Sports

ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ પહેલાં ભારતનો આ સ્ટાર ખેલાડી ટીમમાંથી આઉટ

નવી દિલ્હી: ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC Final 2023) ની ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને (Indian Cricket Team) મોટો આંચકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ખેલાડી કેએલ રાહુલ (KLRahul) આ ફાઈનલમાંથી બહાર થઈ ગયો છે. આ જાણકારી તેણે પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે.

કેએલ રાહુલ આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. ટુર્નામેન્ટ દરમિયાન જ લખનૌ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે મેચ રમી હતી. આ મેચમાં ફિલ્ડિંગ દરમિયાન રાહુલને ઈજા થઈ હતી. આ પછી તે IPLની વર્તમાન સિઝનમાંથી બહાર થઈ ગયો હતો. હવે તેણે સ્પષ્ટ કર્યું છે કે તે WTC ફાઇનલમાં પણ રમી શકશે નહીં.

કેએલ રાહુલે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેમાં લખ્યું છે કે ઈજા બાદ મેડિકલ ટીમે તેની જમણી જાંઘની સર્જરીનું સૂચન કર્યું છે. આવી સ્થિતિમાં આ સર્જરીના કારણે તે થોડા અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહેશે. તેનું સંપૂર્ણ ધ્યાન હવે પુનઃવસન અને સંપૂર્ણ ફિટ થઈને ટીમ ઈન્ડિયામાં વાપસી પર રહેશે.

રાહુલે આઈપીએલને (IPL2023) અધવચ્ચે જ છોડવા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું કે આ મુશ્કેલ સમયમાં ટીમ છોડવી દુ:ખદ છે, પરંતુ તેને તેના સાથી ખેલાડીઓ પર પૂરો વિશ્વાસ છે કે તે મજબૂત રમત બતાવશે. રાહુલે કહ્યું કે તે લખનૌની ટીમને બહારથી પ્રોત્સાહિત કરતો જોવા મળશે.

રાહુલે પોતાની પોસ્ટમાં આગળ કહ્યું, ‘હું નિરાશ છું કે હું આવતા મહિને (7 જૂન) ઓવલમાં ભારતીય ટીમ સાથે નહીં હોઉં. હું વાદળી જર્સીમાં પરત ફરવા અને ટીમને મદદ કરવા માટે બધું જ કરીશ. આ મારી પ્રાથમિકતા હશે અને મારું સંપૂર્ણ ધ્યાન આના પર રહેશે.

રાહુલે IPL 2023માં 9 મેચ રમી હતી
આરસીબી સામેની મેચની શરૂઆતમાં રાહુલ ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. મેચના અંતે રાહુલ 11માં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે ત્રણ બોલનો સામનો કર્યો, પરંતુ તે પોતાનું ખાતું ખોલાવી શક્યો નહીં. કેએલ રાહુલે આ આઈપીએલમાં 9 મેચમાં 274 રન બનાવ્યા જેમાં બે અડધી સદી સામેલ છે. તેનો સ્ટ્રાઈક રેટ 113.22 હતો જે ખૂબ જ ચિંતાજનક હતો.

WTC ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.

Most Popular

To Top