અનાવલ: મહુવાના ભૂતળ ફળિયામાં કિરણ અરવિંદ ઓડ માતા-પિતા, ભાઈ-ભાભી અને બહેન સાથે સંયુક્ત કુટુંબમાં રહેતો હોવાથી તેને મહુવાના હટવાડા ફળિયામાં રહેતા શિવમ નામના યુવક સાથે મિત્રતા (Friendship) હતી. ગત રોજ તા.13 મીએ સાંજના કિરણ પોતાના મજૂરી કામેથી ઘરે આવી બેઠો હતો. તેવા સમયે તેનો મિત્ર શિવમ તેના ઘરે આવી થોડીવારમાં પાછો ગયો હતો. રાત્રિના નવ વાગ્યાના સમયે કિરણ સૂવા ગયો હતો. તેવા સમયે તેના મિત્રના પિતા લાલુ નગીન ઓડ કિરણના ઘરે આવ્યા હતા.
કિરણને બહાર બોલાવી તેમણે બોલાચારી કરી તું મારા છોકરાને બગાડે છે, તું ભણતો નથી અને ભણવા દેતો નથી કહી કિરણને ઢીકામુક્કીનો માર માર્યો હતો. બાદ થોડા સમય પછી ફરી એકવાર લાલુ ઓડ કિરણના ઘરે આવ્યો હતો અને બોલાચાલી અને ઝઘડો કરવા લાગ્યો હતો. તેણે ફોન કરીને તેમના ભાઈ મહેન્દ્ર ઓડ, મહેન્દ્રની પત્ની, તેમની માતા અને તેમની પત્ની વગેરેને બોલાવી લેતાં બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં તમામે મળી કિરણની માતા અને ભાભી સાથે પણ ઝપાઝપી કરી હતી.
ગાળગલોચની ભાષા અને છૂટા હાથની મારામારી વચ્ચે લાલુ ઓડે કિરણને ધમકી આપતાં જણાવ્યું હતું કે, જો શિવમ સાથે મિત્રતા રાખશે તો તને જાનથી મારી નાંખીશું. આથી કિરણ ઓડે મહુવા પોલીસમથકે ફરિયાદ આપતાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
વાપીના છરવાડામાં બે બાળકોની નેપાળી માતાની રાત્રીના સમયે ગળુ દબાવીને હત્યા
વાપી : નેપાળના વતની અને હાલ વાપી નજીકના છરવાડા ગામમાં આવેલી રમઝાન વાડીના ગુરૂકૃપા કોમ્પ્લેકસમાં રહેતી નેપાળી મહિલાની રાત્રીના સમયે કોઈકે ગળુ દબાવી હત્યા કરી દીધાનો બનાવ બનતા પોલીસ ટીમ દોડતી થઈ ગઈ હતી. મહિલા બે સંતાનની માતા હતી. મહિલાની હત્યા શા માટે અને કોણે કરી તેની તપાસ પોલીસ કરી રહી છે.
વાપી નજીકના છરવાડા ગામ, રમઝાનવાડીના ગુરૂકૃપા કોમ્પ્લેક્સમાં અર્જુનસિંગ પારકી પરિવાર સાથે રહે છે અને તેઓ સેલવાસની હોટલમાં નોકરી કરે છે. જ્યારે પત્ની લક્ષ્મી બે દિકરી સાથે રહે છે. નેપાળી મહિલા ઘરે એકલી હતી, ત્યારે રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઈસમે ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી. આ ઘટનાની જાણ મૃતક મહિલાના ભાભીએ આપી હતી. હત્યાની આશંકાને લઈ ઘટના સ્થળે પોલીસ ટીમનો કાફલો પહોંચી ગયો હતો અને મામલતદારની હાજરીમાં પંચનામુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હત્યાને પગલે નેપાળી સમાજમાં શોક ફેલાયો હતો. ઘટના અંગે વધુ મળતી વિગતો મુજબ મૂળ નેપાળનો અર્જુનસિંગ પારકી તેની પત્ની લક્ષ્મી પારકી અને 2 દીકરીઓ સાથે ચારેક મહિના પહેલા નેપાળથી વાપીમાં રોજગારી મેળવવા આવ્યો હતો. જે રમઝાન વાડીમાં ભાડે રૂમ લઈ રહેતો હતો. જ્યાંથી તે અઠવાડિયામાં એકવાર તેના ઘરે આવતો હતો. જે દરમ્યાન તેમની પત્ની અને 2 દીકરી સાથે ઘરમાં રહેતા હતાં. મહિલાની હત્યા શા માટે કરાઈ ? હત્યારો કોણ છે ? તેનું પગેરુ શોધવા માટે પોલીસ ટીમ તપાસ કરી રહી છે. હત્યાનો ગુનો નોંધી આગળની વધુ તપાસ વાપી ડુંગરા પોલીસ કરી રહી છે.