જો રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખની જવાબદારી સ્વીકારવા તૈયાર નહીં થાય તો ૨૨ વર્ષ પછી યોજાનારી ચૂંટણીમાં ભારે રસાકસી અને ઉત્તેજના જોવા મળશે. શ્રીમતી સોનિયા ગાંધી ૧૯૯૮ માં કોંગ્રેસનાં પ્રમુખ બન્યાં તે પછી તેઓ અને રાહુલ ગાંધી જ કોંગ્રેસનું સંચાલન તેમના પરિવારની જાગીર તરીકે કરતા આવ્યા છે. છેલ્લે ૨૦૦૦ માં પ્રમુખની ચૂંટણી થઈ ત્યારે સોનિયા ગાંધી સામે જીતેન્દ્ર પ્રસાદે ઉમેદવારી નોંધાવી હતી, પણ તેઓ ખરાબ રીતે હારી ગયા હતા. ત્યાર બાદ દર પાંચ વર્ષે ચૂંટણી યોજાતી હતી, પણ તેમાં સર્વસંમતિના નાટકથી સોનિયા ગાંધીની જ નિમણૂક કરવામાં આવતી હતી.
૨૦૧૭ માં રાહુલ ગાંધીને મોટા ઉપાડે કોંગ્રેસનું પ્રમુખપદ સોંપવામાં આવ્યું હતું, પણ તેઓ કોંગ્રેસમાં નવા પ્રાણનો સંચાર કરવામાં નિષ્ફળ ગયા હતા. ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ધબડકો થયો તેના પગલે રાહુલ ગાંધીએ રાજીનામું આપતાં સોનિયા ગાંધીને વચગાળાના પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. આ ત્રણ વર્ષ દરમિયાન પ્રમુખપદની ચૂંટણી યોજાઈ નહોતી, કારણ કે રાહુલ ગાંધી જવાબદારી સ્વીકારવા તૈયાર નહોતા અને તેમને બીજા કોઈ લાયક અને વફાદાર ઉમેદવાર દેખાતા નહોતા. હવે રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતના રૂપમાં તેમને વિશ્વાસપાત્ર ઉમેદવાર મળી ગયા હોવાથી ચૂંટણીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે.
રાહુલ ગાંધી અત્યારે ‘ભારત જોડો’યાત્રા પર નીકળ્યા છે. આ યાત્રાને દક્ષિણ ભારતમાં જોરદાર પ્રતિસાદ સાંપડતાં ફરીથી રાહુલ ગાંધીને કોંગ્રેસ પ્રમુખ બનાવવાની માગ પ્રબળ બની રહી છે. આઠ પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને જ પ્રમુખ બનાવવા માટેના ઠરાવો પસાર કરીને સોનિયા ગાંધીને મોકલી દેવામાં આવ્યા છે. જો રાહુલ ગાંધી તેમ છતાં પ્રમુખ બનવા તૈયાર નહીં થાય તો ચૂંટણી થશે. થિરુઅનંતપુરમના સંસદસભ્ય શશી થરૂરે ચૂંટણીમાં ઝંપલાવી દેવાની જાહેરાત કરી છે. જો ત્રીજા કોઈ ઉમેદવાર નહીં હોય તો અશોક ગેહલોત અને શશી થરૂર વચ્ચે મુકાબલો થશે.
કોંગ્રેસના પ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારીપત્રક ભરવાની મુદત તા. ૨૪ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન આપવામાં આવી છે. તા. ૧ ઓક્ટોબરે ઉમેદવારીપત્રકની ચકાસણી કરવામાં આવશે. જો તેમાં માત્ર એક જ ઉમેદવાર હશે તો તેને તા. ૨ ઓક્ટોબરના પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવશે. જો તેમાં એક કરતાં વધુ ઉમેદવાર હશે તો તા. ૧૭ ઓક્ટોબરે મતદાન થશે અને તેનું પરિણામ તા. ૧૯ ઓક્ટોબરના જાહેર કરવામાં આવશે. જો એક કરતાં વધુ ઉમેદવાર હોય અને તા. ૮ ઓક્ટોબર પહેલાં એકને બાદ કરતાં બાકીના ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી ખેંચી લે તો તા. ૮ ઓક્ટોબરે કોંગ્રેસ પ્રમુખની જાહેરાત કરવામાં આવશે.
