલાટી કમ મંત્રી)
અશિક્ષિત વાલિયાને શિક્ષિત કરવા ૬૯ વર્ષ પહેલાં સ્કૂલ શરૂ કરાઈ હતી
દેશને આઝાદી મળી ત્યારબાદ પછાત વિસ્તાર વાલિયા દ્વિભાષી મુંબઈ સ્ટેટમાં આવતું બતું. આમ જનતા નિરક્ષર હોવાથી ઊજળી આશા દૂર સુધી દેખાતી ન હતી. આવા સમયે વાલિયાના ખમતીધર અગ્રણી હરિસિંહ મહિડા (પૂર્વ મંત્રી) તેમજ મુળજીભાઈ સાયણીયાએ આખા વિસ્તારને સાક્ષર કરવાની નેમ લીધી અને તે દિશામાં પ્રયાસો શરૂ કર્યા. સને-૧૯૫૨માં શ્રી રંગ નવચેતન વિદ્યામંદિરની શુભ શરૂઆત વાલિયા વિસ્તારમાં કરવામાં આવી હતી. હરિસિંહ મહિડા અને મુળજીકાકાએ આઝાદી બાદ વાલિયા વિસ્તારને શિક્ષિત બનાવવાનું સપનું જોયું હતું. અને એ સાકાર પણ કરી બતાવ્યું. પ્રભાતસિંહ મહિડા અને હરિસિંહ મહિડાના અથાક પ્રયાસથી વાલિયા નવચેતન વિદ્યામંદિરના નવા બિલ્ડિંગનું તા.૧૯-૬-૧૯૬૫માં નારેશ્વરના નાથ શ્રદ્ધેય રંગ અવધૂત બાપજીએ ઉદઘાટન કર્યું હતું. આજે આ શાળામાં નર્સરીથી ધો-૧૨ સાયન્સ સુધીના ૩૩ વર્ગ ચાલી રહ્યા છે, જેમાં ૧૮૫૦ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. શ્રી રંગ નવચેતન વિદ્યામંદિરમાં આચાર્ય પરેશ પટેલ સહિત ૬૦ જણાનો સ્ટાફ છે.
જો કે, કોલેજના અભ્યાસ માટે વાલિયા વિસ્તારમાંથી યુવાનોને છેક અંકલેશ્વર-ભરૂચ સુધી જવું પડતું હતું. અપડાઉનનો જટિલ પ્રશ્ન અને અનેક સમસ્યા ઉકેલવા હરિસિંહ નાના અને મુળજીકાકાએ સને ૧૯૯૪માં વાલિયામાં મહિલા કોલેજની શરૂઆત કરાવી હતી. આજે મહિલા કોલેજમાં ગુજરાત, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, અર્થશાસ્ત્ર અને હોમ સાયન્સ એમ 6 ફેકલ્ટી છે. જેમાં પીજી માટે સંસ્કૃત, હિન્દી અને અર્થશાસ્ત્રમાં ૯૦૦ જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે છે. તેમજ મહિલા ગર્લ્સ હોસ્ટેલમાં ૩૮૭ વિદ્યાર્થિની અભ્યાસ કરે છે.
વાલિયા મહિલા કોલેજમાં ઇનચાર્જ આચાર્ય શર્મિલાબેન પટેલ સહિત ૧૫ જેટલો સ્ટાફ છે. બંને સંસ્થાના પ્રમુખ કેસરીસિંહ સાયણીયાએ જણાવ્યું હતું કે, સને-૧૯૫૨માં આ વિસ્તાર શિક્ષણથી વંચિત હતો. એ સમયે હરિસિંહભાઈ અને મુળજીભાઈએ આ વિસ્તારને શિક્ષિત કરવા માટેના પ્રયાસ કર્યા હતા. હાલ કોલેજ અને શાળા મળી કુલ ૨૮૦૦ વિદ્યાર્થી શિક્ષણ મેળવી રહ્યા છે. શ્રી રંગ નવચેતન વિદ્યામંદિર ઉપરાંત વાલિયાના અગ્રણી દેવુભા કાઠીએ જયમાતાજી વિદ્યામંદિર શરૂ કરાવતાં હાલ આ સ્કૂલમાં પણ ધોરણ-1થી 10ના વર્ગો ચાલી રહ્યા છે, જેમાં 550 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. ત્રણ માળની નોન ગ્રાન્ટેડ વિદ્યામંદિરમાં ૧૭ જેટલા વર્ગખંડ છે, જેમાં આચાર્ય શિક્ષક સહિત ૨૭ જણાનો સ્ટાફ છે. જયમાતાજી વિદ્યામંદિરનાં બાળકો ધોરણ-10 બોર્ડમાં મોખરે રહે છે. આ શાળાનું બોર્ડનું પરિણામ 100 ટકા આવે છે.
