૧૮૨ માંથી ૧૫૬ સીટો મેળવીને ભાજપે દિગ્વિજય મેળવ્યો છે. કોઇની ભાષણ કલા, કોઇની અભિનય કલા, તો કોઇની આશ્વાસન ચતુરતા, કોઇએ તપ કર્યુ, તો કોઇએ અનુષ્ઠાન કર્યું અને ભાજપે પરાક્રમ સજર્યો. વિજય યાત્રા નિકળી, જયજયકાર થયો. સંબંધીતોને ભોજન મળ્યું, રાશન મળ્યું, તૃપ્ત થયા એ યોદ્ધાઓ. પણ જનતા જનાર્દને કરેલું છૂટાહાથનું ઉદાર મતદાનનો ઉલ્લેખ તો કશે જ દેખાયો નહીં, ઠીક છે. પ્રજામાં રોષ નથી.પ્રમાણિક, સુસ્વભાવી, નિષ્ઠાવાન અને પ્રજા હિતેચ્છુ માનનીય ‘ભુપેન્દ્ર પટેલજી’ બીજીવાર સીએમ ના સિંહાસન પર બિરાજમાન થયા છે – સત્તર મંત્રીઓ સાથે. તે રાજય માટે પુરતા છે કે અપુરતા, એ તો એ પોતે જ જાણે. એમની પાસે ખાસા ખાતાઓ છે.
પણ જે ઉત્સાહભેર બધા ઉમેદવારો ચુંટણીના કામે લાગ્યા હતા. તે ઉત્સાહ ઓછો થયો લાગે છે? પણ એવું ન થવું જોઇએ. સમરસતા જાળવવી જોઇએ. જે મંત્રીપદે આવ્યા તે ખુશખુશાલ છે. અને પડતા મુકાઇ ગયા, એઓ દુ:ખ અનુભવી રહ્યા છે? એવું પણ ન થવું જોઇએ. કેમકે બધા રાજકીય વીરો સમાન છે, એક છે, એકબીજાના સહકારી મિત્રો છે. અને બધાએ મળીને રાજય અને દયાવાન દાનશુર પ્રજાને સુખ આપવાનું કામ કરવાનું છે. જે મંત્રી બન્યા એ તમારામાંના જ તમારા સાથી મિત્રો છે.
એક બીજાના ખભે ખભા મિલાવીને પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવાનો છે. પ્રજાના ઘણાં પ્રશ્નો છે, સમસ્યા છે. તેને છીણવટથી જોઇને પ્રજાને સમાધાન આપવું જોઇએ. એ જ કર્તવ્ય છે. પ્રજાએ તો તમને પદ અને પ્રતિષ્ઠા આપી છે પગારરૂપે પૈસો પણ મળવાનો છે. તો હવે તમારી જવાબદારી ઊભી થઇ છે. પ્રજાને ઘર, વિજળી, પણી, અનાજ, નોકરી, વ્યવસાય, શિક્ષણ, મદદ, રોટી કપડા, મકાન, રસ્તા, રેલવે, રક્ષણ વગેરે બાબતે તમે બધા મળીને કામ કરશો તો ભવિષ્યનું તમારું ભાવિ ઉજળું બનશે. તો માનવંતા ૧૫૬ શ્રીમાનો! કમર કસીને કામે લાગી જાવ કે જનતા તમારો જયજયકાર કરે. બનો કર્મવીર વિશ્વાસથી! સેવા કરો નિજ શ્વાસથી!
સુરત -બાળકૃષ્ણ વડનેરે– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
લાંબુ તંદુરસ્ત જીવન જીવવા આટલું કરશો!
આપણે જીવીએ છીએ અર્થાત્ મરણ પામેલ નથી જ ! તંદુરસ્ત-નિરામય જીવન જીવવા આનંદ-ઉત્સાહથી રહો. નિયમિત 30 મિનિટ એક જ ગતિથી ચાલવાનું રાખો. સવાર-બપોર-સાંજ બે ગ્લાસ ગરમ-હૂંફાળું પાણી પીવાની આદત પાડો. ઋતુઓમાં મળતા વિવિધ ફળફળાદિ આરોગો. દિવસ દરમ્યાન એકાદ કાજુ-બદામ અને ખજૂર ખાવાનું રાખો. મલાઈ કાઢી લીધેલ દૂધ સવાર સાંજ એકાદ ગ્લાસ પીવાની ટેવ કેળવો. સવારે-બપોરે થોડી છાશ પીવો. હળવી કસરત કરો. તડકામાં સવારે પાંચ-દશ મિનિટ ઊભા રહો. તેલ-મરચું-મીઠું-ખાંડનો સંયમિત ઉપયોગ કરો. મિત્રો જોડે પ્રવાસ કરો. સદાય હસતા રહો. હાસ્ય એક ઉત્તમ પ્રજીવક છે. હંમેશા હકારાત્મક વલણ કેળવો. ઉત્તમ પુસ્તકોનું વાંચન-મનન કરો. વ્યસનનો ત્યાગ કરો. નાના બાળકો જોડે રમો. આટલું કરશો તો ‘મરો ત્યાં સુધી જીવી શકશો જરૂર!’ અસ્તુ.
સુરત -રમેશ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.