જો કોઈ પણ ઉમેદવાર ચૂંટણી લડવા તૈયાર નહીં થાય તો મામલો કોંગ્રેસ કારોબારી પાસે જશે અને તે સર્વાનુમતે પ્રમુખની જાહેરાત કરશે. જો રાહુલ ગાંધીની ઇચ્છા આ કાંટાળો તાજ સ્વીકારવાની હશે તો તેઓ ચૂંટણી નહીં લડે પણ સર્વસંમતિથી પ્રમુખપદની ગાદી પર બેસવા તૈયાર થઈ જશે. તેના માટે શશી થરૂરને ઉમેદવારી ન કરવા કે ઉમેદવારી પાછી ખેંચી લેવા સમજાવવા પડે. જો રાહુલ ગાંધી ખરેખર કોંગ્રેસ પ્રમુખ બનવા તૈયાર હશે તો શશી થરૂર પર ઉમેદાવરી ન કરવા પ્રચંડ દબાણ લાવવામાં આવશે.
લોકસભાની અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં કોંગ્રેસના ધબડકા પછી કેટલાક સિનિયર નેતાઓ દ્વારા જી-૨૩ નામના જૂથની રચના કરવામાં આવી હતી, જેમાં ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, ભૂપિન્દર સિંહ હુડ્ડા, મુકુલ વાસનિક, મનિષ તિવારી, મિલિન્દ દેવરા, શશી થરૂર, કપિલ સિબ્બલ, વીરપ્પા મોઈલી, પૃથ્વીરાજ ચૌહાણ વગેરે નેતાઓએ ભેગા મળીને કોંગ્રેસમાં નવજીવન લાવવાનો પુરુષાર્થ આદર્યો હતો. તેમાંથી કપિલ સિબ્બલ અને ગુલામ નબી આઝાદ જેવા નેતાઓ તો કોંગ્રેસ છોડીને ચાલ્યા ગયા છે, પણ ઘણા વગદાર નેતાઓ બાકી રહ્યા છે. જો તેઓ સંગઠિત થઈને શશી થરૂરને ટેકો આપે તો તેમના જીતવાના ચાન્સ વધી જાય છે, પણ તેમનામાં મતભેદ છે.
જી-૨૩ ના નેતાઓ પૈકી મનિષ તિવારીએ, મુકુલ વાસનિકે અને પૃથ્વીરાજ ચૌહાણે પણ જો રાહુલ ગાંધી તૈયાર ન થાય તો ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. ગાંધીપરિવારના વફાદારો પૈકી કમલ નાથ, મલ્લિકાર્જુન ખડગે, સિતારામૈયા, દિગ્વિજય સિંહ વગેરે વરિષ્ઠ નેતાઓ પણ ચૂંટણી લડવાની ભાવના ધરાવે છે. તેમની સ્પર્ધા રાહુલ ગાંધી સામે નહીં, પણ અશોક ગેહલોત સામે હશે. જો જી-૨૩ તરફથી શશી થરૂરને સર્વસંમતિથી સમર્થન આપવામાં આવે અને વફાદારોના મતો વહેંચાઈ જાય તો શશી થરૂર ચમત્કાર કરી શકે છે, પણ મોવડીમંડળ તેવું હરગિઝ ઇચ્છતું નથી.
