આમ તો એ આપણી હથેળીમાં સમાય જાય પણ શક્તિશાળી એવું છે કે એ સમસ્ત માનવજાતને મુઠ્ઠીમાં જકડી શકે..! સરેરાશ ૧૫ સેન્ટિમીટરની લંબાઈ ધરાવતા માનવના આ અંગનું વજન છે માત્ર ૧૩૦૦થી ૧૪૦૦ ગ્રામ (આશરે ૩ પાઉન્ડ)….આ અંગ છે આમ તો અતિ કોમળ પણ એ જગતના અનેક ઝંઝાવાતોની ઝીંક ઝીલી શકે એવું તાકતવર પણ છે ! મગજની મૂળભૂત રચના જાણીએ તો એના ૬૦% ભાગમાં ફેટ એટલે કે ચરબી અને બાકીના ૪૦%માં પાણી- પ્રોટિન-કાર્બોહાઈડ્રેટ્સ અને સોલ્ટ હોય છે. આમ તો બ્રેનને મુખ્યત્વે ત્રણ વિભાગમાં વહેંચી શકાય અને એ ત્રણેય ભાગની પોતાની વિશેષતા છે . બીજા શબ્દોમાં એમ કહી શકાય કે બ્રેન ત્રણ વિશેષજ્ઞોની કમિટી છે અને એ ત્રણેય સંપીને -સાથે મળીને બધી કામગીરી બજાવે છે.
હવે નર-નારીના મગજની સરેરાશ સરખામણી કરીએ તો નારીનું મગજ નર કરતાં ૧૧% નાનું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો નારી કરતાં નરનું મગજ ૧૦૦-૧૨૫ ગ્રામ મોટું હોય છે. જો કે, અમુક પ્રકારના નિર્ણય લેવાની બાબતમાં નરની સરખામણીએ નારીનું મગજ વધુ સતર્ક અને ઝડપી હોય છે. બીજી તરફ, મગજનાં કેટલાંક તલસ્પર્શી સંશોધનમાં એવું પણ જોવા મળ્યું છે કે આંખ અને મગજ વચ્ચેના કોઓર્ડિનેશન-તાલમેલની બાબતમાં મહિલા કરતાં પુરુષ વધુ ઝડપી હોય છે. એક ઉદાહરણ લઈએ: ભારે ટ્રાફિક વચ્ચે રોડ કઈ ક્ષણે કઈ રીતે ક્રોસ કરવો એનો નિર્ણય લેવામાં સ્ત્રી મુંઝાઈ જશે પણ પુરુષ તાત્કાલિક નિર્ણય લેશે..
માનવની કાયામાં મગજની રચના ગજબની જટિલ છે. ૧૦૦ અબજથી વધુ નર્વ એટલે કે મજ્જાતંતુ કે જ્ઞાનતંતુથી બનેલું મગજ કરોડરજ્જુની સહાયતાથી આપણાં વિચાર- સ્મૃતિ- વિવિધ પ્રકારની સંવેદના-શ્વાસોચ્છવાસ-દ્રષ્ટિ-ભૂખ,ઈત્યાદિ ક્રિયા-પ્રક્રિયાનું તત્કાળ પૃથક્કરણ કરીને માનવકાયાનું નિયંત્રણ કરે છે. આ સમગ્ર ગોઠવણ ‘સેન્ટ્ર્લ નર્વસ સિસ્ટમ (CNS)’ તરીખે ઓળખાય છે. બ્રેન વિભિન્ન ભાગમાં વહેંચાયેલું છે, જે આપણી વિવિધ ક્રિયા પર અંકુશ ધરાવે છે. મગજ એક વિશેષ પ્રકારના દ્રવ્ય -પ્રવાહીની વચ્ચે તરતું રહે છે. આ પ્રવાહી Cerebrospinal fluid તરીકે ઓળખાય છે. મગજ જેવા નાજુક અંગને ઈજાથી ઉગારવા માટે એને ફરતું એક કવચ હોય છે, જેને આપણે સ્કલ અર્થાત ‘ખોપરી’ તરીકે ઓળખીએ છીએ. આ મજબૂત અંગ એનું સુરક્ષાચક્ર છે.