વાલિયાની સરદાર નગર પ્રાથમિક એ ચાઈલ્ડ ફ્રેન્ડલી શાળા
વાલિયામાં તા-૩-૯-૧૯૮૫માં સરદાર નગર પ્રાથમિક શાળા શરૂ થઇ હતી. મૂળ તો એ વખતે વહીવટી તંત્રના ભરોસે શરૂઆત થઇ હતી. જો કે, ૨૦૦૩માં સરદાર નગર પ્રાથમિક શાળામાં કમલેશકુમાર એમ.કોસમીયાએ ચાર્જ સંભાળતાં ભવિષ્યમાં શાળાને ચાઈલ્ડ ફ્રેન્ડલી બનાવવામાં સફળતા મળી હતી. મૂળ તો પર્યાવરણ પ્રવૃત્તિ તેમના સ્વભાવમાં હતી. છોડમાં રણછોડ હોય એમ કમલેશકુમારની મીત ઔષધીય વૃક્ષ તરફ મંડાઈ હતી. સરદાર નગર પ્રાથમિક શાળા કેમ્પસમાં ૬૦ પ્રકારનાં ઔષધીય વૃક્ષના લગભગ ૪૦૦ જેટલા છોડ વાવ્યા હતા. કમલેશભાઈ કોસમીયાને વૃક્ષ પ્રત્યેનો પ્રેમ હોવાથી પાણી સિંચન સુધી તમામ વૃક્ષની જાળવણીનાં કામ તેઓ જાતે જ કરી લેતા હતા. હાલમાં જ બે વર્ષ પહેલાં સરદારનગર પ્રાથમિક શાળાની ‘પર્યાવરણ પ્રયોગશાળા’ના માધ્યમથી બાળકોએ સ્કૂલમાં કચરામાંથી ખાતર બનાવવાની શરૂઆત કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ ઔષધીય છોડને બેઝિક રીતે ઓળખીને ઉપયોગ કરે છે. આજે સરદાર નગર પ્રાથમિક શાળામાં ધો-૧થી ૮માં ૨૩૪ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આચાર્ય તરીકે કમલેશકુમાર કોસમીયાએ સમગ્ર જિલ્લામાં એકમાત્ર સરદાર નગર પ્રાથમિક શાળામાં બાસ્કેટ બોલ માટે પ્લે ગ્રાઉન્ડ સાંસદ મનસુખભાઈ વસાવાની ગ્રાન્ટમાંથી તૈયાર કરાવ્યું હતું. આ શાળામાં સામાજિક જીવનમાં વિસરતા જતા દુર્લભ જૂની સવારી, ધમણ, જૂનો પટારો જેવી વસ્તુઓ વિદ્યાર્થીઓના સ્મૃતિપટલ તરોતાજા રાખવા માટે મૂક્યા છે. કેમ્પસમાં પસાર થતાં બંને બાજુ ૨૦૦ જેટલાં કન્ટેનર દ્વારા ગાર્ડન બનાવીને સુશોભિત કરવા માટે બનાવ્યા છે. આ શાળામાં CSR ફંડમાંથી અદ્યતન લાઇબ્રેરી, મધ્યાહન ભોજન સેડ અને સ્ટેજ બનાવીને તમામ ફેસિલિટી તૈયાર કરી છે. આજે પણ ઓપન લાઇબ્રેરી અને પક્ષીઓને બેસવા માટે અલભ્ય ચબૂતરો બનાવ્યો છે. આવી પ્રવૃત્તિ માટે આચાર્ય કમલેશકુમારને ૨૦૧૧માં IIMના પ્રોફેસર ડો.અનીલ ગુપ્તા દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો. ૨૦૧૩માં સંત શિરોમણી મોરારિબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ, ત્યારબાદ ૨૦૧૭માં રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે અપાયો હતો. હાલમાં ભરૂચ જિલ્લા કક્ષાએ આ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ભારતીબેન વાલાએ “ચારણ કન્યા” કાવ્ય ગાન કરીને પ્રથમ આવતાં હવે રાજ્ય કક્ષાએ જશે. આ સિવાય વિદ્યાર્થીઓને દર વર્ષે કોર્ટ, પોસ્ટ, પોલીસ, મામલતદાર, તાલુકા પંચાયત સહિતની કચેરીઓને વિઝિટ કરાવીને તેનો પરિચય આપતા હોય છે.
