ટ્રાફિકને લગતા કાયદાઓનો જે સરિયામ ભંગ ભારતમાં થઈ રહ્યો છે, તે વિશ્વમાં બેનમૂન છે. આ જ ભારતીયો જ્યારે દુબઈ, ઈગ્લેન્ડ, અમેરિકા જાય છે ત્યારે ત્યાંના નિયમોનો બહુ વફાદારીપૂર્વક અમલ કરે છે, પરંતુ જેવા ભારતમાં દાખલ થાય છે કે તરત તેમના શિસ્તનું ઢાંકણું હવામાં ઉડાડી દે છે અને બેફામ નિયમ-ભંગ કરવા લાગે છે. તમે કોઈ પણ નિયમ ભંગ કરો, તો એક શરત એવી હોય છે, ઈન્ડિયન પીનલ કોડમાં પણ આવું છે કે ‘‘આ ગુનાનો ભંગ કરવાથી રૂા. 500/- સુધીનો દંડ અથવા છ મહિના સુધીની સજા થઈ શકે છે.
‘‘એટલે મેજીસ્ટ્રેટને સજા કરવાની અમર્યાદ સત્તા મળે છે. આ સજાનાં એક પૈસાના દંડથી માંડી કોર્ટ ઊઠવા સુધીની સજા આવી જાય છે. આવા નિયમો ચાર ભ્રષ્ટાચારનું મૂળ છે. ઓછામાં ઓછી સજા-દંડ રૂા. 5 હજાર કે કેદ 3 માસની કરાય, તો બધું સીધું અને ગુનો કરનારા પણ સીધા થઈ જાય. શિસ્ત અને પ્રામાણિકતાથી કાયદાઓનો અમલ નહીં થાય, તો દેશને તૂટતાં વાર નહીં લાગે. સામાન્ય માણસ કોઈ કાયદા-ભંગ કરે તો તેને આ રૂલ નીચે જે 50/- રૂા.નો દંડ થાય એટલો જ એ જ કાયદાભંગ માટે મુકેશ અંબાણીને પણ થાય. આમાં જે સમાનતાનું ધોરણ છે તે ભયંકર પરિણામો નિપજાવે છે. પશ્ચિમી દેશોમાં નિયમભંગ માટે કડક કાયદા અને અમલ કરનારા અમલદારો અને જજો પ્રામાણિક હોય છે.
કોઈ ગમે એવો ચમરબંધ હોય, તો પણ તેની પરવા કરતા નથી. અહીં ધારાસભ્યનો દીકરો ઈન્સ. જોડે તૂ તા થી વાત કરતાં શરમાતો નથી. ઈંગ્લેન્ડમાં એક વાર પ્રધાનમંત્રીના દીકરાએ નિશાળમાં ગેરશિસ્ત કર્યું. દીકરાને કંઈ થયું નહીં પરંતુ દીકરાના બાપને નિશાળના નિયમ મુજબ સ્કૂલમાં બોલાવવામાં આવ્યા અને આચાર્યે એ મહાશયને દીકરાના ખોટા વર્તન બદલ ઠપકો સંભળાવ્યો જે ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રીએ નીચા મોંએ સાંભળી લેવો પડયો અને અહીં પ્રધાનમંત્રી મોદી હોદ્દાને ન શોભે એવી ભાષા ભાષણોમાં બેફામ બોલે છે. તેને નોટિસ આપવાની હિંમત ચૂંટણી પંચના ત્રણ પૈકી એક પણ કમિશ્નરમાં નથી. આવાં કોમવાદી ભાષણો મોદી કરે, પણ નોટિસ બીજાને નડ્ડાને પકડાવે છે.
સ્વીડનમાં એક ઉજાગર કરે એવો કિસ્સો બન્યો. એક નોટરીસ્ટ પોતાની ફેરારી કારમાં નિયમ કરતા 57 કિ.મી. વધુ ઝડપે ગાડી હાંકી કેમેરામાં રેકર્ડ થયું. આ વ્યકિતનો આગળનો નિયમભંગનો ઈતિહાસ ચકાસાયો. તેની આવકના આંકડા મેળવાયા અને આ કાર 57 કિ.મી. વધુ ઝડપે હાંકવા બદલ તેના પર રૂા. 33 કરોડનો દંડ ફટકારાયો. દંડની રકમ નક્કી કરનાર તંત્રને ધન્યવાદ છે અને અહીં કેન્દ્રીય ચૂંટણી પંચને ધિક્કાર છે. પ્રો. અમજદખાન એવું બોલેલાં ‘‘કાયદો તેના પાળનારાઓ સાથે નિર્દય બને છે અને તેને તોડે તેનાથી ડરીને ચાલે છે.
સુરત – ભરત પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.