વ્યારા: તાપી (Tapi) જિલ્લા પંચાયતના સભ્યના પતિ (Husband) દ્વારા ગામનાં કેટલાક યુવાનોને ધમકી (Threat) આપતા મામલો ડોલવણ પોલીસ મથકે (Police Station) પહોંચ્યો છે. કહેવાય છે કે, ગામનાં કથિત ભ્રષ્ટાચારને (Corruption) લઈ યુવાનોએ અવાજ ઉઠાવ્યો હતો. જેથી જિલ્લા પંચાયતનાં સભ્ય અકળાયા હતા.ડોલવણ તાલુકાનાં વરજાખણ ગામના માજી સરપંચ વાસંતીબેન નવીનભાઈ પટેલ હાલના જિલ્લા પંચાયતમાં સભ્ય છે. તેઓના પતિ નવીનભાઈ પટેલ વિરૂદ્ધ ગ્રામજનોએ કરેલ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ આર્થિક રીતે મજબુત, રાજકીય બળ ધરાવતા અને જનુની સ્વભાવના હોવાથી તેઓ ગામના યુવકોને ઝઘડો કે મારામારી કરવા ઉશ્કેરે છે.
ગામના યુવકોને અકસ્માત કરાવીને મારી નાંખવાની ધમકી
ગામનાં અમુક લોકો કે સગા સબંધીઓ આડકતરી રીતે ગામમાં થતા ભ્રષ્ટાચાર કે કૌભાંડ સામે આવાજ ઉઠાવે તો તેઓ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી તેમજ જાહેરમાં ગામના યુવકોને અકસ્માત કરાવીને મારી નાંખવાની ધમકી આપવામાં આવે છે. વધુમાં ઉમેર્યુ છે કે, જો ગામના યુવાનોનું વાહન અડફેટે મોત નીપજે તો તેની તટષ્થ તપાસ કરીને યોગ્ય પગલા ભરવાની સાથે કાયદેસરની કાર્યવાહીની જણાવ્યું છે. જો કોઈ પણ હાનિ પહોંચે તો તેની સંપૂર્ણ જવાબદારી નવીનભાઈ અને જિલ્લા પંચાયતના સભ્ય વાસંતીબેનની જ રહેશે, તેવું જણાવી ડોલવણ પોલીસ અધિકારીને વાસંતીબેન અને નવીનભાઈના જવાબ લઇને યોગ્ય અને નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ચીખલીના આમધરામાં ચેકડેમ ઊંડા કરવાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ
ઘેજ: ચીખલીના આમધરામાં ચેકડેમ ઊંડા કરવાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની સ્થાનિકો દ્વારા ટીડીઓને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરવામાં આવી છે. આમધરા ગામમાં માર્ચ 21થી જૂન-22 જેટલો લાંબો સમય દરમ્યાન ચેકડેમ ઊંડા કરવાનું કેમ ચાલ્યું? જૂલાઇ, સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનામાં વરસાદ ઉપરાંત નદીમાં પાણી પણ હોય તેવા સમયે ચેકડેમ ઊંડા કરવાનું કામ કઇ રીતે થયું ? તેવા સવાલો સાથે આમધરાના ગ્રામજનો દ્વારા ટીડીઓને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરવામાં આવી છે.