આઈપીએલની ફાઈનલ વચ્ચે અમદાવાદની એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદમાં એસપી રોડ પર આવેલી જેનેવા લીબ્રલ સ્કૂલને ધમકીભર્યો ઈમેઈલ મળ્યો છે. સ્કુલ દ્વારા આ મામલે પોલીસ અને ડીઈઓને જાણ કરવામાં આવી છે.
અમદાવાદના ડીઈઓ રોહિત ચૌધરીએ કહ્યું કે, ધમકી મળતા સ્કૂલ સંચાલકો દ્વારા પોલીસ અને ડીઈઓ કચેરીને જાણ કરાઈ હતી. સ્કૂલમાં પોલીસ દ્વારા તપાસ કરાઈ છે.
ઝોન 7ના ડીસીપી શિવમ વર્માએ કહ્યું કે, સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ સ્કવોડ દ્વારા તપાસ કરાઈ છે. ઈમેઈલ કરનારને શોધવામાં આવી રહ્યો છે. ગુનો નોંધી કસૂરવાર સામે કાર્યવાહી કરાશે.
ઈમેઈલમાં શું લખ્યું છે ?
શાળાને જે ઈમેઈલ કરવામાં આવ્યો છે તેમાં દુષ્કર્મ અને દહેજના એક કેસને લઈ વાત કરવામાં આવી છે. પોલીસ આ કેસમાં ઊંઘતી હોવાનો અને યોગ્ય તપાસ ન કરી રહી હોવાનો આક્ષેપ કરાયો છે. ઈમેલમાં આક્ષેપ કરાયો છે કે વર્ષ 2023માં હૈદરાબાદની એક હોટલમાં યુવતી પર થયેલા રેપના કેસમાં પોલીસનું ધ્યાન ખેંચાય એ માટે શાળામાં બ્લાસ્ટ કરીશું. રેપમાં દિવિજ નામનો ઉલ્લેખ કરાયો છે. દિવિજનાં માતા-પિતા દ્વારા પુત્રવધુ પાસે એક કરોડના દહેજની માંગણી કરી હોવાનો આક્ષેપ કરાયો છે. સવાલ ઉઠાવાયો છે કે દિવિજનાં માતા-પિતા સામે દહેજના કેસમાં કોઈ કાર્યવાહી કેમ નથી થઈ રહી?