Comments

જેઓ ડરતાં નથી તેને ડરાવી શકાતાં નથી

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને નોટીસ આપીને પૂછ્યું છે કે રાજદ્રોહને ગુનો ગણાવતા ભારતીય દંડસંહિતાના સેક્શન ૧૨૪ (એ)ને શા માટે રદ કરવામાં ન આવે? આ કાયદાનો વ્યાપકપણે દુરુપયોગ થઈ રહ્યો છે. પહેલાં અંગ્રેજો દુરુપયોગ કરતા હતા, આઝાદી પછી ભારત સરકાર અને રાજ્ય સરકારો કરતી આવી છે અને અત્યારે હિંદુ રાષ્ટ્રવાદી સરકાર તેનો સૌથી વધુ દુરુપયોગ કરે છે. અંગ્રેજો કરતાં પણ વધુ, અભૂતપૂર્વ પ્રમાણમાં.

૨૦૧૪ માં નરેન્દ્ર મોદીની સરકાર આવી એ પછી અત્યાર સુધીમાં છ વરસમાં રાજદ્રોહના ૫૧૯ ગુના દાખલ થયા છે. એ પહેલાં ડૉ. મનમોહનસિંહના રાજમાં ૨૦૧૦-૨૦૧૪ ના ચાર વરસમાં રાજદ્રોહના ૨૭૯ ગુના નોંધાયા હતા. બન્ને સરકારોના કાર્યકાળના એક દશક દરમ્યાન કુલ ૧૦૯૩૮ વ્યક્તિઓ સામે રાજદ્રોહ કરવાના ગુના દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૬૫ ટકા એટલે કે ૭૦૮૫ વ્યક્તિઓ સામે રાજદ્રોહના ગુના નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પછી નોંધાયા છે. નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા એ પછી સરકારની ટીકા કરવી એને રાજદ્રોહ ઠરાવીને કુલ ૪૦૫ ભારતીય નાગરિકો સામે રાજદ્રોહના કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને તેમાંથી ૯૬ ટકા એટલે કે ૧૪૯ અને ૧૪૪ કેસ અનુક્રમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથની ટીકા કરવાને લગતા છે. રાજદ્રોહ કહી શકાય કે ખપાવી શકાય એવા ગંભીર કોઈ આરોપ જ નથી, માત્ર ટીકા કરી એને રાજદ્રોહ ગણાવવામાં આવ્યો છે.

આ કાયદાનો ઉઘાડો દુરુપયોગ છે. આનો અર્થ એવો નથી કે આ કાયદાનો બીજા શાસકોએ દુરુપયોગ નથી કર્યો. ૧૮૩૭ ની સાલમાં લૉર્ડ મૅકોલેએ આ કાયદો ઘડ્યો હતો જે ત્યારે સેક્શન ૧૧૩ હતો. પાછળથી ૧૮૭૦ ની સાલમાં એ કાયદો ભારતીય દંડસંહિતાના સેક્શન ૧૨૪ બનીને કાયદાપોથીમાં આવ્યો હતો અને આજ સુધી એના એ સ્વરૂપમાં કાયમ છે. આ કાયદાનો દુરુપયોગ લોકમાન્ય તિલક સામે, મહાત્મા ગાંધી સામે, કોંગ્રેસના બીજા અનેક નેતાઓની સામે અને સશસ્ત્ર ક્રાંતિકારીઓ સામે કરવામાં આવ્યો છે. એ સમયે જ રાજદ્રોહના કાયદાનો નાગરિકોની સામે થઈ રહેલા દુરુપયોગને જોઇને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે ભારતને આઝાદી મળતાંની સાથે જ લોકોની અભિવ્યક્તિને રુંધનારા આ કાળા કાયદાને રદ કરવામાં આવશે.

