કાશ્મીરના પહેલગામમાં પર્યટકો પર ત્રાસવાદી હુમલો: ૨૬નાં મોત, પહેલગામ ટાઉન નજીકના લોકપ્રિય પર્યટન સ્થળે આનંદ પ્રમોદ કરી રહેલા પર્યટકો પર ત્રાસવાદીઓ ત્રાટક્યા
૨૬ મૃતકોમાં બે વિદેશીઓ અને બે સ્થાનિકો, મૃતકો મોટે ભાગે પર્યટકો છે, ૨૦ જેટલાને ઇજા, હુમલાની જવાબદારી લશ્કરે તૈયબાના શેડો ગ્રુપ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે સ્વીકારી
પહેલગામ(જમ્મુ-કાશ્મીર), તા. ૨૨(પીટીઆઇ): કાશ્મીરના પહેલગામ ટાઉન નજીક એક પ્રસિદ્ધ ઘાસના મેદાન ખાતે ત્રાસવાદીઓએ ગોળીબાર કરીને આજે ૨૬ જણાને મારી નાખ્યા હતા, મૃતકોમાં મોટા ભાગના પર્યટકો હતા. ૨૦૧૯ના પુલવામા હુમલા પછી કાશ્મીરમાં આ સૌથી ઘાતક હુમલો છે. જે ૨૬ લોકો માર્યા ગયા છે તેમાં બે વિદેશીઓ અને બે સ્થાનિકો પણ છે અમે એક ઉચ્ચ સ્તરીય અધિકારીએ વધુ વિગતો જણાવ્યા વિના માહિતી આપી હતી.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ ત્રાસવાદી હુમલાને તાજેતરના વર્ષોમાં નાગરિકો પર કરવામાં આવેલા આપણે જોયેલા કોઇ પણ હુમલા કરતા ઘણો મોટો હુમલો ગણાવ્યો હતો. આ હુમલો એવા સમયે થયો છે કે જ્યારે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સ પણ એક પર્યટક તરીકે ભારતની મુલાકાતે આવ્યા છે.
પહેલગામમાં આ હુમલો બપોરના ૩ વાગ્યાના સુમારે થયો હતો. જ્યારે ટુરિસ્ટોને નિશાન બનાવતા ત્રાસવાદી હુમલાના સમાચાર કાશ્મીરમાં ફેલાયા ત્યારે આ હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ(ટીઆરએફ)એ સ્વીકારી હતી જે પાકિસ્તાન સ્થિત લશ્કરે તૈયબા સંગઠનનું એક શેડો ગ્રુપ છે.
બનાવને નજરે જોનારાઓએ હુમલા સમયની ધ્રુજાવનારી વિગતો જણાવી હતી. આ સ્થળે દરરોજની જેમ જ શાંતિપૂર્ણ રીતે પ્રવૃતિઓ ચાલી રહી હતી તે સમયે મંગળવારે બપોરે અચાનક હુમલો થયો હતો. અનેક લોકો અહીં પિકનીકની મજા માણી રહ્યા હતા, ઘોડેસવારી અને ખાણીપણી કરી રહ્યા હતા તે સમયે અચાનક થયેલા આ હુમલાથી ચીસાચીસ મચી ગઇ હતી અને થોડી વારમાં તો લોહીના ખાબોચિયામાં અનેક નિશ્ચેતન મૃતદેહો પડેલા હતા.
કેટલાક લોકોએ જણાવ્યું હતું કે હુમલાખોર ત્રાસવાદીઓની સંખ્યા પાંચની હતી. બનાવની ખબર મળતા જ લશ્કર, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ બનાવના સ્થળે ધસી ગયા હતા. હુમલાખોરોને શોધી કાઢવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઘાયલોને, મૃતકોને તરત કડક સુરક્ષા હેઠળ સરકારી માલિકીની પહેલગામ કલબ ખાતે લઇ જવાયા હતા.
જ્યાં હુમલો થયો તે બૈસારન મિની સ્વીત્ઝર્લેન્ડ તરીકે ઓળખાય છે
જ્યાં અનેક નિર્દોષ પર્યટકોને મોતને ઘાટ ઉતારાયા તે પહેલગામ ટાઉનથી છ કિમી જેટલા અંતરે આવેલ બૈસારન એક ઘાસિયુ મેદાન છે, તે પાઇનના જંગલ અને પર્વતોથી ઘેરાયેલું છે અને ખૂબ રમણીય દેખાય છે. તે પહેલગામના મિની સ્વીત્ઝર્લેન્ડ તરીકે પણ ઓળખાય છે. જો કે ત્યાં વાહનો જઇ શકતા નથી. ઘોડા કે ટટ્ટુ પર અથવા તો ચાલતા જ ત્યાં જઇ શકાય છે અને કદાચ આ બાબતનો લાભ જ ત્રાસવાદીઓએ ઉઠાવ્યો છે.
હુમલાના સ્થળે ગુજરાતના પર્યટકો પણ હતા
એક મહિલાએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ પર્યટકોને તેમના નામ પૂછી પૂછીને ગોળીઓ મારી હતી. મારા પતિને એટલા માટે ગોળી મારવામાં આવી કે તે મુસ્લિમ ન હતો એમ મહિલાએ જણાવ્યું હતું. ઘણા રાજ્યોમાંથી અહીં પર્યટકો ભેગા થયા હતા જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતના પર્યટકો પણ હતા.
હુમલાખોરોને છોડવામાં નહીં આવે: મોદી
વડાપ્રધાન મોદી સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા છે. ત્યાં તેમને આ હુમલાના સમાચાર મળતા તેમણે આ હુમલાને સખત શબ્દોમાં વખોડી નાખ્યો હતો અને મૃતકોના કુટુંબીજનો માટે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે… તેમને છોડવામાં આવશે નહીં! તેમનો દુષ્ટ એજન્ડા ક્યારેય સફળ થશે નહીં. આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે એમ મોદીએ કહ્યું હતું.
સવારે પર્યટકોથી ઉભરાતું પહેલાગામ બપોરે સૂમસામ થઇ ગયું
આજે સવારે પર્યટકોથી ધબકતું પહેલગામ શહેર બપોરે આ હુમલાના સમાચાર ફેલાતા સૂમસામ થઇ ગયું હતુ. પ્રવાસીઓ મોટી સંખ્યામાં બહાર જવા લાગ્યા હતા. વર્ષોથી આતંકવાદનો સામનો કર્યા પછી કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ ઘટના બની છે.