કર્મઠ સહકારી આગેવાનોએ કપાસ માટે પ્રભાત જીન ૭૦ વર્ષ પહેલાં શરૂ કરી હતી
લગભગ ૭૦ વર્ષ પહેલાં વાલિયાની આજુબાજુના ખેડૂતો કપાસ પકવતા હતા, પણ પિલાણ-પ્રેસિંગ માટે ઘણી મુસીબત હતી. જેથી વાલિયાના એ સમયના સહકારી આગેવાનોએ ભલે ગમે એવી મુસીબત આવે પણ તેનો અંત લાવવાની દિશામાં પ્રયાસો શરૂ કર્યા હતા અને ખેડૂતોએ પોતાની માલિકીનું જીન ઊભું કરવાની તૈયારી શરૂ કરી હતી. સને-૧૯૫૧માં વાલિયા ખેડૂત સહકારી જીનિંગ એન્ડ પ્રેસિંગ ફેક્ટરી અસ્તિત્વમાં આવી હતી. જેનું તા.૧૭-૧-૧૯૫૨માં અનુભવી અનોપસિંહ વિરમસિંહ કોસાડાના વરદ્ હસ્તે રાજપીપળાના સક્રિય રત્નસિંહ મહિડા (ભરૂચ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ)ની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરાયું હતું. વાલિયા જીને ઘણા ઉતારચઢાવ જોયા બાદ એ વખતના કર્તવ્યનિષ્ઠ ઓનરરી મેનેજર સ્વ.પ્રભાતસિંહ ભગુબવા મહિડા જિંદગીના અંત તરફ જતાં ૧૯૭૮માં હરિસિંહ મહિડા અને મુળજીભાઈ સાયણીયાને જવાબદારી સોંપવામાં આવી હતી.
કપાસ ઉત્પાદક ખેડૂતો માટે વાલિયા જીન આવતાં આર્થિક ઉપાર્જન માટે મહત્ત્વનું બની ગયું. લગભગ આઠ એકર પથરાયેલા કેમ્પસમાં વાલિયા પ્રભાત સહકારી જીન કપાસ ઉત્પાદકો માટે હાલ મહત્ત્વનું કેન્દ્ર બની ગયું છે. વાલિયા જીનના મશીનોમાં અપગ્રેડેશન કરતા વર્ષ ૨૦૧૯-૨૦માં ૮૦,૨૨૪ ક્વિન્ટલ કપાસ સીસીઆઈને મળ્યો હતો. જેની પીલાણ કરીને ગાંસડી વાલિયા પ્રભાત જીનમાં કરતા રૂ.૧૧ લાખની આવક થઇ હતી. બીજા વર્ષે ૪૬,૨૭૫ ક્વિન્ટલ કપાસ સીસીઆઈને મળ્યો હતો. જો કે, આ વખતે ટેકાના ભાવ કરતા બજાર ભાવ બેગણા હોવાથી કપાસનો પાક આવ્યો ન હતો. તેમ છતાં સરકારના ટેકાના ભાવે કપાસ, તુવેર જેવા પાકો સીસીઆઈ કે પ્રભાત સહકારી જીનમાં વેચાતો હોય છે. છેલ્લાં ૧૦ વર્ષથી વાલિયા પ્રભાત સહકારી જીનના પ્રમુખ ૫૬ વર્ષના રાકેશભાઈ સાયણીયા કહે છે કે, સીસીઆઈ સેન્ટર લાવવાનો શ્રેય માજી ગણેશના ચેરમેન સંદીપ માંગરોલા અને મારી ઉપલબ્ધી હોવાથી તેનો કપાસના ખેડૂતોને બહોળો ફાયદો થયો છે. ભવિષ્યમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગના સંજોગો દેખાતાં ખેડૂતોએ કપાસમાં લોંગ સ્ટેબેબલ કપાસ કઈ રીતે બને એ તરફ માઈન્ડ બનાવવું જોઈએ.
વાલિયા સરકારી પુસ્તકાલયમાં ૨૩૦૦ પુસ્તક
સરકારી તાલુકા પુસ્તકાલય વાલિયામાં રોજબરોજ ૧૦થી ૧૫ વાચક નિયમિત અભ્યાસ માટે આવે છે. ભરૂચના સાહિત્ય જગતના પનોતાપુત્ર કનૈયાલાલ મુનશી લિખિત પાટણની પ્રભુતા, રાજાધિરાજ, જય સોમનાથ, ગુજરાતનો નાથ, ધ્રુવકુમાર ભટ્ટ લિખિત તત્ત્વમસી (રેવા ફિલ્મ સ્ટોરી), વટનો કટકો, પાર્થને કહો ચઢાવે બાણ, તારકનો ટપુડો જેવાં લગભગ ૨૩ હજાર પુસ્તક સરકારી તાલુકા પુસ્તકાલય વાલિયામાં છે. તા.૧૫-૧૧-૧૯૭૬થી શરૂઆત થયેલી વાલિયા લાઇબ્રેરીમાં નવલકથા, આત્મકથા, બાળવાર્તા, સાહિત્ય, ધાર્મિક, એજ્યુકેશનને લગતાં પુસ્તકો આવેલાં છે. સુરતમાં BSNLના રીટાયર્ડ કર્મચારી ૭૦ વર્ષીય મુનીરભાઈ મન્સૂરી નિયમિત અખબાર અને મેગેઝિન વાંચવા આવે છે. અને સિનિયર સિટિઝન માટે લાઇબ્રેરી મહત્ત્વનું સ્થાન છે. છેલ્લાં ૬ વર્ષથી તુણા ગામનું આદિવાસી દંપતી સોમાભાઈ બુધીયાભાઈ વસાવા અને તેમનાં પત્ની સુમિત્રાબેન વસાવા લાઇબ્રેરીની સફાઈ કરે છે. અને દૂર ગામડાથી વાચક વિદ્યાર્થી આવે તો કોઈ તકલીફ ન પડે એનું ધ્યાન રાખે છે. રાજપારડી નજીક ભીલવાડાના વતની ૨૪ વર્ષિય ગ્રેજ્યુએટ હરેશ વસાવા કહે છે કે, PSI અને કોન્સ્ટેબલની ફિઝિકલ પરીક્ષા માટે વાલિયામાં રૂમ ભાડે રાખ્યા છે. PSI સીલેબસના અભ્યાસ માટે લાઇબ્રેરીમાં દરરોજ આવીએ છીએ અને ન્યૂઝ પેપર તેમજ મેગેઝિન પણ વાંચીએ છીએ.
વાલિયાની ધરતી પર અનેક સાધુ-સંતો આવ્યા
વાલિયાની ભૂમિ પર અનેક સાધુ-સંતો આવી ગયા છે. ભૂતકાળમાં વાલિયા તાલુકા પંચાયતના ટીડીઓ યશવંતસિંહ જાડેજાએ સ્વામી કૃપાલ્વાનંદજી સાથે આધ્યાત્મિક રીતે જોડાયા બાદ તેમની પાસે સન્યાસ લઈને તેમણે “રાજર્ષિ મુનિ” નામ ધારણ કર્યું. રાજર્ષિ મુનિએ યોગ યુનિવર્સિટી પણ બનાવી હતી. ૨૦૧૩માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લકુલીશ યોગ યુનિવર્સિટી અમદાવાદમાં આવીને કહ્યું હતું કે, આ વિશ્વ વિદ્યાપીઠ એ અષ્ટાંગયોગ, કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનું શિક્ષણ એ મહત્ત્વનું કાર્ય કરે છે. ભારત સરકારે ૨૦૧૯માં “પ્રધાનમંત્રી યોગ્રાત્ન પુરસ્કાર” રાજર્ષિ મુનિને નવાજ્યા છે. વાલિયામાં રંગ અવધૂત બાપજી, મોરારિબાપુ, શંકરાચાર્ય, નર્મદાનંદજી, બાબા રામદેવ, બાબા સ્વામી, નિજાનંદ સ્વામી આવ્યા હતા.