એક બંગલા બને ન્યારા… એ તો દરેકનું પોતીકું સપનું હોવાનું.વળી,એ માટે દરેક પોતાની કેપેસીટી પ્રમાણે ઘર બનાવે. આજે અહીંથી એવા ઘરની વાત કરવી છે જે સાવ એકલું અટુલુ છે, ક્યાં તે જોઇએ. ભૌગોલિક રીતે અતિશય ઠંડા પ્રદેશોમાં ગણાતા આઇસલૅન્ડના વેસ્ટમેન્યાર દ્વીપસમૂહમાં એલિરે નામનો ટાપુ છે. એ ટાપુ પર મોટા ક્ષેત્રમાં સાવ એકલું અટૂલું ઘર છે. એ ઘરની તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. ઘાસના ચરાણ વચ્ચે એ મકાન સારી સ્થિતિમાં વેલ મેઇન્ટેન્ડ કેવી રીતે દેખાય છે? એલિરે ટાપુની એ જગ્યા વિશે ઑનલાઇન મીડિયા પર અનેક અફવાઓ ફેલાઈ, જેમ કે કોઈ ચક્રમ બિઝનેસમૅને એ બંગલો બંધાવ્યો હતો. ક્યારેક કોઈએ એવું પણ લખ્યું કે કોઈ ધર્માંધ વ્યક્તિએ એ મકાન બંધાવ્યું છે. એક વખત તો એવી વાતો પણ ફેલાઈ કે આઇસલૅન્ડનો બ્યોર્ક નામનો ગાયક એનો માલિક છે. હવે કદાચ કોઈ હૉલીવુડનો ફિલ્મમેકર એ બંગલોની રહસ્ય કથા લખાવીને થ્રિલર ફિલ્મ બનાવે એવી શક્યતા જણાય છે. વર્ષ ૧૯૩૦ સુધી એ ટાપુ પર જૂજ પરિવારો રહેતા હતા. ત્યાં જંગલી પ્રાણીઓનો શિકાર કરનારાઓની અવરજવર હોવાથી હન્ટિંગ લૉજ પણ છે.
એનર્જી સેવિંગ સિસ્ટમને કારણે આકાશનો રંગ બદલાય ખરો?
વાત સ્વીડનના બે જોડિયા ગામની છે જેમાં સાંજ થતા આકાશનો રંગ કેસરી નહીં પણ જાંબુડી કે કિરમજી રંગનો થઇ જતો નોંધાયો છે. સ્વીડનના દક્ષિણ ભાગનાં બે જોડિયાં ગામ ગિસ્લોવ અને ટ્રેઇલબર્ગના રહેવાસીઓ બે મહિનાથી રોજ રાતે જાંબુડી-કિરમજી રંગનું આકાશ જોઈને આશ્ચર્ય પામતા હતા. એ બે ગામ વચ્ચેનો પ્રવાસ માંડ દસેક મિનિટનો છે. થોડા દિવસ અચરજમાં વિતાવ્યા પછી એ બે ગામના લોકોને નજીકના ટમેટાના ખેતરના માલિકોએ તેમની સામે સ્પષ્ટતા કરી હતી કે તેમણે ઇન્સ્ટૉલ કરેલી નવી એનર્જી સેવિંગ સિસ્ટમને કારણે રોજ આકાશનો રંગ બદલાય છે. તેમણે તેમનાં ખેતરોના છોડવા-ઊભો પાક વહેલો અને સારો વિકાસ પામે એ માટે એલઈડી ઇન્સ્ટૉલેશન્સ ગોઠવ્યાં છે. એનો પ્રકાશ આકાશ તરફ ફેલાતો હોવાથી આસપાસનાં ગામ અને શહેરમાં રાતે જાંબુડી કે કિરમજી રંગ આકાશમાં જોવા મળે છે. સાંજે પાંચ વાગ્યાથી રાતે ૧૧ વાગ્યા સુધી આ દૃશ્ય અચૂક જોવા મળે છે.
