અમેરિકાના વિઝાના બે પ્રકાર છે. કાયમ રહેવાની ઈચ્છા ધરાવનારાઓ માટે ‘ઈમિગ્રન્ટ’અને ટૂંક સમય, કોઈ ખાસ કાર્ય માટે ત્યાં જવાની ઈચ્છા ધરાવનારાઓ માટે ‘નોન-ઈમિગ્રન્ટ’. નોન-ઈમિગ્રન્ટ વિઝાના અનેક પ્રકારો છે. જુદા જુદા પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝાની વ્યાખ્યા અને એ મેળવવા માટેની લાયકાતો તેમ જ જરૂરિયાતો અમેરિકાના ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ, 1952’ની કલમ 101માં આપવામાં આવી છે. કલમ 101ની પેટા કલમ (એ), (બી), (સી), (ડી), વગેરેમાં જુદા જુદા પ્રકારનાં જે નોન-ઈમિગ્રન્ટ વિઝાની વ્યાખ્યા કરવામાં આવી હોય, એ અંગ્રેજી આલ્ફાબેટને, એ પ્રકારના વિઝાની ‘સંજ્ઞા’આપવામાં આવી છે. જેમ કે એમ્બેસેડરો માટેના નોન-ઈમિગ્રન્ટ વિઝાની વ્યાખ્યા કલમ 101(એ)માં કરવામાં આવી છે. એટલે એમ્બેસેડરોને અપાતા વિઝાની સંજ્ઞા ‘એ’ છે. બિઝનેસમેનોને અપાતા વિઝાની વ્યાખ્યા કલમ 101(બી-1)માં કરવામાં આવી છે એટલે બિઝનેસ વિઝિટર્સ માટેના વિઝાની સંજ્ઞા ‘બી-૧’છે.
ટુરિસ્ટો માટેના જે વિઝા ઘડવામાં આવ્યા છે એની વ્યાખ્યા કલમ 101(બી-2)માં કરવામાં આવી છે આથી ટુરિસ્ટો માટેના વિઝાની સંજ્ઞા ‘બી-2’ છે આ મુજબ જ અન્ય સ્ટુડન્ટો માટેના ‘એફ-1’વિઝા, સ્પેશિયાલિટી ઓક્યુપેશન વર્કરો માટેના ‘એચ-૧ બી’વિઝા, ન્યૂઝપેપરો રિપોર્ટર માટેના ‘આઈ’વિઝા, આંતરકંપની ટ્રાન્સફરી મેનેજરો માટેના ‘એલ-1’વિઝા, અસાધારણ આવડત ધરાવનારી વ્યક્તિઓ માટેના ‘ઓ’વિઝા, સાંસ્કૃતિક કાર્યક્રમ ભજવવા માટે જનારાઓ માટેના ‘પી-3’વિઝા, આમ જુદા જુદા પ્રકારનાં કાર્યો કરવા માટે, ટૂંક સમય માટે અમેરિકા જવા ઈચ્છનારા પરદેશીઓ માટે કલમ 101ની જુદી જુદી પેટા કલમમાં વ્યાખ્યાઓ કરવામાં આવી છે.
જો કલમ 101 અને એની પેટા કલમો બરાબર વાંચવામાં આવે, સમજવામાં આવે અને એમાં જે તે પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા મેળવવાની શું શું જરૂરિયાત છે, કેવી કેવી લાયકાત હોવી જોઈએ એ જાણી લેવામાં આવે તો એ પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા મેળવતાં મુશ્કેલી નહીં નડે. મોટા ભાગના નોન-ઈમિગ્રન્ટ વિઝાના અરજદારો અમેરિકાના ઈમિગ્રેશનના આ કાયદાની કમલ 101 વાંચતાં જ નથી હોતા. એમને એ વાતની જાણ જ નથી હોતી કે તેઓ જે કાર્ય માટે અમેરિકા જવા ઈચ્છે છે એ કાર્ય માટે કયા પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા ઉપલબ્ધ છે. આટલું જ નહીં, પણ એમને એ વાતની પણ જાણ નથી હોતી કે એમને જે પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા મેળવવાની જરૂરિયાત હોય છે એ નોન-ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે શું શું લાયકાતો હોવી જોઈએ. આથી અનેક વાર એમના વિઝાની અરજી નકારાય છે.
તમે અમેરિકા કોઈ ખાસ કારણસર, ટૂંક સમય માટે, કાયમ રહેવા માટે નહીં, જવા ઈચ્છતા હોવ, તો એ કારણ માટે કયા પ્રકારના, કંઈ સંજ્ઞા ધરાવતા નોન-ઈમિગ્રન્ટ વિઝા મેળવવા જોઈએ એ તમારે સૌપ્રથમ જાણી લેવું જોઈએ. અમુક પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે અમેરિકામાં પિટિશન દાખલ કરવાનું રહે છે. એ પ્રોસેસ થઈને એપ્રૂવ્ડ થાય પછી જેના લાભ માટે એ પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય એમણે એમના દેશમાં આવેલ અમેરિકન કોન્સ્યુલેટમાં જઈને પોતાની લાયકાત દર્શાવીને એ પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા મેળવવાના રહે છે. અમુક પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા વાર્ષિક ક્વોટાની સંખ્યાથી મર્યાદિત હોય છે. આ સર્વેની અનેકોને જાણ જ નથી હોતી.
