Charchapatra

શહેરહિત જોનારા, હવે ગણ્યા ગાંઠ્યા જ રહ્યા!

આપણી સોનાની મૂરત જેવા સુરતને માંગણી વિના જ હવે બિલ્લી પગલે મેટ્રો સિટીની માયાવી વરમાળા પહેરાવતા જાય છે ત્યારે મનમાં સહજ પ્રશ્ન ઉઠ્યા વિના નથી રહ્યો કે આ શહેરવાસીઓમાંથી કોઈ એક પણ વ્યક્તિ વિરોધ વ્યક્ત નથી કરી શકતી? મને બરાબર યાદ આવે છે એ ભૂતપૂર્વ નગરસેવકો કે, જેઓ એ આ સોનેરી નગરીનાં હિતમાં ભૂતકાલીન બળવા પોકારીને જનહિત અને નગરજનો માટે શહેરના અમુક ચોક્કસ વિસ્તારમાં રસ્તાઓ પહોળા કરવા સુરત મ્યુનિસિપલ કમિશનર પાસે લાઈનદોરીનો કડક અમલ કરાવેલો.

મૂળ સુરતી સેવકો પૈકીના કેટલાયે નગરસેવકો જે આજે આપણી વચ્ચે નથી એમની યાદ ફક્ત રહી છે એવા ગોરધનદાસ ચોખાવાલા, મદનલાલ બુનકી, કાશીરામ રાણા જેવા અનેક નામી અનામી એ આ શહેરહિત ખાતર કોઈ ને કોઈ પ્રજાજોગ ફરિયાદ અને પ્રશ્નોને વાચા આપી નગરન્યાય પક્ષે અડીખમ રહ્યા હતા. આજે તો આખેઆખો સિનારિયો જ બદલાઈ ગયો! જાણે શાસક પક્ષ અને વિરોધપક્ષની સાંઠગાંઠ. ઘાંચી, ગોલા, ખત્રી, કણબી, કોળી, વાણિયા, બ્રાહ્મણ, જૈન સમુદાય અને પેઢી દરપેઢીથી સ્થાયી થયેલા એવા મુસ્લિમ, મરાઠી, માછી, કાછીયા સમેત. પરગામેથી આવી રોજીરોટી, આજીવિકા હેતુ તમામ વર્ગનાં નગરજનો એ પોતપોતાના વિસ્તારનાં પ્રશ્નો પર શેરી આંદોલન કે ખુલ્લામંચનું આયોજન કરતા શું આડે આવે છે?
પંકજ     – શાંતિલાલ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top