સેવાલિયા: ખેડા જિલ્લામાં ગળતેશ્વર તાલુકાના નાનકડા એવા વાંઘરોલી ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત પાંચ માથાભારે શખ્સોએ ખાખરીયા ગામના એક વૃધ્ધ દંપતિને હિન્દુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કિસ્સામાં માથાભારે શખ્સોના અસહ્ય ત્રાસથી આખરે વૃધ્ધ દંપતિએ રાતોરાત ગામ છોડીને હિજરત કરવાની ફરજ પડી છે. ત્યારે, આ મામલે વહેલીતકે યોગ્ય ન્યાય મળે અને ધર્માંતરણ મુદ્દે ત્રાસ ગુજારનાર પાંચેય માથાભારે શખ્સો ઉપર કાર્યવાહી થાય તેવી માંગ સાથે વૃધ્ધ દંપતિએ જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી છે.
આ રજુઆતમાં જણાવ્યાં મુજબ, ગળતેશ્વર તાલુકાના ખાખરીયા ગામમાં આવેલ કુવાવાળા ફળીયામાં રહેતાં 63 વર્ષીય ફુલાભાઈ દેવાભાઈ મકવાણા અને તેમની પત્નિ હાલ નિવૃત્ત જીવનમાં ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓને પોતાના ઘર પાસેની જમીન મુદ્દે પાડોશમાં રહેતાં સતીષભાઈ મણીલાલ મકવાણા, મણીલાલ કાનાભાઈ મકવાણા અને વિલાસભાઈ સોમાભાઈ મકવાણા સાથે છેલ્લાં ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ ત્રણેય પાડોશીઓએ ભેગાં મળી ફુલાભાઈની જગ્યામાં ગેરકાયદેસર દબાણો કરી, જમીન પચાવી પાડી છે.
જેથી ફુલાભાઈએ પોતાની જમીન પર થયેલ દબાણ દૂર કરવા માટે વાંઘરોલી ગામના સરપંચ, તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી સહિતની કચેરીઓમાં લેખિત રજુઆત કરી હતી. તેમછતાં તંત્ર દ્વારા આ મામલે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. બીજી બાજુ આ ત્રણેય શખ્સો સમાધાન માટે બોલાવી ફુલાભાઈને હિન્દુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે દબાણ કરવા લાગ્યાં હતાં.
પરંતુ, ફુલાભાઈએ હિન્દુ ધર્મ છોડવાની ના પાડી હતી. જેથી આ ત્રણેય શખ્સો ઉપરાંત વાંઘરોલી ગામના ડેપ્યુટી સરપંચ હર્ષદભાઈ રાવજીભાઈ મકવાણાએ ભેગાં મળીને ફુલાભાઈના ઘરની બહારના વાડાની જગ્યા બાબતે ખોટી અરજીઓ કરી હેરાનગતિ શરૂ કરી હતી અને જો હેરાનગતિથી છુટકારો મેળવવો હોય તો હિન્દુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે પુષ્કળ દબાણ કર્યું હતું. તેમજ જો તમે હિન્દુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ નહીં અપવાનો તો અમે તમને હેરાન કરી નાંખીશું અને તમારે ગામ છોડવું પડશે તેવી ધમકીઓ પણ આપી હતી.
જેથી ફુલાભાઈ આ મામલે વાંઘરોલી ગામના સરપંચ રફીકમીયાં મલેકને મળ્યાં હતાં અને સઘળી હકીકત જણાવી હતી. દરમિયાન સરપંચ રફીકમીયાં મલેકે જણાવ્યું હતું કે, તમારે જીવનના છેલ્લાં દિવસો છે, તમારે અને ડોહીએ કેટલું જીવવું છે, આ લોકો બહુમતિમાં છે અને તે લોકો કહે છે તો ખ્રિસ્તી ધર્મ પાળી લો….અને ગામમાં શાંતિથી રહો તેવી સલાહ ફુલાભાઈને આપી હતી. જે બાદ સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત આ પાંચેય શખ્સો સમયાંતરે ધર્મ પરિવર્તન માટે દબાણ કરી, ફુલાભાઈને ધાકધમકીઓ આપતાં હતાં.
જોકે, ધર્મપરિવર્તન કરાવવાનું મિશન પાર ન પડતાં આ પાંચેય શખ્સોએ ભેગાં મળી ફુલાભાઈ વિરૂધ્ધ ષડયંત્રો રચવાના ચાલુ કરી દીધાં હતાં. સામેપક્ષે પાંચેય શખ્સો માથાભારે હોવાથી ફુલાભાઈ અને તેમની પત્નિને પોતાના જીવ ઉપર જોખમ હોવાનું લાગ્યું હતું. જેથી ડરના માર્યાં ફુલાભાઈ દેવાભાઈ મકવાણા અને તેમના પત્નિ શનિવારના રોજ સવારે પોતાનું મકાન, 8 વીઘા જમીન તેમજ પશુઓને જે તે સ્થિતીમાં મુકીને ગામમાંથી હિજરત કરી હતી અને આ મામલે ફુલાભાઈએ જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી ન્યાયની માંગ કરી છે.