સુરત : મહારાષ્ટ્ર બાદ ગુજરાતના સુરત શહેરમાં મટકી ફોડનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. યુથફોર ગુજરાત દ્વારા રાજ્યની સૌથી ઊંચી મટકી બાંધવામાં આવશે. જેની ઊંચાઇ 35 ફૂટ રહેશે. સુરત શહેરમાં સૌથી મોટી અને ઊંચી દહીં હાંડી ફોડનાર ગોવિંદા મંડળને 1.5 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. મહિલા ગોવિંદાઓ પણ 25 ફૂટ ઊંચી બે મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેશે.
- યુથફોર ગુજરાત દ્વારા રાજ્યની સૌથી ઊંચી મટકી બાંધવામાં આવશે
- મહિલાઓ પણ 25 ફૂટ ઊંચી બે મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેશે
સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશ સાવંતના જણાવ્યા મુજબ, ભાગળ ખાતે મુખ્ય મટકી ફોડ તેમજ લિંબાયતની મટકી ફોડ કાર્યક્રમનો ડ્રો કરવામાં આવ્યો હતો. જે ડ્રોમાં સુરત શહેરની ભાગળ ખાતેની મુખ્ય મટકી વેડ રોડના શ્રી યુવક મંડળ દ્વારા ફોડવામાં આવશે, જેઓને રૂપિયા 11,000નું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે. તેમજ બાકીના મંડળ જે સુરત શહેરની મુખ્ય મટકીને સલામી મારવા આવશે, તેઓના મંડળનું સ્વાગત કરી આશ્વાસન ઈનામ અને ટ્રોફી આપવામાં આવશે.
સુરત શહેરમાં તારીખ 27 ઓગસ્ટ, 2024ના રોજ મંગળવારે સાંજે ચાર કલાકે ભાગળ ચાર રસ્તા ખાતે મટકી ફોડનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. યુથ ફોર ગુજરાત દ્વારા સંજય નગર ચોક લિંબાયત ખાતે મટકીને સલામી આપવા 11 મંડળો હાજર રહેશે અને મટકી ફોડવા 10 મંડળો ભાગ લીધો છે. એમ કુલ 21 ગોવિંદા મંડળોએ લિંબાયત ખાતે ભાગ લેનાર છે. આ સાથે બે મહિલા મંડળે પણ ભાગ લીધો છે.
યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશભાઈ પાટીલ દ્વારા રૂપિયા 1,51,000નું રોકડ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. લીંબાયતમાં પણ આ વર્ષે મહિલાઓ માટે વિશેષ બે દહીં હાંડી બાંધવામાં આવશે, જેમાં કેલજાઈમાતા મહિલા મંડળ વેડરોડ અને કમલાબા ગાર્ડન મહિલા ગોવિંદા મંડળ ગોડાદરા દ્વારા ફોડવામાં આવશે. જેમાં મહિલા ગોવિંદા માટે રૂપિયા 5,100નુ ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.
મહિલાઓ માટેની બે મટકી અંબાજી રોડ અને રૂદરપુરાની મહિલાઓ ફોડશે
આ વર્ષે મહિલાઓ માટે ભાગળ ખાતે વિશેષ 2 મટકી બાંધવામાં આવશે, જેમાં અંબાજી રોડનું જય ભવાની સ્પોર્ટ કલબનું મહિલા મંડળ મટકી ફોડશે. તેમજ રૂદરપુરા ખારવા વાડનું આર. કે. સ્પોર્ટ ક્લબનું મહિલા મંડળ મટકી ફોડશે. એમ આ વર્ષે ભાગળ ખાતે મહિલા મંડળ દ્વારા બે મટકી ફોડવામાં આવશે. જેઓને પણ રૂપિયા 11,000નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવશે. ભાગળ ચાર રસ્તા ખાતે કેબિનેટ જળશક્તિ મંત્રી, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ સી. આર. પાટીલના અધ્યક્ષ સ્થાને મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવશે.