અંકલેશ્વર: રાજ્યના પ્રથમ કોવિડ ( covid) સ્મશાનમાં પણ તોક્તેએ કહેર વર્તાવ્યો છે. પ્રતિ કલાકે 65 કિમીની ઝડપે ફુંકાતા વાવાઝોડા અને વરસાદના પગલે કોવિડ સ્મશાનમાં ખુલ્લામાં રહેલા હજારો મણ લાકડાંનો જથ્થો પલળી ગયો હતો. સ્મશાન સંચાલક ધર્મેશ મિસ્ત્રી અને અન્ય 12 જેટલા સ્વયંસેવકોએ સોમવારે રાતથી જ વરસતા વરસાદ વચ્ચે જેટલા લાકડાંને પતરાના શેડ અને સલામત સ્થળે ખસેડાય એટલા પ્રયત્નો કર્યા હતા. જો કે, વાવાઝોડા અને રાતથી સતત વરસતા વરસાદ વચ્ચે વધુ લાકડાંને સલામત સ્થળે ખસેડી શક્યા ન હતા. મૃતદેહોના અંતિમસંસ્કારમાં પણ વરસાદ અને તૌકતે વાવાઝોડાનું વિઘ્ન નડ્યું હતું. મંગળવારે સાંજ સુધીમાં 10 મૃતદેહ સ્મશાનમાં અગ્નિદાહ માટે લવાયા હતા.
તોકતે વાવાઝોડાની અસર ભરૂચ જિલ્લાના દરિયા કાંઠે અને સમગ્ર જિલ્લામાં સોમવારે રાતથી જ વર્તવાની શરૂ થઈ ગઈ હતી. પવન સાથે વરસાદ સમગ્ર રાત્રિ દરમિયાન રહ્યા બાદ મંગળવારે મળસકેથી તોક્તેએ તબાહીનું તાંડવ શરૂ કર્યું હતું.મંગળવારે સવારથી ભરૂચના દરિયા કાંઠે પ્રતિ કલાકે 110 કિલોમીટરની ઝડપે વિનાશક પવનો ફુંકાતા ભયનો માહોલ ફેલાયો હતો. દરિયામાં વાવાઝોડાના કારણે 2થી 3 મીટર મોજાં ઊછળ્યાં હતાં. કાંઠે આવેલાં ગામો અને વિસ્તારોમાં 110 KMની ઝડપે વંટોળના કારણે કેટલાંય વૃક્ષો, વીજ લાઈન અને પોલ ધરાશાયી થવાના બનાવો બન્યા હતા. કાચાં મકાનો, ઝૂંપડાંને નુકસાન સાથે પતરાં, છાપરાં, નળિયા વાવાઝોડામાં દૂર દૂર સુધી ફંગોળાઈ ગયાં હતાં.
વાગરા, હાંસોટ, જંબુસર દરિયાઈ પટ્ટી સાથે ભરૂચ અને અંકલેશ્વર ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી તંત્ર દ્વારા 3756 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું. ભરૂચ, અંકલેશ્વર શહેર અને અન્ય તાલુકામાં પ્રતિ કલાકે 60 કિલોમોટરની ઝડપે તોકતેના તુફાની પવનો સાથે સતત વરસાદ વરસતા કોરોના વચ્ચે જનજીવન સ્થગિત થઈ જવા જેવો હાલ સર્જાયો હતો.DGVCL વીજ કંપનીના 218 પોલ એક ટ્રાન્સફોર્મર (transformer) ને વાવાઝોડા અને વરસાદમાં નુકસાન પહોંચ્યું છે. જ્યારે વૃક્ષો અને ઝાડી-ઝાંખરા તૂટીને વીજ લાઈનો ઉપર પડતા વીજ પૂરવઠો પણ ખોરવાઈ ગયો છે. ભરૂચ જિલ્લામાં 65 ગામમાં પણ વીજળી વેરણ બની છે. જિલ્લાની તમામ 50 કોવિડ હોસ્પિટલ ( covid hospital) માં વીજ પૂરવઠો ઠપ થઈ જતા હાલ DG સેટ અને જનરેટર ઉપર ચાલી રહી છે. બીજી તરફ વરસાદના પગલે ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાયા છે. કોવિડ સ્મશાનમાં પણ વાવાઝોડા અને વરસાદના લીધે મૃતદેહોની અંતિમ ક્રિયામાં વિઘ્ન ઊભું થયું છે.
ભરૂચ જિલ્લામાં કુલ 289 મીમી વરસાદ ખાબક્યો
તોક્તે વાવાઝોડાને લઈને જિલ્લામાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ગઈકાલથી શરૂ થયેલ ભારે પવન સાથે વરસેલા વરસાદમાં ભરૂચ જિલ્લામાં 61 મીમી, આમોદમાં 16 મીમી, અંકલેશ્વરમાં 35 મીમી, હાંસોટમાં 75 મીમી, જંબુસરમાં 22 મીમી, નેત્રંગમાં 7 મીમી, વાલિયામાં 16 મીમી અને ઝગડિયામાં 6 મીમી વરસાદ પડ્યો હતો. જેને કારણે ભારે નુકસાન થયું હતું અને ઠેર ઠેર પાણી ભરાયું હતું.