Columns

સાડા ત્રણ કરોડની અ-ખુશ બર્થ-ડે પાર્ટી…

કોઈ ફિલસૂફની અદાથી વાત કરીએ તો આપણી આખી જિંદગી અનેક પ્રકારનાં આશ્ચર્યના સરવાળા-ગુણાકાર જ હોય છે. આપણને ડગલે ને પગલે આશ્ચર્યના આંચકા આપવા માટે ઈશ્વર પંકાયેલો છે. આપણને પણ બીજા મનુષ્યજીવને સરપ્રાઈઝ આપવી ગમે છે. ન ધારેલું કંઈ નજર સામે થાય ને સામેવાળો ડઘાઈ જાય એ જોવું આપણને ગમે છે. સ્વજન-મિત્રોને અપાતી સદાબહાર સરપ્રાઈઝ છે બર્થ-ડે પાર્ટી…. આખા ગામને ખબર હોય પણ જેનો જન્મદિવસ હોય એને જ ખબર ન પડે એવી તકેદારીનો ભ્રમ રાખીને આપણે એની બર્થ-ડે પાર્ટીનું ભલેને ગમે તેટલું છૂપું આયોજન કર્યું હોય છતાં એ વાત ભાગ્યે જ છાની રહે છે. અહીં આ ગુપ્ત જન્મદિન જશનની વાત થોડી માંડીને એટલા માટે કરી કે આવી એક પાર્ટી આજકાલ અમેરિકામાં ચર્ચામાં ચગી છે. વાત કંઈક આમ છે….

કેવિન બર્લિંગ નામની વ્યક્તિ અમેરિકાના કેન્ટુકી રાજ્યની એક ડાયોગ્નોસ્ટિક પેથોલોજી લેબમાં જોબ કરતો હતો. ત્રણેક વર્ષ પહેલાં એના જન્મદિન અવસરે એના સહકર્મીઓએ એને કહ્યા વગર એની બર્થ-ડે પાર્ટીનું આયોજન કર્યું. આની જાણ થતાં જ કેવિન ન જાણે કેમ અચાનક ઉશ્કેરાઈ ગયો. ગુસ્સામાં એ પોતાના ઉપરીથી લઈને સહયોગીઓને બેફામ ભાંડવા લાગ્યો. ફટકારવાની ધમકી દેવા લાગ્યો. સરપ્રાઈઝ બર્થ-ડે પાર્ટી આપીને એને સુખદ આશ્ચર્ય આપવા ઈચ્છતા સહયોગીઓ એની આવી હિંસક વાત-વર્તણૂકથી ડઘાઈ ગયા. …પાછળથી બધાને જાણ થઈ કે કેવિન બર્લિંગ ક્યારેય એની બર્થ-ડે ઉજવતો નહોતો કારણ કે એના આવા એક જન્મદિવસે એનાં માતા- પિતાના ડિવોર્સ થયા હતા. આમ પોતાના બર્થ-ડે સાથે એ લગ્નવિચ્છેદની દુ:ખદ ઘટના સંકળાઈ ગઈ હોવાથી એ વાત યાદ આવતા એ માનસિક રીતે એવો હચમચી જતો કે એની વાત-વર્તણૂક હિંસક થઈ જતી.

સહયોગીઓએ તો પાછળથી એની માફી માગી લીધી પણ કંપનીવાળાએ આવા અશિસ્તભર્યા વર્તન બદલ એને જોબ પરથી તગેડી મૂક્યો.… વાત અહીં પૂરી નથી થતી. આ વાતનો ખરો ઉત્તરાર્ધ હવે આકાર લે છે. ‘માનસિક રીતે ત્રસ્ત કરી એને ખોટી રીતે જોબ પરથી પાણીચું આપવામાં આવ્યું છે’ એવા આક્ષેપ-દલીલ સાથે કેવિન બર્લિંગ કંપની સામે કોર્ટે ચઢ્યો. બન્ને પક્ષની દાખલા-દલીલો સાંભળ્યા પછી તાજેતરમાં કોર્ટે ફરિયાદી કેવિન બર્લિંગને ખરેખર અન્યાય થયો છે એ વાત માન્ય રાખીને માનસિક વ્યથા પહોંચાડવા બદલ કંપનીને બધું થઈને 5 લાખ ડોલર વળતરરૂપે કેવિનને ચૂકવી દેવા માટે ફરમાન કર્યું છે…! નહોતું ધાર્યું ને આ રીતે આશરે રૂપિયા સાડા ત્રણ કરોડનો ચાંદલો ચોંટી ગયો એના દુ:ખદ આશ્ચર્યમાંથી હજુ કંપનીવાળા બહાર નથી આવ્યા…!

