Charchapatra

આ અકસ્માત નથી, માનવ હત્યા છે

આમ તો વિમાન અકસ્માતની ટકાવારી અન્ય અકસ્માતો કરતા ઓછી હોય છે પરંતુ જ્યારે વિમાન અકસ્માત થાય ત્યારે બીજા અકસ્માત કરતાં એની ભયાનકતા અને ભીષણતા વધુ હોય છે. એવું કહેવાય છે કે અમદાવાદમાં જે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું એની ફિટનેસ ઘણા વખતથી શંકાસ્પદ હતી, મહિના પહેલા પણ આ જ વિમાનમાં ખામી સર્જાતા ટ્રીપ કેન્સલ કરવામાં આવી હતી.  દિલ્હીથી અમદાવાદ આ વિમાનમાં આવ્યું ત્યારે એક યાત્રીએ વિમાનની કેટલીક ખામી બાબતે  ફરિયાદ પણ કરી હતી.

વિમાનમાં આટલી બધી સમસ્યાઓ હોવા છતાં  એને લાંબા રૂટ માટે (અમદાવાદ ટુ લંડન)ઉડાડવું એ એક પ્રકારે મોતને આમંત્રણ આપવા બરાબર હતું અને છેવટે થયું પણ એ જ! વિમાન ઉડતાની સાથે જ તૂટી પડ્યું એ જ બતાવે છે કે વિમાનમાં ગંભીર સમસ્યા હતી, છતાંય વિમાનને ઉડાડવું એ એક પ્રકારની માનવ હત્યા જ ગણાય..  લાઇસન્સ, પીયુસી, હેલ્મેટ વગર દંડ ફટકારતી સરકારને આ વિમાનની આટલી ગંભીર સમસ્યા કેમ નહીં દેખાય હોય?  સરકારમાં એક આખું ઉડ્ડયન મંત્રાલય હોવા છતાંએ જ્યારે ત્રણસો જેટલા માણસને ભરખી જતી આવી દારૂણ ઘટના બને ત્યારે

આવા મંત્રાલયને શું ધોઈ પીવાના હતાં?  મંત્રીશ્રીએ તો કહી દીધું કે, આવા અકસ્માત થતાં રહે છે, જેને અટકાવી શકાતા નથી. એવું નથી. માનવીય ભૂલ અને બેદરકારીને કારણે થતાં આવા અકસ્માતોને અવશ્ય અટકાવી શકાય છે.  આપણે ત્યાં બસમાં, ટ્રેનમાં અને વિમાનમાં મૃત્યુ પામનારને માટે અલગ અલગ ‘કિંમત’ જાહેર થતી હોય છે.  મતલબ, મોતને પણ ‘મૂલ્ય’ હોય છે.  બ્લેક બોક્ષ સાચું બતાવશે પણ રિપોર્ટ સાચો જ હોય એ જરૂરી નથી.
સુરત     – પ્રેમ સુમેસરા     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top