ભારતને આઝાદી મળી એ પછી જવાહરલાલ નેહરુએ આ કાયદાને કાયદાપોથીમાંથી રદ કરવાનો પ્રયાસ કર્યો હતો; પરંતુ ત્યારે દલીલ કરવામાં આવી હતી કે આઝાદ ભારત હજુ બાલ્યાવસ્થામાં છે, તેનો જન્મ જ કોમી વિભાજન સાથે થયો છે, તે કમજોર છે, રાજદ્રોહનો કાયદો રક્ષણ આપવાનું કામ કરશે. દેશ પગભર તો થયો, પણ બહુ ઝડપથી સમસ્યામુક્ત થઈ શક્યો નથી. થઈ શકે એમ જ નહોતો.

સમસ્યાઓ જૂની અને જટિલ છે અને તેમાં લાગતીવળગતી પ્રજા એકબીજાના પગની આંટી મારે છે અને સમસ્યાને ઉકેલવા દેતી નથી. આનો અંત લાવવા હજુ વધારે આકરા કાયદાઓ ઘડવામાં આવ્યા છે. નેશનલ સિક્યુરિટી એક્ટ (એનએસએ), પબ્લિક સેફટી એક્ટ (પીએસએ), અનલોફૂલ એક્ટીવીટીઝ પ્રિવેન્શન એક્ટ (યુએપીએ), પ્રિવેન્શન એટ ટેરરીઝમ એક્ટ (પીઓટીએ-પોટા) અને બીજા આવા અનેક કાયદાઓ સત્તાધીશો પાસે હાથવગા છે. આ બધા કાયદાઓ રાજ્યદ્રોહના કાયદા કરતાં વધારે આકરા છે અને છતાં સમસ્યાઓનો કે અશાંતિનો અંત આવતો નથી, હા, તેનો અવાજ કરનારાઓ સામે કે અણમાનીતી પ્રજા સામે દુરુપયોગ જરૂર કરવામાં આવે છે. જેમ કે આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા એ પછી એનએસએ હેઠળ ૧૬૦ મુસલમાનોને જેલમાં ધકેલવામાં આવ્યા હતા.

ટૂંકમાં સરકાર પાસે રાજદ્રોહ કરતાં પણ વધુ વિકરાળ કાયદાઓ હાથવગા છે, પણ વર્તમાન શાસકોને રાજ્યદ્રોહનો કાયદો વધારે માફક આવે છે. કારણ? કારણ બહુ સ્પષ્ટ છે. રાષ્ટ્રીય સુરક્ષાને લગતા આકરા કાયદાઓ ગંભીર ગુનાઓ માટેના છે એટલે તે સ્વતંત્ર અવાજોને રૂંધવામાં, તેમને ડરાવવામાં અને હેરાન કરવામાં ઓછા કામમાં આવે છે. સરકાર એટલે રાજ્ય, રાજ્ય એટલે દેશ, દેશ એટલે નરેન્દ્ર મોદી અને દેશરૂપી નરેન્દ્ર મોદીની આલોચના કરી જ કેમ શકાય? દેશભક્ત તરીકેની લાયકાત સાબિત કરવા માટે નરેન્દ્ર મોદીની ટીકા કરી જ ન શકાય! તો ટીકાકારોનાં મોઢાં બંધ કરવાં છે અને તેમાં આ કાયદો વધુ માફક આવે છે. કોઈ વાચકને આ કાયદાના દુરુપયોગની સંપૂર્ણ વિગત જોઈતી હોય તો article14.com અને scconline.com પર મળી રહેશે. માટે સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે બહુ થયું, કોઈ માત્ર સરકારની ટીકા કરે એને સીધો રાજદ્રોહનો ગુનો ગણવાનો?

સવાલ એ છે કે ડરે છે કોણ? સરકાર કે તેની સામે બોલનારાઓ? સરકાર ડરાવે છે, સતાવે છે અને છતાં વિરોધ કરનારાઓ તો વિરોધ કરે જ છે. જે વિચારી શકે છે, જે વ્યાપક પ્રજાહિતને જોઈ શકે છે અને જેનો અંતરાત્મા જાગી ગયો છે તે ડરતા નથી. જો ડરાવવાથી પરિવર્તનો રોકી શકાતાં હોત તો સમાજ આગળ જ ન વધ્યો હોત. જગતમાં ક્રાંતિઓ ન થઈ હોત. સંસ્થાનવાદનો અંત ન આવ્યો હોત.