મગજ કેટલી ઝડપે કામ કરે છે એ હવે આપણે જોઈએ. આપણાથી અજાણતા જ શરીરમાં આકાર લેતી કેટલીક વાતના સંદેશ આપણું મગજ સુપર કમ્પ્યુટરની ઝડપે શરીરના લાગતાવળગતા ભાગને પહોંચાડે છે. દાખલા તરીકે, તમારા પગના તળિયે એક તીક્ષ્ણ ખીલી ખૂંચી ગઈ કે તરત જ તમારી ચામડી પીડાનો સંદેશ કરોડરજ્જુ દ્વારા મગજને ૨૪૦ કિલોમીટરની ઝડપે પહોંચાડશે અને મગજ ત્વરાથી ‘હવે શું કરવું ? ‘ એનો નિર્ણય ૩૨૦ કિલોમીટરની સ્પીડે કરોડરજ્જુ દ્વારા હાથને પહોંચાડશે અને મગજનો એ હુકમ મળતાં હાથ પેલા પગમાં ખૂંચેલી ખીલીને ખેંચી કાઢશે…! આવા બ્રેન-મગજનો સર્વ પ્રથમ ઉલ્લેખ ઈસુના ૧૭૦ વર્ષ પહેલાં રોમના તબીબ ગેલીને કર્યો હતો . ત્યાર પછીના સૈકાઓમાં તો એના વિશે ક્રમશ: સંશોધન થતું રહ્યું. તબીબી ક્ષેત્રે નવી નવી ટેક્નોલોજીના આગમન સાથે છેલ્લાં ૧૦ વર્ષમાં તો બ્રેન વિશે આપણને અનેકવિધ નવી અને રોચક માહિતીઓ મળવા લાગી પછી તો મગજ વિશેની ઘણી જૂની માહિતી અને માન્યતાઓનો ભાંગીને ભુક્કો થઈ ગયો.
તાજેતરના આ સમાચાર જાણો..
કેલિફોર્નિયા યુનિવર્સિટીના કેટલાક વિજ્ઞાનીઓએ મગજ વિશેના એમનાં સંશોધનનાં કેટલાંક તારણો પેશ કરીને એવો દાવો કર્યો છે કે કોઈ વ્યક્તિ જ્યારે અમુક વાત વિશે વિચારે- કોઈ વિગત કે માહિતી યાદ કરવાનો પ્રયાસ કરે એનું મગજ પણ કમ્પ્યુટરના સર્ચ એન્જિન જેમ બફરિંગ કરે છે. એ યાદદાસ્ત તાજી કરતા મગજને ૧૫ સેકન્ડ લાગે છે. આ વાત સિદ્ધ કરવા વિજ્ઞાની-ટીમે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ પર એક પ્રયોગ કર્યો હતો. ૩૦ સેકન્ડની એક વીડિયો ક્લિપમાં અનેક ફેસ-ચહેરા દર્શાવવામાં આવ્યા અને પછી ૩૦મી સેકન્ડે દેખાડેલા ચહેરા વિશે પ્રશ્નોત્તરી પણ થઈ પરંતુ મોટાભાગના વિદ્યાર્થી ૩૦મી સેકન્ડના ચહેરાને ઓળખવામાં નિષ્ફળ નીવડ્યા. આ પ્રયોગ ફરી કરવામાં આવ્યો અને ૧૫મી સેકન્ડે દેખાડેલા ફેસ વિશે પૂછ્યું તો મોટાભાગના વિદ્યાર્થીઓએ તે ઓળખી બતાવ્યો.! આનો અર્થ એ થયો કે નવી મેમરીને ફરી તાજી કરતા મગજને માત્ર ૧૫ સેકન્ડનો સમય જોઈએ છે. આ વિશે ફોડ પાડતા કેલિફોર્નિયા યુનિવર્સિટી વિજ્ઞાની-ટીમના વડા પ્રોફેસર ડેવિડ વિટની કહે છે કે તાજી ઘટનાને પુન: યાદ આવતા ૧૫ સેકન્ડનો સમય લાગે છે. એ જો આપણને ખ્યાલ ન આવત તો તાજી અને જૂની ઘટના વચ્ચેનો ફરક આપણે ન સમજી શકત પરિણામે સમયને લઈને ભ્રમ સર્જાત ,જેની અસર આપણી વર્તણૂક પર વર્તાત.
મગજને લઈને આ અને આના જેવી ઘણી વાત એવી છે કે જે આપણી માન્યતા અને હકીકત વચ્ચે ઘણો તફાવત ધરાવે છે. આમાંની કેટલીક તો નવાઈ પમાડે એવી પણ છે, જેમ કે… માન્યતા એવી છે કે આપણા મગજની ક્ષમતા અપાર છે પણ આપણે એ કેપેસિટિના માત્ર ૧૦ % જ વાપરીએ છીએ. હકીકત એ છે કે આ ૧૦%ની વાત ૧૦૦% ભૂલભરેલી માન્યતા છે. આપણે જ્યારે પણ કોઈ કામ કરીએ છીએ ત્યારે ૧૦ કે ૨૫-૩૦ % નહીં પણ એ કામ પાછળ આખેઆખું મગજ જ વાપરીએ છીએ. આમ છતાં ‘આપણે ૯૦% મગજ વાપરતા જ નથી’ એવી માન્યતા ફેલાવવા પાછળ પોતાની વાક્છટા દ્વારા જુસ્સો ચઢાવનારા ‘મોટિવેશનલ ગુરુ’ઓ જ છે, જે મગજનાં પૂરતાં તથ્ય જાણ્યા વગર આવા તુક્કા વહેતા મૂકે છે.
