૨૬મી જાન્યુઆરીની સીટી પલ્સ પૂર્તિ નો ‘સુરતી વાનગી’ વિષેનો લેખ સત્ય હકીકત છે. સુરત શહેરે છેલ્લાં સાઠ વર્ષથી વેપાર ઉદ્યોગ ક્ષેત્રે હરણફાળ ભરી અને તેને પગલે ગુજરાતના દરેક પ્રદેશમાંથી અને દેશના દરેક રાજ્યમાંથી લોકો સુરતમાં રોજી રોટી રળવા આવ્યા, સાથે પોતાની ખાણીપીણીની આદતો, વાનગીઓ અને રીતરિવાજો લેતા આવ્યા, પણ તેને કારણે સુરતની સંસ્કૃતિનું વિલોપન થવા માંડ્યું અને સુરતમાંથી સુરતીપણું અદૃશ્ય થવા માંડ્યું!
તળ સુરતમાંથી કોટની બહાર વસ્તી વધવા માંડી અને અસ્સલ સુરતીઓ લઘુમતીમાં આવતાં ગયાં.સુરતીઓના ભાણામાંથી સુરતી વાનગીઓ અદૃશ્ય થવા માંડી અને પીઝા બર્ગર રાજસ્થાની વાનગીઓ, પંજાબી વાનગીઓ, દક્ષિણ ભારતની વાનગીઓ, રેસ્ટોરાંઓમાં ઇટાલિયન, ચાઈનીઝ, મેક્સિકન વાનગીઓનો વરસાદ વરસવા માંડ્યો. સુરતી દાળ- લાપસી, સુરતી કઢી, ખમણ, કેળાં મેથીનાં ભજીયાં, રવા મેંદાની પુરી, પકવાન, રતાળુની પુરી, શીખંડ ,વેઢમી,શીરા પુરી વિ. ભોજનાલયો અને રસોડામાંથી પણ અદૃશ્ય થવા માંડ્યાં.
અસલ સુરતીઓ આ વાનગીઓ માટે તરસવા માંડ્યાં, પણ હવે તો કરી, દાલ ફ્રાય, દાલ તડકા, ચાઈનીઝ સમોસા, બર્ગર વગેરે વાનગીઓનો ઠેરઠેર પ્રભાવ છે. સુરતી ફરસાણની દુકાનો ઓછી થવા માંડી છે. આ સંજોગોમાં એક સૂચન એવું કરીએ કે સુરતી રસોઈના જાણકાર રસોઇયાઓ વ્યક્તિગત ધોરણે કે સહકારી ધોરણે સુરતી વાનગીઓની ટિફિન કે થાળી વેચવાનું ચાલુ કરે તો તેમને આર્થિક રીતે પણ ફાયદો થશે અને તળ સુરતીઓને અસલ સ્વાદ મળતો રહેશે. બાકી અત્યારે તો ‘સુરતનું જમણ’ કહેવત પોતે જ સમાપ્તિની અણી પર આવી ગઈ છે. સુરતના સુરતીપણાની રક્ષા માટે અસલ સુરતીઓએ બહાર આવવું જ પડશે.
સુરત – કિરીટ મેઘાવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.