નોન-ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે જે અરજીપત્રક ભરવાનું રહે છે એ પણ અનેકો જાતે નથી ભરતા. એમના ટ્રાવેલ એજન્ટો યા વિઝા ક્ધસલ્ટન્ટો એમનું અરજીપત્રક ભરતા હોય છે. તેઓ ઘણી વાર અરજીપત્રકમાં ખોટી તેમ જ છેતરામણી બાતમીઓ આપતા હોય છે. આના કારણે અરજદારને કદાચ વિઝા મળી જાય, પણ ભવિષ્યમાં એના કારણે ભયંકર નુકસાની થાય છે. અનેકોના આ કારણસર ગ્રીનકાર્ડ તેમ જ અમેરિકન સિટિઝનશિપ પાછી ખેંચી લેવામાં આવી છે. આથી નોન-ઈમિગ્રન્ટ વિઝાના અરજીપત્રકમાં જે કંઈ પણ બાતમી આપવામાં આવે એ બધી જ સાચી હોવી જોઈએ. અરજદારે અરજીપત્રક જાતે, બે વાર વાંચીને, ખાતરી કરી લેવી જોઈએ. જો તેઓ આવી ખાતરી કરવાનું ટાળશે તો ભવિષ્યમાં એમને જ રડવાનો વખત આવશે.
બી-1/બી-2 વિઝા ઉપર તમે જ્યારે અમેરિકામાં પ્રવેશો ત્યારે ઈમિગ્રેશન ઓફિસર તમને તમારું અમેરિકામાં આવવા માટેનું કારણ પૂછે છે. એ મુજબ તમે અમેરિકામાં કેટલો સમય રહી શકો એ તેઓ તમારા પાસપોર્ટ ઉપર લખીને જણાવે છે. અનેક અરજદારો એમના અરજીપત્રકમાં ‘અમારે અમેરિકામાં ફક્ત ત્રણ અઠવાડિયાં રહેવું છે’કે ‘એક મહિનો રહેવું છે’એવું જણાવતા હોય છે. જ્યારે ઈમિગ્રેશન ઓફિસર એમને આ બાબતમાં સવાલ કરે છે ત્યારે તેઓ કહે છે કે ‘તમે અમને છ મહિનાનો અમેરિકામાં રહેવાનો સમય આપો.’આવા કિસ્સામાં ઈમિગ્રેશન ઓફિસરને એવું લાગે છે કે તમે ખોટું બોલી, ફક્ત ત્રણ અઠવાડિયા રહેવું છે કે એક મહિનો રહેવું છે એવું જણાવીને, વિઝા મેળવ્યા છે. તમારો ઈરાદો તો અમેરિકામાં છ મહિના રહેવાનો છે. આથી અનેકોને તેઓ અમેરિકામાં પ્રવેશ નથી આપતા અને એમના બી-1/બી-2 વિઝા કેન્સલ કરે છે.
ઈમિગ્રેશન ઓફિસરને બી-1/બી-2 વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશતા પરદેશીને અમેરિકામાં વધુમાં વધુ છ મહિના રહેવા દેવાની પરવાનગી આપવાની સત્તા હોય છે. જો જરૂર પડે તો અરજી કરીને આ સમય બીજા છ મહિના લંબાવી શકાય છે. અનેકો આ સગવડનો ગેરલાભ ઉઠાવે છે અને અમેરિકામાં એક વર્ષ રહે છે. આવી વ્યક્તિઓના વિઝા પણ અનેક વાર કેન્સલ કરવામાં આવે છે.
બી-1/બી-2 વિઝાધારકોએ અનિવાર્ય સંજોગોમાં જ એમને અમેરિકામાં રહેવા માટે આપેલો સમય વધારવા માટે અરજી કરવી જોઈએ. ફક્ત એમનાં સગાંવહાલાં ત્યાં રહે છે, એમની જોડે વધુ રહી શકાય, એમના કાર્યમાં મદદ કરી શકાય, એ માટે સમય વધારવાની અરજી કરવી ન જોઈએ. જો કોઈ ખાસ કારણ વગર સમય વધારવાની અરજી કરવામાં આવશે તો એ નકારાશે. એમ થતાં એ વિઝાધારકનો અમેરિકામાં રહેવા માટે આપેલો સમય કરતાં જે વધુ વસવાટ હોય, એ ઈલ્લિગલ ગણાશે. ફરી પાછા એમને અમેરિકામાં પ્રવેશતાં મુશ્કેલી નડશે. એમના દસ વર્ષના મલ્ટિ-એન્ટ્રી વિઝા રદ થઈ જશે. કદાચ એમને ફરી પાછા બી-1/બી-2 વિઝા મેળવવામાં અડચણ પડે.