મથુરાના બાંકેબિહારી મંદિરની બહાર વીસ વર્ષની ભર યુવાનીમાં પતિના દેહાંત બાદ ઘર છોડી અહીં આશરો લેનાર ‘યશોદા’ નામની મહિલા કૃષ્ણભક્તિમાં લીન બની છેલ્લાં ત્રીસ વર્ષથી મંદિરની બહાર એક હાથમાં તુલસીની માળા અને બીજા હાથથી દર્શનાથીઓના જુતા-ચંપલને વ્યવસ્થિત ગોઠવી તેની રખેવાળી કરવાનું કામ કરે છે. જેના બદલામાં જે કાંઇ દાન-દક્ષિણા મળે તેનાથી પોતાનું ગુજરાન ચલાવી બચત પેટે તેણે એકાવન લાખ દસ હજાર જેટલી માતબર રકમ એકત્રિત કરી હતી. આ રકમને યશોદાએ ઢળતી ઉંમરે એક નેક કામ કરવાના ઇરાદાથી તમામ રકમ ત્યાં એક ગૌ શાળા તથા ધર્મશાળાના નિર્માણના કામ માટે જમણા હાથનું કાર્ય ડાબા હાથને પણ ખબર ના પડે એ રીતે ના કોઇ મીડિયા, ના કોઇ ફોટો ગ્રાફર, ના કોઇ પ્રસિધ્ધિ, ચુપચાપ ગુપ્તદાન તરીકે અર્પણ કરી દીધી અને તરત પાછી જુતા-ચપલની રખેવાળી કરવા બેસી ગઇ. જયારે આજે દાન આપનાર 100, 200નું દાન કરીને ફોટા સહિત મોટા હેડીંગમાં આવવાની ખેવના કરે છે. તેઓને આ એક બોધ લેવા જેવું દ્રષ્ટાંત છે.
સુરત – રેખા. એમ. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અમેરિકન લાઇફ સ્ટાઇલ
અમેરિકામાં ગર્ભપાત કરવાની ગોળી ઉપર અદાલતે કેમ પ્રતિબંધ ફરમાવ્યો ? પ્રશ્નની વિગત ખૂબ સમજદારીથી ટુ ધ પોઇન્ટમાં સમકિત શાહે ‘ગુજરાતમિત્ર’ની કોલમમાં રજૂ કરી છે. અમેરિકા સાથે મને જે સંબંધ છે તેથી એક ઘટના યાદ આવી ગઇ તે એ કે એક ભારતીય અમેરિકન માતા-પિતા તેની ટીન એજ છોકરીને દૂધ પી ને જવા માટે ભારે દબાણ કરી રહ્યા હતા અને ટીન એજ દીકરી તે દૂધ પીધા વિના તેના ઘણા બધા મિત્રો સાથે વીક એન્ડ મનાવવા જવાની ઉતાવળમાં હતી. ભારતીય અમેરિકન માતા-પિતા દૂધ પીવા માટે તેમની વહાલસોયી દીકરી પર દબાણ કરતા રહેતા અને દીકરી દૂધ ન પીવાની જીદ.
ખેર ! આખરે દૂધ પીવાયું કે નહીં તેની ખબર નથી, પણ ત્યાર પછી ખબર પડી કે, માતા-પિતા તેની ટીન એજ દીકરીને દૂધ પીવા માટે એટલા માટે દબાણ કરતા હતા કે વીક એન્ડમાં મસ્તી માટે જતી ટીન એજ દીકરી કોઇકનું પાપ (ગર્ભ) ભરીને ન આવે તે માટે એન્ટી પ્રેગ્નન્સી ટેબલેટ મેળવેલ દૂધ પીવા માટે દબાણ કરતા હતા. આ તો ઘણાં વર્ષો પહેલાંની સત્ય ઘટના છે. આજની પરિસ્થિતિ આ બાબતે કેટલી વિકરાળ હશે તે આપણે વિચારવું જ રહ્યું.
સુરત – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.