કરવા’તા કંકુના પણ………
વિદેશનાં અખબાર અને મેગેઝિનોની જેમ આપણાં છાપાં-સામયિકોમાં પણ ‘ઍગનિ આન્ટ’ જેવી કૉલમ્સ આવે છે જેમાં તમારી મુંઝવણ કે કોઈ પ્રકારની પીડાના પ્રશ્નોના જવાબ સલાહરૂપે આપવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ‘મુંઝવણ તમારી… ઉકેલ અમારા’ એ પ્રકારની પ્રશ્નોત્તરી પ્રગટ થાય છે…. તાજેતરમાં આપણા એક ગુજરાતી અખબારમાં આવી જ કૉલમમાં એક મમ્મીની મુંઝવણ પ્રગટ થઈ હતી. એમની મુંઝવણ એ હતી કે એમનો એક માત્ર પુત્ર જે યુવતીના પ્રેમમાં હતો એની સાથે જ એ મેરેજ કરવા ઈચ્છતો હતો.

પુત્રના પરિવારને પેલી યુવતી ખાસ પસંદ નહોતી પણ દીકરાની જિદને વશ થઈને એની સાથે સગાઈ કરાવી દીધી. ટૂંક સમયમાં લગ્ન પણ લેવાશે પણ હવે એની મમ્મીની ફરિયાદ છે કે ‘અમારી ભાવિ પુત્રવધૂની મધર અચાનક બીમાર પડી ગયાં. મારા પુત્રે એની ભાવિ સાસુમાની સારવાર માટે ડૉકટરો-હૉસ્પિટલમાં પાગલની જેમ દિવસો સુધી દોડાદોડી કરી…. એની મંગેતરના ઘરે એ જે રીતે પડ્યો-પાથર્યો રહેતો હતો એ જોઈને અમને થાય છે કે હજુ તો લગ્ન પણ નથી થયા ત્યાં આવો ‘વહુઘેલો’? અમારે એને સમજાવવો કેમ કે હજુ તો લગ્ન પણ નથી થયા ત્યારે ભાવિ પત્ની કે એના પરિવાર પ્રત્યેની આ ‘વધુ પડતી ઘેલછા’ સારી નથી.…’

આ મમ્મીની આવી મુંઝવણનો ઉકેલ પેલા છાપાવાળાએ શું સૂચવ્યો એના ઊંડાણમાં આપણે બહુ ન પડીએ પણ આવો જ એક વિદેશનો કિસ્સો જાણવા જેવો છે. વાત મેક્સિકો સિટીના ઉઝીએલ માર્ટિનેઝ નામના યુવાનની છે. એક યુવતીના એ ગાંડા જેવા પ્રેમમાં. મેરેજનું લગભગ નક્કી. એમાં અચાનક પ્રેમિકાની મમ્મી બીમાર પડી. કિડનીની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. એની સારવાર માટે યુવાન ઉઝીએલે જબરી દોડાદાડ કરી. પ્રેમિકાની મમ્મીની રોગગ્રસ્ત કિડની કાઢીને નવી બેસાડવી પડે તેમ હતી. જોગ-સંજોગ એવા સર્જાયા કે ઉઝીએલની કિડની મેચ થતી હતી એટલે એણે સામે ચાલીને પ્રેમિકાની મમ્મીને પોતાની એક કિડની ડોનેટ કરી ને એની કિડનીને લીધે સાજી થઈને ભાવિ સાસુજી સાજા થઈ ઘેર પરત પણ આવી ગયાં. બધા રાજી થયા.

