સુરત: વરાછા ઝોન(Varachha Zone)માં આવેલા પુણા(Puna) લેક ગાર્ડન(Lack Garden)નું કામ મનપા(SMC) દ્વારા પૂર્ણ કરી દેવાયું છે. તેમ છતાં શહેરીજનો માટે આ ગાર્ડન હજી ખુલ્લો મૂકવામાં આવ્યો નથી. જેથી કોંગ્રેસ(Congress) દ્વારા ચીમકી આપવામાં આવી છે કે, 1 મે સુધીમાં આ ગાર્ડન ખુલ્લો નહીં મૂકવામાં આવે તો કોંગ્રેસ દ્વારા જ આ ગાર્ડન ખુલ્લો મૂકી દેવાશે તેવી ચીમકી આ વિસ્તારના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયા દ્વારા મનપા કમિશનરને કરેલી રજૂઆત આપવામાં આવી છે.
- પુણા લેક ગાર્ડન મામલે કોંગ્રેસે ભાજપને આપી ચેતવણી
- શાસકો ખુલ્લો નહીં મૂકે તો કોંગ્રેસ પહેલી મેના રોજ લોકાર્પણ કરી દેશે
સુરત મ્યુનિ.એ પર્યાવરણની જાળવણી અને લોકોનાં મનોરંજન માટે શહેરનાં અનેક તળાવને ફરતે વોક-વે બનાવી લેક ગાર્ડન ડેવલપ કર્યો છે. સુરત મ્યુનિ.એ હાલમાં વરાછા ઝોનના પુણા વિસ્તારમાં ટીપી સ્કીમ નં.૨૦ પુણા ગામમાં વર્ષો જૂનું તળાવ હતું તેને ફરતે વોલ કરી ગાર્ડન ડેવલપ કરવાની કામગીરી હાથ ધરી હતી. આ ગાર્ડન ફરતે વોક-વે સહિતની કામગીરી પણ પૂરી કરી દેવામાં આવી છે. આ ગાર્ડનની કામગીરી પૂરી થઈ હોવા છતાં ભાજપ શાસકો તેને લોકો માટે ખુલ્લું મૂકતા નથી તેવો કોંગ્રેસ શાસકો પર અનિર્ણાયકતાનો આક્ષેપ કરી રહી છે.
સુરતના 30-45 મીટર પહોળાઈના તમામ રસ્તા પર સાયકલ ટ્રેક બનાવાશે
સુરત: સુરત શહેરમાં સાયકલિંગને પ્રોત્સાહન મળે તે માટે મનપા દ્વારા શહેરમાં સાયકલિંગ ટ્રેક બનાવવામાં આવી રહ્યા છે તેમજ શહેરમાં તમામ પહોળા રસ્તાઓ પર સાયકલ ટ્રેક બનાવવા માટેની કવાયત મનપા દ્વારા શરૂ કરવામાં આવી છે. હાલમાં જ શહેરમાં ITDP (ઈન્સ્ટીટ્યુશન ઓફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ ડેવલપમેન્ટ પોલિસી) દ્વારા શહેરમાં સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને હવે શહેરના તમામ 45 અને 30 મીટર પહોળા રસ્તા પર બંને તરફ ડેડિકેટેડ સાયકલ ટ્રેક બનશે તેમજ તમામ ઝોન ઓફિસો પર સાયકલ માટે અલાયદા પાર્કિંગ પણ બનાવવામાં આવશે. આ કામગીરી કરવા માટે મનપા કમિશનર દ્વારા જે-તે ઝોનમાં સુચના પણ આપી દીધી છે. જેમાં શહેરના 45 મીટર વધુ પહોળાઈનાં રસ્તા પર રસ્તાની બન્ને તરફે 3 મીટરનાં ડેડિકેટેડ સાયકલ ટ્રેક તેમજ 30 મીટર કે તેથી વધુ અને 45 મીટરથી ઓછી પહોળાઈનાં રસ્તા પર રસ્તાની બન્ને તરફે 2 મીટરનાં ડેડિકેટેડ સાયકલ ટ્રેક બનાવાશે.
સાયકલ ટ્રેક ધરાવતા રસ્તાનાં દરેક જંકશન પર સોલાર બ્લિન્કર લગાડવામાં આવશે
સાયકલ ટ્રેક ધરાવતા રસ્તાનાં દરેક જંકશન પર અને જંકશનથી બંને બાજુ 25 મીટર સુધીની લંબાઈમાં સાયકલ ટ્રેક દર્શાવવા માટે રેડ થર્મોપ્લાસ્ટિક પેઈન્ટનાં પટ્ટા મારવામાં આવશે તેમજ સાયકલની સાઈનેજ દર્શાવતા બોર્ડ મુકાશે સાથે જ સાયકલ ટ્રેક ધરાવતા રસ્તાનાં દરેક જંકશન પર સોલાર બ્લિન્કર લગાડવામાં આવશે. જેથી રાત્રે પણ સાયકલ ટ્રેક દેખાય. વધુમાં દરેક ઝોન ઓફિસ પર સાયકલ માટે અલગથી પાર્કિંગ બનાવાશે તેમજ સાયકલ પાર્કિંગ માટેનાં સ્ટેન્ડ મુકવામાં આવશે.