વડોદરા: શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં પાલિકા દ્વારા ચાર કીમીનો સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. જો કે આ ટ્રેક એવો બનાવાયો છે કે જે હંસીને પાત્ર બની રહ્યો છે. 1.88 કરોડના ખર્ચે બનાવાયેલ આ ટ્રેક ઉપર માત્ર ગુલાબી પટ્ટા મારી દેવાયા છે અને ક્યાંક ક્યાં આ ટ્રેક ઝાડ વચ્ચેથી પસાર થાય છે તેવા આક્ષેપ સ્થાનિક દ્વારા કરવામાં આવ્યા છે અને આ અંગે તેઓએ પ્રધાનમંત્રી એમજ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે.
દિવસે દિવસે લોકો સાયકલ તરફ આકર્ષાઈ રહ્યા છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં પાલિકા દ્વારા સાયકલચાલકોને સુવિધા આપવા માટે સાયકલ ટ્રેક બનાવવામાં આવી રહ્યા છે. શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ વૃંદાવન થી સરદાર એસ્ટ થી પાણીગેટ ટાંકીથી વૃંદાવન ચાર રસ્તા સુધી ચાર કિમિ વિસ્તારમાં પાલિકા દ્વારા સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. 1.88 રૂ.કરોડના ખર્ચે આ સાયકલ ટ્રેક બનાવાયો છે. આ અંગે સ્થાનિક ચંદ્રનગર સોસાયટીમાં રહેતા સામાજિક આગેવાન કલ્પેશ પટેલે આક્ષેપો કર્યા છે અને તેઓએ પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે.
આ રજુઆતમાં તેઓએ આ સાયકલ ટ્રેક એ પ્રજાના પૈસાનો વ્યય થયો હોવાનું જણાવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે જો સ્થાનિક વિસ્તારની અન્ય સમસ્યાઓ પાછળ આ ખર્ચ કરવામાં આવ્યો હોત તો તે લેખે લાગ્યું હોત. આ ટ્રેક ઉપર માત્ર ગુલાબી પટ્ટા લગાવી દેવામાં આવ્યા છે અને તેના માટે અધધ ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે આ સાયકલ ટ્રેકની વચ્ચે ક્યાંક ઝાડ આવે છે તો ક્યાંક કચરા પેટી આવેલ છે. ક્યાંક તો બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે તેની વચ્ચેથી આ ટ્રેક પસાર થાય છે. ત્યારે આ માત્ર નાણાંનો વેડફાટ થયો હોય તેમ આક્ષેપ કરાયા છે.
બિનજરૂરી સાયકલ ટ્રેક બનાવાયો છે પ્રાથમિક સુવિધા પહેલા આપો
વાઘોડિયા રોડ વિસ્તારમાં ચાર કીમીનો જે ટ્રેક બનાવાયો છે તે બિનજરૂરી બનાવાયો છે. આ વિસ્તારમાં પાણીની સમસ્યા છે. પાણીની લાઈન માટે મંજૂરી મળી ગઈ છે તેમ છતાં આજદિન સુધી કોઈ કામ થયું નથી. મેં આર.ટી.આઈ. હેઠળ પણ માહિતી માંગી છે પરંતુ હજુ સુધી મળી નથી. આ અંગે પી.એમ.ઓ અને સી.એમ.ઓ. માં પાત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે ત્યાંથી જે તે વિભાગને તપાસ આપી હોવાના પત્ર આવ્યા છે. – કલ્પેશ પટેલ – સ્થાનિક રહીશ
આ બધી ઉપજાવેલી વાતો છે,10 ટકા ભાગમાં અડચણ હશે પરંતુ તે કાયમી નથી
દરેક પાસાનો વિચાર કરીને બજેટની ફાળવણી થતી હોય છે. આ વિસ્તારમાં પાણીની સમસ્યા માટે પણ ઉકેલ લાવ્યા જ છે. હાલમાં લોકો સાયકલ તરફ વળ્યાં છે તેને લઈને અલગ અલગ વિસ્તારમાં સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યા છે અને હજુ અનેક ટ્રેક બનશે જરૂરિયાત મુજબ સાઈન બોર્ડ પણ મુકાશે અને લોકોની સુવિધામાં વધારો કરશે. આ માત્ર ઉપજાવી નાખેલી વાતો છે. 10 ટકા ભાગમાં ક્યાંક પાર્કિંગ થતા હશે પરંતુ તે કાયમી નથી.
– ડો.હિતેન્દ્ર પટેલ, ચેરમેન, મનપા