Charchapatra

આ એક માનવસર્જિત દુર્ઘટના

હાલમાં જ ગંભીરા બ્રિજ તૂટી પડ્યો અને ૨૦ નિદોર્ષ માણસોનો ભોગ લેવાઈ ગયો, ૪૦ વર્ષ જૂનો બ્રિજ કોઈ સમારકામ ન થવાથી સ્પાનનાં બે કટકા થઈ ગયાં ને ૨૦ માણસોને લઇને નદીમાં પડ્યો. તો આ માનવસર્જિત દુર્ઘટના જ કહેવાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે ૨૦ માણસોનો ભોગ લેવાયા પછી આખા ગુજરાતનાં પુલોની ચકાસણી કરવાનો આદેશ ડબલ એન્જિન સરકારે આપ્યો, એમાં ઘણા પુલો બંધ કરવા પડ્યા. એટલે કે પહેલા કોઈ ચકાસણી થઇ જ ન હતી, સરકારે દુર્ઘટનાની જવાબદારી નક્કી કરીને ચાર અધિકારી ઇજનેરને સસ્પેન્ડ કર્યા, શું આના માટે ચાર અધિકારી જ જવાબદાર છે? ના, આખી સિસ્ટમ જ જવાબદાર છે.

પહેલુ મૂળ કારણ ભષ્ટ્રાચાર છે, પુલો બનાવનાર કન્સ્ટ્રકટર કંપનીઓ કદાવર નેતાઓની જ હોય છે, એટલે અધિકારીઓ ગુણવત્તાની બાબતમાં આંખ આડા કાન કરે છે, મૂળ વાત મુખ્યમંત્રીશ્રી વહીવટી અંકુશની છે. દિલ્હી પહોંચેલા ગુજરાતનાં કદાવર નેતાઓનો અંકુશ છે. પ્રજા ઉપર વધુ પરોક્ષ ટેક્ષ અને રોડ ટેક્ષ નાખી ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપીને પુલો, હાઇવે રોડ બનાવવા અઘરી વાત નથી, પરંતુ તેની ગુણવત્તા અને બન્યા પછીનાં સમારકામ ઉપર વહીવટી અંકુશ ન હોય એવો વિકાસ શું કામનો! પુલો હાઇવે, રોડ, રસ્તા માટે ટેક્ષ રૂપે પૈસા આપનારી પ્રજા જ તૂટતા પુલનાં કાટમાળ નીચે નદી દબાઈ ને કમોતે મરતી હોય તો, હવે સરકારને લાજ શરમ હોય તો શરમ આવવી જોઇએ.
કીમ      – પી.સી.પટેલ. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top