આપણા ગુજરાત રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. બોર્ડની પરીક્ષાઓ શાંતિથી, સુખરૂપ અને એ માટે બોર્ડ દ્વારા વિશેષ સાવચેતીના પગલાઓ લેવામાં આવ્યા છે, જે સમયસરના છે અને જરૂરી છે. રાજ્યમાં પેપર લીંક થવાની જે દુર્ઘટનાઓ બની છે તેને ધ્યાનમાં લેતા છાશ પણ ફૂંકીને પીવી પડે એવી પરિસ્થિતિ પ્રવર્તે છે ત્યારે બોર્ડની ચિંતા અને પ્રયાસો સામે પ્રશ્ન ઊભો ન જ થઈ શકે. પરંતુ ઉત્તરવહી ઉપર ચોંટાડવામાં આવેલા બારકોડ કે પછી ખાખી સ્ટિકરને શિક્ષક જો ભૂલથી પણ ઉખાડી દેશે તો શિક્ષકને ત્રણ લાખ રૂપિયાની પેનલ્ટી કરવામાં આવશે એવી જે જોગવાઈ કરવામાં આવી છે એ વધારે પડતી જણાય છે.
ત્રણ લાખ રૂપિયા કોને કહેવાય ? વળી, આ ક્ષતિ બદલ શિક્ષ કને ત્રણ દિવસ સુધી જેલમાં પણ બેસવું પડશે એવી સજાની વાત કરવામાં આવી છે. ત્રણ લાખ રૂપિયા જેટલો તોતિંગ દંડ અને ત્રણ દિવસની જેલની સજા એ શિક્ષક માટે વધુ દંડ અને ત્રણ દિવસની જેલની સજા એ શિક્ષક માટે વધુ પડતી છે અને વળી, અપમાનજનક પણ ! સામાન્ય રીતે કોઈપણ શિક્ષક આવી પ્રવૃત્તિમાં ન જ પડે. પેપર લીંકના જે કૌભાંડો થયા છે તેની સજા શિક્ષકને આપવા જેવું જણાય છે ! શિક્ષકો પાસે સમાજ દ્વારા રાખવામાં આવતી અપેક્ષાઓ સામે આ જેલમાં બેસાડવાની વાતનો મેળ પડતો જણાતો નથી. અલબત, સામે જો આવી ઘટના બને જ તો તેની યોગ્ય તપાસ કરીને જવાબદાર વ્યકિતને કડકમાં સજા થવી જ જોઈએ…
નવસારી- ઈન્તેખાબ અનસારી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
એવા મિત્રો ક્યાં…!
કેટલાક માણસો અકસ્માત કે સંજોગવશાત મિત્રો બને છે. આપણી નજીક રહેનારા ગામ, શેરીનાં થોડીક સગવડો પૂરતાં મિત્ર બને છે. પણ તે બધાની સાથે આત્મીયતા કેળવાતી નથી. કેટલાક મિત્રો સાથે આપણે સંબંધ કેવળ હાથ મિલાવી, તાળી આપી કેમ છો, મજામાં પૂછવા જેટલો જ હોય છે. બહુ બહુ તો રેસ્ટોરામાં બેસી ચાહનો અર્ધો કપ પીવા જેવો સંબંધ હોય છે. જેમના સંસર્ગમાં આપણે સુખદુ:ખ વ્યકત કરી આનંદ કે આશ્વાસન મેળવી શકીએ એવો લાખોમાં એકાદ જ હોય છે. સ્વાર્થ, ઈર્ષ્યા, અભિમાન ઈત્યાદિ દુર્ગુણોથી ખદબદી રહેલા આ વિશ્વમાં નિ:સ્વાર્થ, પ્રેમાળ અને હિતેચ્છુ મિત્રો ભાગ્યે જ મળે છે.
બામણિયા – મુકેશ બી. મહેતા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.