ભારતમાં જ્ઞાતિઓની પંચાયતોની નાગચૂડ ઢીલી ન પડી હોત. દલિતોને અને સ્ત્રીઓને મોકળાશ ન મળી હોત. ડરાવનારા દરેક યુગમાં અને દરેક સમાજમાં હોય છે. સ્થાપિત હિતોને સત્તા છોડવી નથી, પછી એ રાજસત્તા હોય, ધર્મસત્તા હોય, સમાજસત્તા હોય કે પુરુષસત્તા હોય. કોઈને સત્તા છોડવી નથી અને માટે તેઓ ડરાવે છે.  બીજો સવાલ એ છે કે જેમને ડરાવવામાં આવે છે એ જ્યારે ડરતા તો નથી તો પછી આ ખોટનો ધંધો શા માટે કરવામાં આવે છે? ટીકા કરનારાઓ તો ટીકા કરે જ છે અને તેને રોકવા જતા ભારતના શાસકો તાનાશાહી શાસન કરે છે એવી જગતમાં છાપ પડી છે અને બદનામી થઈ રહી છે. તો પછી શા માટે આવો ખોટનો ધંધો કરે છે?

જે નીડર છે તેને ડરાવી શકાતા નથી. વ્યાપક સામજિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો સમાજના સભ્યો ઉપર અંકુશ મૂકનારા અને  સમાજવ્યવસ્થાનું નિયમન કરનારા રિવાજો, રૂઢિઓ, સામાજિક-રાજકીય કાયદાઓ અને નિંદા (આજના યુગમાં સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા ઓળખ છુપાવીને કરવામાં આવતી સામુહિક નિંદા-ટ્રોલીંગ) એ લોકો માટે છે જે ડરે છે. જે નીડર છે એ ડરવાના નથી એ તેમને ખબર છે. સરકારી દાવાઓ વિષે શંકા કરનારાઓને, પ્રશ્ન કરનારાઓને, પરીક્ષણ કરીને સત્ય ઉજાગર કરનારાઓને અને સરકારનાં પક્ષપાતી પગલાંઓનો વિરોધ કરનારાઓને સતાવવામાં આવી રહ્યા છે. તેમને ખબર છે કે જે નીડર છે એ ડરવાના નથી. તેમને એ વાતની પણ જાણ છે કે જે ડરેલા છે એ ડરપોક છે, પણ એમાંના બધા બેવકૂફ નથી. તેઓ બધું જ જાણે છે અને જો ડર હટી જાય તો કાલે બોલે પણ ખરા અને રસ્તા ઉપર ઉતરે પણ ખરા. આવું ભૂતકાળમાં અનેક વાર બન્યું છે. ઈમરજન્સી હળવી કરતાંની સાથે ઇન્દિરા ગાંધીને આનો અનુભવ થયો હતો.

તો રણનીતિ એવી છે કે બહાર જે મુક્ત અવાજો સંભળાઈ રહ્યા છે તેને ભલે રોકી ન શકાય, પણ આડકતરી રીતે રૂંધી તો શકાય. તેમને ડરાવીને ડરપોક લોકોને ડરાવી શકાય. આ સિવાય કઢીચટ્ટાઓ વિચારોને રોકવા પાળ બાંધવાનું કામ કરે છે. તેઓ સત્તાધીશના જયજયકારનો દેકારો કરશે અને એ રીતે ટીકાકારની ટીકા લોકો સુધી ન પહોંચે એ માટે કામ કરશે. તેઓ ટીકાકારની નિંદાનો દેકારો પણ કરતા જોવા મળશે. તમારા કાને મુક્ત અવાજ મુક્ત રીતે ન પહોંચે એ જોવાનું કામ આ કઢીચટ્ટાઓ કરે છે. યાદ રહે, આગળ કહ્યું તેમ તેમને પણ ડરાવવામાં આવે છે. જોઇએ સર્વોચ્ચ અદાલત શું કરે છે! -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top