Columns

સાચો સેવા ધર્મ આને જ કહેવાય!

એક યુવાન વૈદ ગુરુ ગોવિંદસિંહજીના દર્શન માટે ગયો.દર્શન માટે ગયો,, ગુરુજીએ આશીર્વાદ આપતા કહ્યું, ‘જા, વત્સ જીવનભર બિમાર,દુઃખી,જરૂરિયાતમ્ન્દની સેવા કરજે.’ બસ યુવાન વૈદે ગુરુજીની આ વાત ગાંઠે બાંધી લીધી અને સેવા ધર્મને ગુરુમંત્ર માની બસ સતત લોકોની સેવામાં લાગી ગયો.

થોડા જ વખતમાં યુવાન વૈદનું નામ પ્રખ્યાત થઈ ગયું બધા તેને સેવાભાવી વૈદ તરીકે ઓળખવા લાગ્યા.આજુબાજુના ગામ અને નગરમાં પણ તેની ખ્યાતી ફેલાઈ ગઈ.એકવાર ગુરુ ગોવિંદસિંહજી વૈદના ગામમાં આવ્યા અને ખાસ વૈદના આંગણે ગયા.ગુરુને આંગણે પધારેલા જોઇને વૈદ તો એકદમ ખુશ થઈ ગયો.ભાવવિભોર થઇ સ્વાગત માટે આમ તેમ દોડાદોડી કરવા લાગ્યો.ગુરુજી બોલ્યા, ‘વત્સ, મારી પાસે બહુ સમય નથી તારી સેવા વિષે ઘણું સાંભળ્યું છે એટલે ખાસ તને મળવા અને આશિષ આપવા આવ્યો છું.બે ઘડી મારી પાસે બેસ..હું થોડીવારમાં જ નીકળી જઈશ.’

ગુરુજી વાત સાંભળી વૈદ તેમને પ્રણામ કરી તેમના ચરણોમાં હજી બેઠો જ ત્યાં એક બાર વર્ષનો છોકરો દોડતો દોડતો આવ્યો અને વૈદને હાથ જોડી રડતા રડતા કહેવા લાગ્યો, ‘વૈદજી મારી બીમાર મા આંખ જ નથી ખોલતી.તમે જલ્દી ચાલો ..મારી મા ને બચાવી લો.’
વૈદ મૂંઝાયો કે અહીં ગુરુજી ખાસ મળવા આવ્યા છે.તેમની પાસે સમય નથી તો પણ ખાસ થોડો સમય કાઢી આવ્યા છે.તેમને ઘરમાં બેસાડી કઈ રીતે બિમારનો જીવ બચાવવા જાઉં?…અને બિમારનો જીવ બચાવવો મારો ધર્મ છે..આ નાનકડા રડતા છોકરાને ના પણ કઈ રીતે પાડું?બે ઘડી વિચાર કર્યા બાદ વૈદે એક નિર્ણય લીધો.મક્કમ મને ઉભા થઈ ગુરુજીને પ્રણામ કરી પોતાનો થેલો લઇ તે છોકરા સાથે તેની બીમાર મા ના ઈલાજ માટે નીકળી ગયો.

ઘણી જહેમત બાદ તેણે બાળકની બીમાર મા ને ભાનમાં લાવી, દવા આપી જીવ બચાવી લીધો.પણ આ બધું કરતા ઘણો સમય પસાર થયો હતો.બીમાંરનો ઈલાજ કરી તેનો જીવ બચાવી ઘરે પાછા ફરતી વેળાએ વૈદનું મન ભારે હતું કે આજે પહેલીવાર મારા ગુરુજી મારા આંગણે આવ્યા અને હું તેમના માટે કઈ કરી ન શક્યો..ન સ્વાગત કર્યું ..ન સેવા કરી …ન વાત થઈ શકી ..ન ઉપદેશ મળ્યો…ઘરે ગુરુજી બેઠા હતા છતાં હું બહાર નીકળી ગયો.અને ઘણો સમય થી ગયો આમ પણ ગુરુજી પાસેતો બહુ સમય હતો જ નહિ એટલે ગુરુજી તો ચાલ્યા ગયા હશે.

આમ વિચારતા વિચારતા દુઃખી મને વૈદ ઘરે આવ્યો.તેના આશ્ચર્ય વચ્ચે ગુરુજી હજી તેની રાહ જોતા ત્યાં જ બેઠા હતા.તે દોડીને ગુરુજીના ચરણોમાં પડ્યો.ગુરુ ગોવિંદસિંહજીએ તેને ગળે લગાડ્યો અને બોલ્યા, ‘વત્સ તું મારો સાચો શિષ્ય છે.ગુરુજીએ આપેલા સેવાધર્મના મંત્રને તે ગુરુ કરતા પણ વધારે મહત્વ આપી તારો સેવા ધર્મ અને શિષ્યધર્મ બન્ને બરાબર નિભાવ્યા છે.સતત બધાની સેવા કરનાર મારા શિષ્યને મળવા જ તો હું ખાસ આવ્યો હતો તો બરાબર મળ્યા વિના આગળ કઈ રીતે જાઉં.બસ આમ જ સમાજની સેવા કરતો રહેજે સેવા જ સાચો ધર્મ છે.’

આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top