સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ખુલ્લેઆમ ચપ્પુ બતાવી ધમકી આપતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. વીડિયોમાં એક અસામાજિક તત્વ બાળક સાથે ઉભેલા વ્યક્તિને ચપ્પુ બતાવી ધમકાવતો જોવા મળી રહ્યો છે. ઘટના સામે આવતા વિસ્તારમાં ભય અને ચિંતા નો માહોલ ફેલાયો છે.
પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, આરોપી યુવક હાથમાં ચપ્પુ લઈને એક વ્યક્તિને રોકી તેના ટી-શર્ટનો કોલર પકડીને ઉગ્ર ભાષામાં ધમકાવતો જોવા મળે છે. વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે આરોપી વ્યક્તિને પેટમાં ચપ્પુ મારી દેવાની ધમકી આપી રહ્યો છે. આ સમગ્ર ઘટના દરમિયાન ત્યાં એક નાનું બાળક પણ હાજર હતું, જે આ દ્રશ્યો જોઈ ભયભીત થઈ જાય છે. બાળક સામે જ આવી રીતે ગુંડાગર્દી કરવામાં આવતા લોકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે.
વિડિયો મુજબ, આરોપી યુવક માત્ર ધમકી આપીને અટકતો નથી પરંતુ તે વ્યક્તિનો કોલર પકડી તેને સોસાયટીના નાકા સુધી લઈ જઈ ફરીથી ધમકાવતો નજરે પડે છે. જાહેર સ્થળે આવી રીતે ખુલ્લેઆમ દાદાગીરી કરતા દ્રશ્યો સામે આવતા લોકોમાં કાયદો-વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉભા થયા છે.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ મામલો ગરમાયો છે અને હવે આ વીડિયો પોલીસ માટે તપાસનો મહત્વનો વિષય બની ગયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી અસામાજિક તત્વોની હલચલ વધી રહી છે, જેના કારણે રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
હાલ પાંડેસરા પોલીસ આ વાયરલ વીડિયોની સચ્ચાઈ અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો આરોપી સામે પુરાવા મળી આવશે તો કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકો હવે પોલીસ પાસેથી ઝડપી પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે.