સુરત જિલ્લાની મતદારયાદીમાં હજારો ખોટા, ડુપ્લિકેટ અને બહારના રાજ્યોના નાગરિકોના નામ નોંધાયેલા હોવાની ફરિયાદ સાથે આ મામલે નક્કર કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે નિષ્પક્ષ તપાસ સમિતિની રચના કરી ગંભીર ખામીઓ દૂર કરવા બાબતે માગણી કરી છે.
- સુરત જિલ્લાની મતદારયાદીમાં ખોટી રીતે નોંધાયેલા/ડુપ્લિકેટ/બહારના રાજ્યના મતદારોની તાત્કાલિક ચકાસણી માટે નિષ્પક્ષ તપાસ સમિતિ રચવા તથા SIR પ્રક્રિયાની ગંભીર ખામીઓ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકની મુખ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત
- SIR (Special Intensive Revision) દરમિયાન જો યોગ્ય તકેદારી ન રખાઈ તો ગુજરાતમાં પણ બિહાર જેવી ઘટના બની શકે છે: દર્શન નાયક
દર્શન નાયકે કહ્યું કે મતદાર યાદીમાં ગંભીર ખામીઓ બાબતે અગાઉની રજૂઆતો છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ખાસ કરીને સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાના પીપોદરા , મોટા બોરસરા, પાલોદ, કોસંબા, તરસાડી નગર, કુંવરદા અને મહુવેજ ગામ તેમજ ઓલપાડ તાલુકાના કીમ, માસમા, આટોદરા, સાયણ, સિવાણ, દેલાડ, કરમલા અને ઓલપાડ ગામ તેમજ કામરેજ તાલુકાના કામરેજ, નવાગામ, ખોલવડ, પારડી, અબોલી અને ઉમેળ ગામ તેમજ પલસાણા તાલુકાના કડોદરા, ચલથાણ, બલેશ્વર, વરેલી, તાતીથૈયા, જોળવા, પલસાણા અને સાકી ગામ તેમજ ચોર્યાસી તાલુકાના હઝીરા, ભટલાઈ, વાસવા, કવાસ, મોરા , સુવાલી, રાજગરી ,ઇચ્છાપોર, ભાઠા, ભાટપોર, લાજપોર ,સચિન અને દામકા ગામ અને બારડોલી તાલુકાના બાબેન,બારડોલી અને કડોદ સહિતના ગામોમાં બહારના રાજ્યમાંથી આવેલા નાગરિકો સુરત જિલ્લાની મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવતા હોય છે. પરંતુ ઘણી વખત લોકો અજાણતા અથવા જાણકારીના અભાવે બે અલગ-અલગ સરનામે મતદાર કાર્ડ બનાવી લે છે પરંતુ જૂનું કાર્ડ રદ કરાવતા નથી.
આગામી ચૂંટણીમાં ગંભીર અનિયમિતતાનો ભય
દર્શન નાયકે પોતાની રજૂઆતમાં કહ્યું કે, આગામી ચૂંટણીઓમાં ગંભીર અનિયમિતતા થવાની શક્યતા છે. આ ઉપરાંત તાજેતરમાં સમાપ્ત થયેલી બિહાર વિધાનસભા ચૂંટણી- ૨૦૨૫ દરમિયાન અત્યંત ગંભીર ઘટનાઓ સામે આવી છે કે, હજારો મતદારોએ ઉત્તરાખંડ, હરિયાણા અને દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં મતદાન કર્યું હતું અને તે જ વ્યક્તિઓએ બિહારમાં પણ મતદાન કર્યું હતું. આ ડુપ્લિકેટ મતદાનની ઘટનાએ દેશની ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉભા કર્યા છે.
ગુજરાત રાજ્યમાં પણ મોટી સંખ્યામાં બહારના રાજ્યોના મજૂરો કામ કરે છે. હાલ ચાલી રહેલા SIR (Special Intensive Revision) દરમિયાન જો યોગ્ય તકેદારી ન રખાઈ તો ગુજરાતમાં પણ બિહાર જેવી ઘટના બની શકે છે.
આ ખામીઓ પર ધ્યાન આપવા વિનંતી કરાઈ
• બહારના રાજ્યોમાંથી આવેલા મજૂરોને ગ્રામ પંચાયતો/તલાટી દ્વારા રહેઠાણના દાખલા આપીને મતદારયાદીમાં નામ નોંધાવવામાં આવે છે.
• આવા વ્યક્તિઓ પાસે પોતાની માલિકીનું ઘર કે મકાન નથી, માત્ર 4-6 મહિના કામ કરીને પોતાના મૂળ રાજ્યમાં પાછા જતા રહે છે, તેમ છતાં તેમનું નામ ગુજરાતની મતદારયાદીમાં રહે છે.
• BLO/ERO દ્વારા કોઈ ઘરે-ઘરે ચકાસણી થતી નથી અને ફક્ત ગ્રામ પંચાયતો/તલાટી દ્વારા રહેઠાણના દાખલા દાખલા પર જ નામ ઉમેરાય છે.
• SIR (Special Intensive Revision) અને SVR દરમિયાન ગ્રામ પંચાયતોમાં રહેઠાણના દાખલાઓનું કોઈ રજિસ્ટર જાળવવામાં કે નિભાવવામાં આવતું નથી, જેથી રહેઠાણના દાખલાનો દુરુપયોગ થાય છે.
• એક જ વ્યક્તિ ગુજરાત + મૂળ રાજ્ય એમ બંને જગ્યાએ મતદાન કરી રહ્યા છે – આ ડુપ્લિકેટ મતદાન છે અને RP Act-1951ની કલમ ૧૭ તથા IPCની કલમ ૧૭૧(D) હેઠળ ગંભીર ગુનો છે.
• સુરત જિલ્લામાં Special Intensive Revision (SIR) દરમિયાન એક જ દિવસમાં એક જ ઘરના નામે ૧૦ – ૧૫ નવા ફોર્મ સ્વીકારાય છે, જેની કોઈ ચકાસણી થતી નથી.
• સુરત જિલ્લામાં Special Intensive Revision (SIR) દરમિયાન જાહેર જનતા માટે ગામડે ડ્રાફ્ટ યાદી લગાવવામાં આવતી નથી, જેથી સ્થાનિક મતદારોને ખબર જ ન પડે કે કેટલા ખોટા નામ ઉમેરાયા છે અને કેટલા નામો કમી કરવામાં આવ્યા છે.
• સુરત જિલ્લામાં Special Intensive Revision (SIR) દરમિયાન વાંધા-સુધારાનો સમયગાળો ખૂબ ઓછો છે. માત્ર 7-10 દિવસમાં હજારો ખોટા નામો સામે Form-7 ભરવું ખૂબ મુશ્કેલ બની જાય છે.
આ કાર્યવાહી કરવા માગણી
• આ સમિતિ દ્વારા આધાર + NVSP પોર્ટલ દ્વારા ડુપ્લિકેટ નામોની તપાસ કરીને એક જ વ્યક્તિના બે રાજ્યોમાં નામ હોય તે તમામ નામો સુરતની મતદાર યાદીમાંથી તાત્કાલિક દૂર કરવામાં આવે.
• જે વ્યક્તિઓની પાસે પોતાની માલિકીનું ઘર નથી અને જેમનું રહેઠાણ અસ્થાયી છે, તેમના નામ Form-7 દાખલ કરીને દૂર કરવામાં આવે.
• ખોટા રહેઠાણના દાખલા આપનાર સામે દાખલો બેસે એવી કાર્યવાહી કરવામાં આવે.
• આગામી ચૂંટણી પહેલાં ૧૦૦% ઘરે-ઘરે ચકાસણી અને આધાર-આધારિત બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવે.
• Special Intensive Revision (SIR) દરમિયાન દરેક ગામે ડ્રાફ્ટ મતદારયાદી ૩૦ દિવસ સુધી પ્રદર્શિત કરવી અને ગામના વોટ્સએપ ગ્રુપમાં પણ મૂકવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવે. જેથી દરેક નાગરિક સુધી સચોટ અને પૂરતી માહિતી પહોંચી શકે.
• Special Intensive Revision (SIR) દરમિયાન વાંધા-સુધારા માટે ન્યૂનતમ ૩૦ દિવસનો સમય આપવામાં આવે કે જેથી નાગરિકો પોતાના પુરાવા રજૂ કરી શકે.