આ સ્પાઇડરમૅન નથી પણ પર્યાવરણપ્રેમી છે
ઘણાઓ કચરો ફેંકવા અંગે એવા બેદરકાર હોય છે કે તેઓ જ્યાં જાય ત્યાં કચરાના ઢગ કરતા જાય ને તે માટે જરાય દિલસોજી પણ વ્યક્ત ન કરે. તેમાંય પર્વત પર જ્યારે સહેલાણીઓને ટહેલવા માટેની સુવિધાઓ બનાવવામાં આવે ત્યારે ત્યાં બેદરકાર માણસો દ્વારા કચરો ફેલાવાનું શરૂ થઈ જાય છે. વાત કરીએ ચીનની.. ચીનના ટિઆનમેન પર્વત પરથી પર્યટકો દ્વારા કરાતા કચરાની સફાઈ માટે વર્ષ ૨૦૧૦માં એક ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું. આ ટીમમાં ૪૮ વર્ષના યાંગ ફેયુનો પણ સમાવેશ થાય છે. પર્વતની સફાઈ કરવાના કાર્યમાં આ ટીમના સભ્યોએ ૪૦૦ મીટર એટલે કે લગભગ ૧૩૦૦ ફીટ ઊંચી પર્વતની ટોચ સુધી પહોંચવાનું હોય છે. અહીંથી તેની ટીમના સભ્યો પર્યટકો દ્વારા છોડવામાં આવેલી પાણીની બૉટલો, પૅકેજિંગ અને ટિશ્યુ એકઠા કરે છે. યાંગ ફેયુ નામના ભાઈ માત્ર રસ્સીના સહારે પર્વત પરથી નીચે લટકે છે અને આજુબાજુમાંથી પર્યટકોએ નાખેલો કચરો વીણી લાવે છે. વરસાદની મોસમમાં પણ પર્વતની સફાઈ માટે પ્લાસ્ટિકનો પૉન્ચો પહેરીને તેઓ નીચે ઊતરે છે. હાલમાં મહામારીના સમયમાં ફેસ-માસ્ક પહેરીને પોતાનું કામ આગળ ધપાવતા યાંગભાઈનું કહેવું છે કે શરૂઆતમાં એક વર્ષમાં લગભગ પાંચ ટન જેટલો કચરો એકત્રિત થતો હતો. જોકે હવે પ્રવાસીઓ થોડા વધુ સમજદાર બની ગયા છે. હવે લગભગ બે ટન જેટલો જ કચરો થાય છે.
ડિસ્પોઝેબલ ફેસ માસ્કમાંથી બનાવાયું ફર્નિચર..
દરેક યુઝ એન્ડ થ્રો આઇટમ આખરે પર્યાવરણમાં કચરો જ વધારતી હોય છે. વાત કરીએ ફેસ માસ્કનો. કોરોના વાઇરસના સમયમાં ફેસ માસ્કનો વપરાશ ખૂબ જ જરૂરી છે. એવામાં પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ ફેસ માસ્કને જ્યાં-ત્યાં ફેંકી દેવાના કિસ્સાઓ આપણો વાંચ્યા જ છે. આવા સમયે આ ડિસ્પોઝેબલ માસ્કમાંથી ત્રણ પગવાળાં ટેબલ બનાવ્યાં છે સાઉથ કોરિયાના ફર્નિચર ડિઝાઇનના સ્ટુડન્ટ કિમ હા નેઉલે.
ડિસ્પોઝેબલ ફેસ માસ્કનો નિકાલ કરવા વિશે વિચારતાં કિમ નેઉલને થયું કે જો પ્લાસ્ટિકને રીસાઇકલ કરી શકાય તો પોલીપ્રોપલીનના બનેલા માસ્કને કેમ નહીં? એક ટેબલ તૈયાર કરવા માટે લગભગ ૧૫૦૦ જેટલા માસ્કની આવશ્યકતા હોય છે. આ માટે કિમે સ્કૂલો પાસે માસ્ક કલેક્શન બૉક્સ મૂક્યાં. અત્યાર સુધીમાં તેને ૧૦,૦૦૦ કરતાં વધુ વપરાયેલા માસ્ક મળ્યા તેમ જ ફૅક્ટરીમાંથી થોકબંધ ડિફેક્ટિવ માસ્ક મળ્યા.
વપરાયેલા માસ્ક મળ્યા પછી કોરોના વાઇરસના સંક્રમણનું જોખમ ટાળવા કિમ નેઉલ લગભગ ચાર દિવસ સુધી એને સાઇડમાં રાખી મૂકે છે. ત્યાર બાદ એમાંથી ઇલાસ્ટિક બૅન્ડ અને વાયર દૂર કરી માસ્કને ૩૦૦ ડિગ્રી (૫૭૦ ડિગ્રી ફેરનહીટ) પર ગરમી આપી માસ્કને પીગાળીને ત્યાર બાદ એમાંથી ૪૫ સેન્ટિમીટર (૧૮ ઇંચ)ના માપનું ટેબલ તૈયાર કરે છે. જોકે કિમ નેઉલ ટેબલ ઉપરાંત આ માસ્કમાંથી અન્ય ફર્નિચર પણ બનાવવા માગે છે.