Business

રખડતા કૂતરાંઓની તરફેણ કરનારાઓએ હડકવાથી થતાં મોતના આંકડા પણ જાણી લેવા જોઈએ

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં દિલ્હી તેમજ એનસીઆરના વિસ્તારોમાં રખડતા કૂતરાંઓ પર પ્રતિબંધ મુકી તેને શેલ્ટર હોમમાં મુકવાનો આદેશ કર્યો. સુપ્રીમ કોર્ટના આ આદેશને કેટલાક લોકો યોગ્ય ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક ડોગલવર તેને ખોટા આદેશ તરીકે ગણાવી રહ્યા છે. રખડતા કૂતરાંઓના મામલે બે ભાગ પડી ગયા છે. જોકે, જે રીતે દેશભરમાં રખડતા કૂતરાંઓનો આતંક વધ્યો છે તે જોતાં સુપ્રીમ કોર્ટનો આદેશ યોગ્ય જ છે અને તેનો સત્વરે અમલ કરવો જોઈએ. રખડતા કૂતરાંઓને કેદમાં રાખવા જોઈએ નહી તેવી દલીલો ડોગલવર દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ જ્યારે પણ માનવો પર હુમલા થાય, બાળકોનો જીવ લેવામાં આવે, રખડતા કૂતરાંઓ દોડવાને કારણે અકસ્માતો થાય અને લોકોના જીવ જાય ત્યારે સુપ્રીમ કોર્ટનો આદેશ સાચો જ લાગે.

જેના ઘરમાં રખડતા કૂતરાંને કારણે કોઈનો જીવ ગયો હોય તેને તેની ખરી વેદના ખબર હોય છે.  છેલ્લા કેટલાક સમયથી દિલ્હી, નોઈડામાં રખડતા કૂતરાંઓ દ્વારા બાળકો પર હુમલા કરવાના અનેક સીસીટીવી વાયરલ થયા હતા. આ મુદ્દે ભારે હોહા થતાં સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટે સુઓમોટો લઈ રખડતા કૂતરાને રસ્તા પરથી દૂર કરવા આદેશ આપી દીધો હતો. સુપ્રીમે ખરેખર સમાજના હિતમાં જ આદેશ આપ્યો પરંતુ તેને કારણે કેટલાક ડોગલવરો સ્થિતિને સમજ્યા વિના જ આદેશના વિરોધમાં કૂદી પડ્યા છે.

ડોગલવરો દ્વારા કેન્ડલ માર્ચ પણ કાઢવામાં આવી રહી છે પરંતુ ખરેખર ડોગલવરોએ પણ પરિસ્થિતિ સમજવાની જરૂરીયાત છે.  ચાર-પાંચ કૂતરા નાનાં બાળકો પર હુમલો કરીને ખેંચતા હોય, ત્રણ-ચાર કૂતરા ભેગા થઈને મહિલાને બટકાં ભરતાં હોય, કોઈ કૂતરાં વાહન પાછળ દોડીને વાહન ચાલકને પછાડી દેતા હોય, એવા વીડિયો અનેકવાર વાયરલ થાય છે. રખડતા કૂતરાંઓનો ખૂબ જ ત્રાસ વધી જવા પામ્યો છે.

સુપ્રીમ કોર્ટે જે કહ્યું છે તેમાં એવું જણાવ્યું છે કે, કૂતરાઓના કારણે હાલત ખરાબ છે અને પરિસ્થિતિ કાબૂમાં આવે તે જરૂરી છે. સરકાર તરત શેલ્ટર બનાવવાનું શરૂ કરે અને 8 સપ્તાહમાં કોર્ટને રિપોર્ટ આપે. શેલ્ટર હોમમાં રસીકરણ અને નસબંધી કરવા માટે પૂરતો સ્ટાફ હોવો જોઈએ. જે કૂતરાઓને ત્યાં રાખવામાં આવે તેને ફરીથી રસ્તા પર છોડવામાં ન આવે. શેલ્ટરમાં સીસીટીવી હોવા જોઈએ, જેથી કોઈ કૂતરું બહાર ન લઈ જઈ શકે. આવનારા 6 સપ્તાહમાં 5થી 6 હજાર શેલ્ટરનું કામ શરૂ કરવામાં આવે. એવા વિસ્તારોમાંથી કૂતરા પહેલા પકડવા જોઈએ જ્યાં સ્થિતિ વધારે ખરાબ છે.

આ બધું કેવી રીતે કરવું તે અધિકારી નક્કી કરે. આના માટે ખાસ ટીમ બનાવવી પડે તો તરત બનાવવામાં આવે. બાળકો ડર વગર શેરીમાં રમી શકે તેવો માહોલ બનાવવો જોઈએ. એક સપ્તાહમાં ડોગ બાઈટ અને રેબિજની ફરિયાદ માટે હેલ્પ લાઈન શરૂ કરવામાં આવે. ફરિયાદ મળ્યાના ચાર કલાકમાં કૂતરું પકડવાની કાર્યવાહી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે તો ત્યાં સુધી કહી દીધું કે જે વ્યક્તિ આ કામગીરીમાં વચ્ચે આવે તેની સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. રખડતા કૂતરાંઓની તરફેણ કરવા માટે નીકળી પડતાં ડોગલવરએ એ આંકડાઓ પણ ધ્યાનમાં રાખવા જેવા છે કે , WHOના રિપોર્ટ મુજબ વિશ્વમાં દર વર્ષે 55 હજારથી વધુ લોકો હડકવાથી મૃત્યુ પામે છે.

આમાંથી દર ત્રીજી વ્યક્તિ એટલે કે લગભગ 18થી 20 હજાર મૃત્યુ ભારતમાં થાય છે. ભારતમાં કૂતરા કરડવાથી મૃત્યુ પામેલા અડધાથી વધુ લોકો 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો છે. સંસદમાં પણ અપાયેલી માહિતી પ્રમાણે 2024માં દેશભરમાં કૂતરા કરડવાના લગભગ 37 લાખ 15 હજાર કેસ નોંધાયા હતા. જ્યારે 2023માં આવા 30 લાખ 52 હજાર કેસ નોંધાયા હતા. શહેરોમાં રખડતા કૂતરાઓની સંખ્યા ઝડપથી વધી છે. 2019ની ગણતરી મુજબ દેશમાં કૂતરાઓની વસતિ લગભગ 1.5 કરોડ હતી, હવે દેશમાં 5 કરોડ 25 લાખ શેરી કૂતરા છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં કૂતરાઓનો સ્વભાવ બદલાયો છે અને તે હિંસક બન્યા છે. લોકો રખડતા કૂતરાંઓનો કોરોનાના સમયમાં ખવડાવતા ગયા અને હવે આ બંધ થઈ જતાં કૂતરાંઓ આક્રમક બની ગયા છે. ઘણી વખત એવું થાય છે કે રખડતા કૂતરાંઓના હિંસક બન્યા બાદ લોકો તેને મારી પણ નાખે છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે હવે રખડતા કૂતરાંઓના જીવ બચશે. ડોગલવરોએ આ મુદ્દાને ધ્યાને રાખવી જોઈએ. જો ડોગલવરો નહીં સમજે તો એક સમય એવો આવશે કે રખડતા કૂતરાંઓના ભોગ બનેલા અને ડોગલવરો વચ્ચે ઘર્ષણ થશે તે નક્કી છે.

Most Popular

To Top