કોંગ્રેસના પ્રમુખપદની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે વરિષ્ઠ નેતા મનિષ તિવારીએ બહુ સૂચક વિધાન કર્યું છે કે આ ચૂંટણી મુક્ત અને ન્યાયી હોવી જોઈએ. જો કોંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા તેમના તરફથી કોઈ સત્તાવાર ઉમેદવાર ઊભો ન રાખવામાં આવે અને કોઈ પણ સભ્યને ચૂંટણી લડવાની છૂટ હોય તો તે મુક્ત ચૂંટણી કહી શકાય, પણ તેને ન્યાયી ગણી શકાય નહીં, કારણ કે આ ચૂંટણીના મતદારો કોણ છે? તે બાબત સ્પષ્ટ નથી. કોંગ્રેસના પ્રમુખપદની ચૂંટણીમાં રાજ્ય સ્તરના આશરે ૯,૦૦૦ મતદારો હોય છે, પણ તે મતદારો ન્યાયી પ્રક્રિયાથી ચૂંટાયા હોય તેવી કોઈ ખાતરી નથી. કોંગ્રેસનાં બંધારણ મુજબ બૂથ લેવલના કાર્યકરો દ્વારા બ્લોક લેવલના નેતાઓ ચૂંટવામાં આવે છે.
બ્લોક લેવલના નેતાઓ તાલુકાના નેતાઓ ચૂંટે છે, તાલુકાના નેતાઓ જિલ્લાના નેતાઓ ચૂંટે છે અને જિલ્લાના નેતાઓ રાજ્યોના ડેલિગેટો ચૂંટે છે. આ રાજ્યોના ડેલિગેટો મતદાન કરીને કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી કરે છે. ખાટલે મોટી ખોડ એ છે કે ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે, તો પણ મતદાર યાદી જાહેર કરવામાં આવી નથી. તેનું કારણ એ છે કે કેટલાંક રાજ્યોમાં મતદાર યાદી જ તૈયાર નથી. મતદાર યાદી કોંગ્રેસની વેબસાઇટ પર પણ મૂકવામાં આવી નથી. ચૂંટણી યોજનારા મધુસૂદન મિસ્ત્રી કહે છે કે જે નેતા ઉમેદવારીપત્રક ભરશે તેને જ મતદાર યાદી આપવામાં આવશે. હકીકતમાં આ ડેલિગેટની ચૂંટણી નથી થઈ પણ તેમની રાજ્યના પ્રમુખ દ્વારા નિમણૂક કરવામાં આવી છે. જેઓ વફાદાર હોય તેમને જ નિમણૂક આપવામાં આવી છે.
કોંગ્રેસનું માળખું જ એવું ગોઠવાયું છે કે તેમાં સત્તા નીચેથી ઉપર તરફ ગતિ નથી કરતી, પણ ઉપરથી નીચે તરફ ગતિ કરે છે. સૌથી પહેલાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે. તેઓ પોતાની પસંદગી મુજબ પ્રદેશ પ્રમુખની નિમણૂક કરે છે. તેઓ જિલ્લા, તાલુકા અને બ્લોકના લેવલ સુધી પદાધિકારીઓની નિમણૂક કરે છે. તેમાં દરેક તબક્કે નેહરુ-ગાંધીપરિવારની વફાદારીને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. રાજ્યના પ્રમુખો દ્વારા ડેલિગેટોની પણ નિમણૂક કરવામાં આવે છે.
તેઓ પણ નેહરુ-ગાંધી ખાનદાનને વફાદાર હોય તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે આ ડેલિગેટો નેહરુ-ગાંધી ખાનદાનના નબીરાને કે તેના વફાદાર ઉમેદવારને જ પસંદ કરે છે. જો કોંગ્રેસમાં ખરેખર મુક્ત અને ન્યાયી ચૂંટણી કરવી હોય તો તેનો પ્રારંભ બ્લોક લેવલની ચૂંટણીથી કરવો જોઈએ. તેમ કર્યા વિના જો ચૂંટણી યોજવામાં આવશે તો નેહરુ-ગાંધી પરિવારને વફાદાર ન હોય તેવા કોઈ નેતા કોંગ્રેસના પ્રમુખ બની શકે તેવી સંભાવના જણાતી નથી.