માન્યતા: ક્રોસવર્ડ્સ પઝલ્સ એટલે શબ્દ કોયડા કે શબ્દલીલા જેવી શબ્દો ઉકેલવાની રમતથી યાદશક્તિ વધે છે- મેમરી વધુ શાર્પ થાય છે.
હકીક્ત : ના, એવું જરૂરી નથી . હા, શબ્દોની આવી ગેમથી તમારું શબ્દભંડોળ જરૂર વધે પણ તમારી યાદશક્તિ વધવાની શક્યતા સાવ નહીંવત છે. આમ છતાં ન્યૂયોર્કની ‘ આલ્બર્ટ આઈન્સ્ટાઈન કૉલેજ ઑફ મેડિસિન’ના સંશોધક ટીમનું કહેવું છે કે કોઈ વ્યક્તિ આવા શબ્દકોયડા ઉકેલતી હોય તો ૬૦ વર્ષ પછી કુદરતી રીતે જે ઝડપે એની યાદશક્તિ ક્ષીણ થવાની હોય એ નથી થતી. વધુ વય સુધી એની યાદદાસ્ત ટકી રહે છે ખરી.
માન્યતા : મગજના જ્ઞાન કે ચેતાતંતુ એક વાર ઈજા પામે પછી એ કયારેય સાજા થતાં નથી.
હકીકત : ના, એવું નથી. મગજના અમુક સેલ્સ એટલે કે કોષ આપમેળે પુન: સર્જાતા રહે છે. યોગ્ય સારવાર મળે તો અક્સ્માતે ઈજા પામેલા કોષ આ રીતે પુન: જીવિત થઈને મગજની એની મૂળ કામગીરી બજાવવા માંડે છે. માન્યતા : સ્ત્રીની સરખામણીએ પુરુષનું મગજ ગણિત અને વિજ્ઞાન જેવા વિષયને વઘુ સારી રીતે સમજી શકે છે જ્યારે સ્ત્રીનું દિમાગ વિવિધ સંવેદનાને પુરુષ કરતાં વધુ સરસ રીતે વ્યકત કરી શકે છે. હકીકત: મગજના જે ભાગમાંથી મેમરી-યાદશક્તિનું સંચાલન થાય છે એ ભાગનો વિસ્તાર સ્ત્રીમાં મોટો છે અને સંવેદના-સહાનુભૂતિવાળો મગજનો ભાગ પુરુષમાં મોટો છે! આમ ગણિત – વિજ્ઞાન જેવા વિષય પુરુષ જ સારી રીતે સમજી શકે એ જરૂરી નથી. એવું જ સ્ત્રીની સહાનુભૂતિનું છે. આમ છતાં સામાજિક ઉછેર અને જે માન્યતા આપણા બધાનાં મનમાં ઘર કરી ગઈ છે એને આપણે યથાવત રાખીએ છીએ.
અહીં કોઈ વૈજ્ઞાનિક આધાર ન હોવા છતાં! માન્યતા : લેખક-કવિ-ચિત્રકાર જેવી વ્યક્તિની સર્જક્તાનું સંચાલન મગજની જમણી બાજુથી થતું હોય છે, જ્યારે તકનીકી કે ટેક્નોલોજી બાબતમાં જે વધુ એક્સપર્ટ હોય એનું સંચાલન ડાબું મગજ કરે છે. હકીકત : ડાબા-જમણા મગજની કામગીરી વિશે બહુ લખાયું છે -ચર્ચાયું પણ છે. આ બન્ને પ્રકારના બ્રેન વિશે અનેક વિરોધાભાસી સંશોધન પણ થયાં છે. હકીકતમાં ડાબા-જમણા મગજની વાત ક્લ્પના માત્ર છે એવું પણ કેટલાક નિષ્ણાતો કહે છે અને ઉમેરે પણ છે કે મગજની બન્ને બાજુ સાથે જ મળીને બધી કામગીરી બજાવે છે. બન્ને સ્વતંત્ર નથી. બન્ને એક્મેક પર આધારિત છે! માનવ મગજને વધુ ને વધુ સમજવા માટે એના વિશે અવિરત સંશોધન ચાલી રહ્યાં છે અને પ્રત્યેક સંશોધન -રિસર્ચ મગજ વિશે આપણને ઉત્તેજિત કરે એવાં નવાં જ પરિમાણ અને પરિણામ પેશ કરી રહ્યાં છે . આમ માનવકાયાનું એક નવું જ અલૌકિક ભેદભરમભર્યું બ્રહ્માંડ છે આપણું મગજ!