કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરી સંસદભવનમાં એક રખડતા કૂતરાને સાથે લઇ ગયા હતાં. એમણે એ પછી એક ટીપ્પણી એ પણ કરી હતી કે સંસદમાં બેઠેલાઓ કરડે છે, કૂતરાઓ નહીં. રેણુકા ચૌધરીના સંસદ ખાતેના આવા બાલિશ વર્તનને સંસદભવનની ગરિમાને હાની પહોંચાડવા બરાબર ગણી શકાય. એમણે આવું કરીને સમગ્ર દેશનું અને આપણા બંધારણનું અપમાન કર્યું છે. એમ કહેવામાં કોઇ ભૂલ થતી નથી. કાલે ઉઠીને કોઇ આખલા ઉપર બેસીને સંસદમાં આવે અને કહે કે, આખલો માણસને પછાડતો નથી. પણ સંસદમાં બેઠેલાઓ એક બીજાને પછાડે છે. કોઇ વળી કાળા નાગને કરંડીયામાં સાથે રાખીને સંસદમાં પ્રવેશ કરીને કહે કે ‘મારો નાગ કરડતો નથી, પણ અહિયાં બેઠેલી વ્યકિતઓ કરડે છે આને માણસ ઝેરથી મરી જાય છે. આમ જેને ફાવે એ રીતે સંસદમાં પ્રવેશીને એમની મનઘડત મનોદશા સંસદમાં ઠાલવે, એ સહન થાય એમ ના જ હોય. રેણુકા ચૌધરીએ ઉલટાનું કૂતરાંઓનું અપમાન કર્યું છે. કારણ કે કૂતરાંઓનો સ્વભાવ જ એવો છે કે તેઓ માણસને લાગ મળતાં કરડતાં જ હોય છે.
કતારગામ, સુરત- બાબુભાઇ નાઇ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.