આયુષ્યમાન ખુરાના, નવાઝુંદ્દીન સિદ્દીકી, મનોજ વાજપેયી વગેરે એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કરે છે. ઘણા માને છે કે તેઓ પોતાને અસલામત અનુભવે છે એટલે ઘણી ફિલ્મોમાં કામ કરે છે. પરંતુ આ બધાનું કહેવું એવું હોય છે કે સલમાન, આમીર, અક્ષયકુમાર વગેરે તો એકાદ-બે ફિલ્મમાંય કરોડો કમાય લેતા હોય છે એવું અમારે નથી હોતું. અમારે દરેક ફિલ્મે અમારી ઈમેજનો કાર્ડ રિન્યુ કરાવવો પડે છે. અમારે ફિલ્મો 100 કે 200 કરોડ કમાવાની નથી હોતી. આ બાધાની વાત એક અર્થમાં સાવ સાચી છે. આયુષ્યમાન કોઈ ફિલ્મમાં હીરો હોય અને સલમાન હીરો હોય એ બન્ને વાતમાં મોટો ફરક છે. આયુષ્યમાન એવો દાખલો આપી શકે કે 2019માં તેની ત્રણ ફિલ્મો રજૂ થયેલી-‘આર્ટીકલ 15’,‘ડ્રીમ ગર્લ’ અને ‘બાલા’. ત્રણે સફળ ગયેલી છતાં તે ત્રણે થઈને એટલું નહોતુ કમાયેલી જેટલું સલમાનની એક જ ફિલ્મ કમાણી કરે. 2018માં ‘અંધાધૂન’ અને ‘બધાઈ હો’ પણ સફળ રહેલી છતાં આયુષ્યમાન કાંઈ એવો મોટો સ્ટાર નથી બની શક્યો.
આયુષ્યમાન એટલો સંતોષ લઈ શકે કે પ્રેક્ષકો હવે તેના નામે ફિલ્મો જોવા તૈયાર હોય છે પણ સાથે જ જાણે છે કે વિષયના વૈવિધ્ય સાથે ફિલ્મો કરવી પડશે અને અભિનય શૈલીમાં ય વૈવિધ્ય ઉમેરવું પડશે. તેનો ચહેરો મધ્યમ વર્ગીય પંજાબીનો છે. આ ચહેરો અને તેની બોડી લેંગ્વેજ સ્વયં તેની ફિલ્મ ઈમેજ બને છે. તેનો પ્રચાર મોટા સ્ટાર તરીકે ન થઈ શકે. આયુષ્યમાન પોતે પણ આ વાત જાણે છે એટલે એવી ડિમાંડ નથી કરતો કે મારી હીરોઈન દિપીકા પાદુકોણ યા કેટરીના કૈફ હોવી જોઈએ. તેની ફિલ્મોના શૂટિંગ વિદેશના લોકેશન પર પણ નથી થતા. તેની ફિલ્મોમાં અનુપમ ખેર, બોમન ઈરાની જેવા સહઅભિનેતાની ય જરૂર નથી પડતી.
પણ હવે તેની હિરોઈન જરા જરા બદલાવા માંડી છે. તબુએ તેની સાથે કામ કર્યું અને હવે ‘ચંડીગઢ કરે આશિકી’માં વાણીકપૂર છે. ‘અંધાધૂન’ પછી તેને એક્શન થ્રીલર ફિલ્મો મળવા માંડી છે અને ટી સિરીઝવાળા તેની ફિલ્મોની નિર્માતા બનવા તૈયાર છે. ‘અનેક’ ફિલ્મ એવી જ છે જે આયુષ્યમાન સાથે ‘આર્ટિકલ 15’ બનાવી ચુકેલા દિગ્દર્શક અનુભવ સિંહાના દિગ્દર્શનમાં બની રહી છે. ‘ડૉક્ટર જી’માં તેની સાથે રકુલપ્રીત સીંધ છે. આયુષ્યમાન સાથે અગાઉ ‘બરેલીકી બર્ફી’ અને ‘બધાઈ હો’ બનાવી ચુકેલા જ ‘ડૉક્ટર જી’ બનાવી રહ્યા છે. આયુષ્માન હવે જવાબદારી સાથે આગળ વધી રહ્યો છે. તેણે કાળજી રાખી છે કે મલ્ટી સ્ટાર ફિલ્મોનો હિસ્સો ન બનવું. રોહિત શેટ્ટી યા ડેવિડ ધવન જેવા પ્રકારની કોમેડી ફિલ્મો બનાવે છે તે તેને અનુકુળ નથી. હા, પ્રિયદર્શન સાથે કામ કરવા તે આતુર છે.
આયુષ્યમાન અત્યારે કોઈ વેબસિરીઝ પણ કરવા નથી માંગતો. જે ત્રણ ફિલ્મો અત્યારે છે તે રિલીઝ થાય પછી આગળનું વિચારશે. પોતાની ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થાય તેનોય તેને વાંધો નથી. ‘ગુલાબો સિતાબો’ એમેઝોન પ્રાઈમ વિડીયો દ્વારા જ રજૂ થયેલી. સલમાન જેવાને ઓટીટી પર ફિલ્મ રજૂ થવાથી નુકશાનીનો ડર લાગી શકે. આયુષ્યમાનને નહી. તે પોતાની પોઝીશનમાં કમ્ફર્ટેબલ છે.