National

‘આ અમારો છેલ્લો મેસેજ છે, કોંગ્રેસ છોડી દો નહીંતર…, બજરંગ પુનિયાને જાનથી મારી નાખવાની ધમકી

હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સામેલ થયેલા રેસલર બજરંગ પુનિયાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. તેને વિદેશી નંબર પરથી વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો. બજરંગ પુનિયાએ આ અંગે સોનીપતના બહલગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

કુસ્તીબાજ બજરંગ પુનિયા શુક્રવારે જ કોંગ્રેસમાં જોડાયા હતા અને તે જ દિવસે તેમને કિસાન કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા. તેના બે દિવસ બાદ બજરંગ પુનિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. કોંગ્રેસમાં જોડાયા બાદ બજરંગને એક વિદેશી નંબર પરથી વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે બજરંગ, કોંગ્રેસ છોડી દો નહીંતર તમારા અને તમારા પરિવાર માટે સારું નહીં થાય. આ અમારો છેલ્લો સંદેશ છે.

બજરંગ પુનિયાએ આ ધમકીને લઈને સોનીપતના બહલગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. પોલીસ પ્રવક્તા રવિન્દ્ર સિંહે કહ્યું કે બજરંગ પુનિયાએ સોનીપતના બહલગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેને બહારના નંબર પરથી મેસેજ મળ્યો છે. તેની ફરિયાદના આધારે પોલીસ કાર્યવાહી ચાલુ છે. અજાણ્યા શખ્સે ધમકી આપી છે. આ તપાસનો વિષય છે. તેની તપાસ ચાલુ છે.

તમને જણાવી દઈએ કે કુસ્તીબાજો બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ 2023માં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ સાંસદ અને ભારતીય કુસ્તી મહાસંઘના તત્કાલીન વડા બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીના આરોપોને લઈને વિરોધ પ્રદર્શનનો ભાગ હતા. બજરંગ પુનિયા ટોક્યો ઓલિમ્પિક ગેમ્સનો બ્રોન્ઝ મેડલ વિજેતા છે.

નોંધનીય છે કે કોંગ્રેસે બજરંગ પુનિયાને વિધાનસભાની ટિકિટ આપી નથી, જ્યારે હરિયાણા વિધાનસભાની જુલાના બેઠક પરથી વિનેશ ફોગાટને મેદાનમાં ઉતાર્યા છે. ટિકિટ ન મળવાના સવાલ પર બજરંગ પુનિયાએ કહ્યું હતું કે માત્ર ચૂંટણી લડવી એ રાજકારણ નથી. અગાઉ પણ અમે બંનેએ વાત કરી હતી કે બેમાંથી એક ચૂંટણી લડશે. વિનેશ ફોગાટ લડી રહી છે અને હું તેને સપોર્ટ કરી રહ્યો છું.

Most Popular

To Top