નવી દિલ્હી, તા. 02 : દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ને માત્ર નેમ ફેમ માટેની લીગ ગણાવીને કહ્યું હતું કે તેમાં ક્રિકેટ પર ધ્યાન આપવાના સ્થાને ખેલાડીઓની કમાણી પર વધુ ધ્યાન આપવામાં આવે છે. તેણે સાથે જ આઇપીએલ કરતાં પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ને બહેતર ગણાવીને કહ્યું છે કે પીએસએલ અને શ્રીલંકન ક્રિકેટ લીગમાં માત્ર ક્રિકેટ પર જ ધ્યાન આપવામાં આવે છે.
જે યુટ્યૂબ વીડિયો ઇન્ટરવ્યુમાં સ્ટેન આ વાત કરતો જોવા મળે છે તે બીજા કોઇએ નહીં પણ પાકિસ્તાનના કોઇ સ્પોર્ટસ જર્નાલિસ્ટ સલીમ ખાલિક દ્વારા લેવાયો છે અને એ પણ નોંધવા જેવી વાત છે કે સ્ટેન હાલમાં પીએસએલમાં રમી રહ્યો છે, તેમાં પણ તે કંઇ ખાસ ઉકાળી શક્યો નથી. સ્ટેન ઇન્ટરવ્યુમાં કહેતો જોવા મળે છે કે આઇપીએલ કરતાં તો પીએસએલ અને લંકા પ્રીમિયર લીગ (એલપીએલ) વધુ બહેતર છે.
સ્ટેન કહે છે કે જ્યારે તમે આઇપીએલમાં રમવા જાઓ છો તો ત્યાં એટલી મોટી સ્કવોડ હોય છે, ઘણાં મોટા નામ હોય છે અને ખેલાડીઓની કમાણી પર જ ધ્યાન આપવામાં આવે છે જેના કારણે ક્રિકેટ ભુલી જવાય છે. જ્યારે પીએસએલ અને એલપીએલમાં સંપૂર્ણ ધ્યાન ક્રિકેટ પર રહે છે.