ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરીટીને કારણે જીવનવીમા, આરોગ્યના વીમા કે અન્ય વીમાધારકોને ઘણો આધાર પોતાની તકલીફો રજૂ કરવા માટે મોકો મળ્યો છે અને આ મંડળ સમયાનુસાર જરૂરી ફેરફારો પ્રજાને રાહત અને સગવડ આપવા માટે કરે છે. સમયની સાથે ટેકનોલોજીનો વિકાસ થાય છે, તેવી એક ટેકનોલોજી એટલે રોબોટિક સર્જરી અને મોટા ભાગના વયસ્કોને જ્યારે ઘૂંટણ બદલવાની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે ઓર્થોપેડિક સર્જન રોબેટિક સર્જરીની ભલામણ કરે છે અને કેટલાક કિસ્સાઓમાં તેવી સર્જરી જ કરવી પડે છે અથવા કરાવવી પડે છે.
હવે દર્દીનો આરોગ્યનો વીમો પૂરતો હોય છતાં, તેને આવી સર્જરીનો ખર્ચ ઘણી વખત ફરજીયાત કરવો પડે છે, પરંતુ હાલના નિયમાનુસાર વીમા કંપનીઓ રોબોટિક સર્જરીના પૈસા મંજૂર નથી કરતી. પરિણામે એવું થાય છે કે એક મોટી રકમ દર્દીના ઘરવાળાએ ભોગવવી પડે છે. આથી, આઈ.આર.ડી.એ.એ આ એક અત્યંત જરૂરી સુધારો સ્વીકારી જરૂરી પરિપત્ર દ્વારા દરેક વીમા કંપનીઓને અને ટીપીએને તેનો અમલ કરવા સૂચના આપવી જોઈએ. આપણે આશા રાખીએ કે આ એક નમ્ર સૂચન અને કંપનીને તેમાં કોઈ રીતે નુકસાન થતું ન હોવાથી સ્વીકારાવું જોઈએ. વળી જેઓને આ મુદ્દો સ્પર્શતો હોય તેઓએ પણ આ વિનંતી પોતાની રીતે આઈ.આર.ડી.એ.ને કરવી જોઈએ.
નાનપુરા, સુરત -રાજેન્દ્ર કર્ણિક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.