Dakshin Gujarat

સાપુતારા-વઘઇના આંતરરાજ્ય ધોરીમાર્ગ પર ત્રણ અકસ્માત સર્જાયા

સાપુતારા : ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગમાં જુદા જુદા સ્થળોએ ત્રણ અકસ્માત સર્જાયા હતા. ટેમ્પો ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા પલટી જતા મરઘા ચગદાઈને મોતને ભેટ્યા હતા. બીજા બનાવમાં ટેમ્પા અને ઇકો વચ્ચે, જ્યારે ત્રીજા બનાવમાં કન્ટેનર-ટેમ્પો સામસામે ભટકાતા ચાલક કેબિનમાં દબાયો હતો.

મહારાષ્ટ્રનાં નાસિક તરફથી બોયલર મરઘાનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલો ટેમ્પો ન. એમ.એચ.15.જી.સી.3436ના ચાલકે શામગહાન નજીકનાં વળાંકમાં સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો માર્ગની સાઈડમાં દીવાલ સાથે ભટકાઈને પલટી મારી જતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પામાં ભરેલા મોટાભાગનાં બોયલર મરઘાઓ ચગદાઈને મોતને ભેટ્યા હતા. જ્યારે ટેમ્પાને નુકસાન થયુ હતુ. અને ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે બીજા બનાવમાં શામગહાન ગામ નજીકનાં વળાંકમાં આઈસર ટેમ્પા ચાલકે ઇકો ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

આજરોજ સાંજના સુમારે સુરત તરફથી શાકભાજીનો જથ્થો ખાલી કરી પરત નાસિક તરફ જઈ રહેલો આઈસર ટેમ્પો ન. એમ.એચ.15.ઈ.જી.7511નાં ચાલકે શામગહાન વળાંકમાં સાપુતારાથી નવસારી જઈ રહેલી ઈકો ગાડી ન. જી.જે.21.સી.સી 4543ને ટક્કર મારતા ઈકોગાડીને નુકસાન થયુ હતુ. જ્યારે ત્રીજા બનાવમાં વઘઇથી સાપુતારાના શિવારીમાળ ગામ નજીકનાં વળાંકમાં કન્ટેનર અને આઈસર ટેમ્પો સામસામે ભટકાતા કેબિનમાં ચાલક દબાયો હતો. જોકે સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ. ડી.પી.ચુડાસમાની ટીમે પહોચી જઈ કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢી સારવાર માટે નજીકની સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

Most Popular

To Top