હથોડા: કોસંબામાં (Cosamba) પડોશમાં રહેતા દિયરને ભાભીએ શૌચાલય (Toilet) ક્યારે બનાવવાના છો? તેવું કહેતાં જ ઉશ્કેરાયેલા દિયરે ભાભીને ગાળો ભાંડી ઢીકામુક્કીનો માર મારી ગળું દબાવી મારી નાંખવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ (Complaint) નોંધાઈ છે.
કોસંબામાં રેખા ભીમા જીવણ પરમાર રહે છે અને તેમની બાજુમાં જ તેમનો દિયર અર્જુન જીવણ પરમાર રહે છે. શુક્રવારે રેખાબેનનો પતિ ભીમાભાઇ રિક્ષામાં બાળકોને સ્કૂલે મૂકવા ગયો હતો, ત્યારે બાજુમાં રહે તો દિયર અર્જુનભાઈ રેખાબેનના શૌચાલયનો ઉપયોગ કરતો હોવાથી રેખાબહેને દિયર અર્જુનને જણાવ્યું હતું કે તમે શૌચાલય ક્યારે બનાવવાના છો? જેથી ઉશ્કેરાયેલા અર્જુને ભાભી રેખાબેનને ગાળો ભાંડી ઢીકામુક્કીનો માર મારી ગળું દબાવી મારી નાંખવાનો પ્રયાસ કરતાં દિયર અર્જુન સામે રેખાબહેને કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં કોસંબા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
‘જે પ્લોટ મારે લેવાનો હતો, તેં કેમ લીધો’ કહી માથાભારે શખ્સે હુમલો કર્યો
વ્યારા: નિઝરના ખોડદા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ નવું નેવાળા ગામમાં ગત તા.૧૮મી માર્ચે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં ખેતમજૂરી કરીને કુટુંબ પરિવારનું જીવન નિર્વાહ કરનાર ૪૦ વર્ષીય ઉત્તમ સુદામ પાડવી અને પત્ની ગીતાને ગામના રામસિંગ રતન પાડવીએ પ્લોટ લેવા બાબતે લોખંડના પાઇપના સપાટા માર્યા અંગેની ફરિયાદ નિઝરમાં નોંધાઇ છે.
નિઝરના નવું નેવાળા ગામે ખેતમજૂરી કરી કુટુંબ પરિવારનું જીવનનિર્વાહ કરનાર ઉત્તમ સુદામ પાડવીએ તેના જ ગામમાં રહેતા યુવરાજ મોતીરામ પાડવી પાસેથી પ્લોટની ખરીદી કરેલ હોય અને રામસિંગ રતનસિંગ પાડવીએ નવું નેવાળાના મંદિર ફળિયામાં આવેલા સુખલાલ સુરસિંગ પાડવીની કરિયાણાની દુકાનની પાસે આવી કહ્યું હતું કે, ‘તુએ યુવરાજનો પ્લોટ કેમ લીધો છે. જે પ્લોટ મારે લેવાનો હતો’ કહી માથાભારે ઈસમને જણાવ્યું હતું કે, ‘આ પ્લોટના પૈસા યુવરાજને મેં ચૂકવી દીધા છે. હવે આ પ્લોટ મારો છે.’ તેવું કહેતાં માથાભારે શખ્સે એકદમ ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઈપ વડે ઉત્તમ પાડવીને સપાટો મારી નીચે પાડી દીધા બાદ ઢીકમુક્કીનો માર માર્યો હતો. ત્યારે તેનાં પત્ની ગીતાબેન પાડવી બચાવવા જતાં તેમને પણ પગે પાઈપ મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાથી પોલીસે આ મામલે ગુનો નોંધી હુમલો કરનાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.