મેરેજની તૈયારી શરૂ થઈ ત્યાં પોતાની કિડનીનું દાન કરનારા ઉઝીએલને અચાનક જાણ થઈ કે એની પ્રેમિકા તો એને પડતો મૂકીને રાતોરાત બીજા કોઈ યુવાન સાથે મેરેજ કરી હનીમૂન સુદ્ધાં મનાવવા ઊપડી ગઈ છે…!
કરવા’તા કંકુના પણ કન્યાની સાથે કિડની પણ ગુમવનારા ઉઝીએલે પોતાના આ પ્રેમભંગ અને પ્રેમિકાના આવા દગા-ફટકાની વ્યથાનો વીડિયો હમણાં ‘ટિકટૉક’અને બીજાં સોશ્યલ મીડિયા પર વહેતો મૂક્યો છે, જે એક કરોડથી વધુ દર્શકો સુધી પહોંચ્યો છે. વાઈરલ થયેલા આ વીડિયોના પ્રતાપે યુવાન ઉઝીએલ માર્ટિનેઝને મળ્યા છે ઢગલાબંધ સહાનુભૂતિના સંદેશા અને ‘બેટર લક નૅક્સ્ટ ટાઈમ’ની અઢળક શુભેચ્છાઓ…!

ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ
કોઈને ચાની આદત હોય તો કોઈને સ્મોકિંગની લત લાગે તો કોઈ દારુ તો કોઈ ડ્રગ્સનો ગુલામ બને. લત-આદત-નશો…- આમ તો આ બધા એક જ દૈત્યના વિભિન્ન અવતાર છે. હા, કયારેક કોઈ એવી લતમાં લપેટાય કે આપણે તો શું કાયદા-કાનૂનના જ્ઞાની એવા સુપ્રીમ કોર્ટના વડા ન્યાયમૂર્તિ પણ અવાક થઈ જાય. તાજેતરમાં ચીફ જસ્ટિસ રમન્નાસર સમક્ષ એક કેસ આવ્યો. એની વિગતો જોઈ-વાંચીને એમણે કહેવું પડ્યું કે આ વાદી-પ્રતિવાદીને તો કોર્ટ-કચેરીની જાણે લત લાગી ગઈ છે. એ બન્નેએ તો કોર્ટને જ પોતાનું બીજું ઘર બનાવી દીધું છે. …જ્યારે જુવો ત્યારે કોર્ટ સંકુલમાં જ નજરે ચઢે છે. એ બન્ને પક્ષ વચ્ચે છેલ્લાં 41 વર્ષથી કેસોની હારમાળા ચાલે છે. બન્નેએ એકમેક પર અનેક વિભિન્ન આક્ષેપ સાથે કુલ 60 કેસ ફટકાર્યા છે અને બાય ધ વે, એ બન્ને પક્ષ સંબંધના નાતે પતિ-પત્ની છે! વડા ન્યાયધીશે 41 વર્ષથી જુદાં રહેતાં એ પતિ-પત્નીને કડક શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું છે કે કોઈ મધ્યસ્થીની મદદથી તમારા વિવાદનો અંત લાવો ને હવે જો તમારા બન્નેમાંથી કોઈએ પણ કોર્ટમાં નવો કેસ દાખલ કર્યો છે તો તમારી ખેર નથી…!
— સ્થૂળ કાય પ્રાણી હિપોપોટેમસ માણસ કરતાં પણ વધુ ઝડપે દોડી શકે છે!
ઈશિતાની એલચી *
મોટા ભાગના માણસો ઈશ્વર સમક્ષ પ્રાર્થના નથી કરતા, એ રીતસર કરગરીને ભીખ માગે છે!!

Most Popular

To Top