સુરત: સુરતનાં રેલવે સ્ટેશન (Surat Railway Station) વિસ્તાર સતત ટ્રાફિકથી (Traffic) ધમધમતો વિસ્તાર છે. આમ છતાં અહીં તંત્રની લાપરવાહીના કારણે આડેધડ ખડકાયેલી રહેતી રિક્ષાઓ (Rikshaw) અને અન્ય દબાણો અહીં ટ્રાફિકની સમસ્યા વકરાવી રહ્યાં છે. એવી પણ ફરિયાદ ઊઠી છે કે, સ્ટેશન વિસ્તારના ટ્રાફિકજામના કારણે મુસાફરો ટ્રેન પણ ચૂકી રહ્યા છે. ત્યારે વ્યાપક ફરિયાદ બાદ મેયર હેમાલી બોઘાવાલાએ સ્ટેશન વિસ્તારની મુલાકાત લઈ રેલવે, પોલીસ અને મનપા સાથે મળી આ સમસ્યાના નિકાલ માટે આયોજન કરે તેવી સૂચના આપી હતી.
- રેલવે સ્ટેશન પર ટ્રાફિકની સમસ્યા નિવારવા પોલીસ અને મનપા સંયુક્ત અભિયાન હાથ ધરશે
- સ્ટેશન વિસ્તારની ટ્રાફિક સમસ્યાને કારણે ટ્રાફિક જામ થતો હોવાથી ઘણા મુસાફરો ટ્રેન પણ ચૂકી જાય છે
- રિક્ષાચાલકોનું ન્યૂસન્સ દૂર કરવા મેયરની પોલીસને સૂચના
મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, રેલવે સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા વખતથી ટ્રાફિક સમસ્યા વકરી રહી છે તેના લીધે ઘણી સમસ્યાઓ વધી રહી હોય તેવી ફરિયાદ મળતાં આ વિસ્તારની મુલાકાત લીધી હતી. આડેધડ રિક્ષા પાર્કિંગના કારણે થતી સમસ્યાની ફરિયાદ બાદ મંગળવારે મેયર હેમાલી બોઘાવાલાએ સુરત પાલિકાના સ્ટાફ, રેલવે વિભાગ અને પોલીસ વિભાગને સાથે રાખીને આ વિસ્તારની મુલાકાત લીધી હતી. જેમાં મનપા, રેલવે અને પોલીસના સ્ટાફને હાજર રખાયો હતો. અહીં આજુબાજુની દુકાનવાળાઓનાં દબાણો, પાથરણાવાળા, ભીખારીઓ અને આડેધડ ઊભી રહેતી રિક્ષાઓના કારણે આ સમસ્યા સર્જાતી હોવાનું જણાતાં ટ્રાફિક પોલીસના 30 જેટલા જવાનોને આ વિસ્તારમાં કામગીરી સોંપી દેવામાં આવી છે. જ્યારે મનપાની ટીમને રસ્તામાં થતાં દબાણો હટાવવા તેમજ રેલવેના ઇન અને આઉટ બંને ગેટ પરથી મુસાફરોની અવરજવર થતી હોવાથી ટ્રાફિક સમસ્યા તેના કારણે પણ વધી રહી છે, તેથી રેલવે વિભાગ આ કામગીરી કરશે. આ ત્રણેય ટીમે કામગીરીનો રોજેરોજનો રિપોર્ટ કરવો પડશે.
મનપાના 242 ગાર્ડન સામે ગાર્ડન વિભાગમાં સ્ટાફ, મશીનરીની ઘટ : 37 વાહન સામે માત્ર 18 ડ્રાઇવર
સુરત: સુરત મનપાએ શહેરીજનોની સુખાકારી માટે ઠેર ઠેર બાગ-બગીચા બનાવ્યા છે. જો કે, મોટા ઉપાડે ગાર્ડનોની સંખ્યા વધારાઇ તેની સામે ગાર્ડન વિભાગને અપગ્રેડ કરવાનું ભુલાઇ ગયું છે. પરિણામે હાલ એવી સ્થિતિ છે કે, શહેરમાં 242 ગાર્ડનની જાળવણી ગાર્ડન વિભાગ અધૂરા સ્ટાફ અને અપૂરતી મશીનરીથી થઇ રહી છે. ગાર્ડન વિભાગની આ દયનીય હાલત મેયર હેમાલી બોઘાવાલાએ શહેરના લેક ગાર્ડનોમાં પાણી નહીં ટકવા મુદ્દે બોલાવાયેલી મીટિંગમાં બહાર આવી હતી.
વિસ્તૃત વિગતો મુજબ મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલા ગાર્ડનની જાળવણી યોગ્ય ન થતી હોવાની પ્રતીતિ મેયરના રાઉન્ડ દરમિયાન થતા એક તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ ગાર્ડન વિભાગે કર્મચારીઓની અછત આગળ ધરતાં શાસકો ઠંડા પડી ગયા હતા. ગાર્ડન વિભાગમાં સ્ટાફની ભારે અછત હોવાથી સ્ટાફની તાકીદે ભરતી કરવા માટે સૂચના આપવામાં આવી છે. કેમ કે, હાલ ગાર્ડન વિભાગ હેઠળ 242 ગાર્ડન સામે અપૂરતો સ્ટાફ અને ગાર્ડન વેસ્ટ હટાવવા સહિતની કામગીરી માટે માત્ર 37 વાહન સામે ડ્રાઇવરો તો માત્ર 18 છે. મનપાના 142 જેટલા ગાર્ડનની જાળવણી માટે કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે, પરંતુ કોન્ટ્રાક્ટરની કામગીરી નબળી હોવાથી તેની સમીક્ષા કરીને નબળા કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી છે. આ મીટિંગમાં ગાર્ડન સુપરિન્ટેન્ડેન્ટ રાંદેરિયા, ગાર્ડન સમિતિ ચેરમેન રેશ્મા લાપસીવાલા, તમામ ઝોનના ગાર્ડન વિભાગનો સ્ટાફ હાજર રહ્યા હતા.
28 ગાર્ડનમાં લેક પણ મોટા ભાગના ગંધાતા ખાબોચિયાં જેવા
મેયરે જે મુદ્દે મીટિંગ બોલાવી હતી તે લેક ગાર્ડનનાં તળાવોમાં પાણી નહીં ટકવા મુદ્દે હતી. મીટિંગમાં ચર્ચા થઇ હતી કે શહેરમાં કુલ 28 લેક ગાર્ડન છે, તેમાંથી 23 ગાર્ડનનાં તળાવોમાં પાણી તો છે, પરંતુ મોટા ભાગના લેક ગંધાતા ખાબોચિયાં જેવા છે. તેના યોગ્ય મેઇન્ટેનેન્સ માટે શું થઇ શકે તે અંગે ચર્ચા થઇ હતી. તેમજ જે તળાવોમાં પાણી ટકતું નથી તેને પીપલોદ લેક વ્યૂ ગાર્ડનમાં આવી જ સમસ્યાનો હલ લાવનાર એસવીએનઆઇટી કોલેજની ટીમની મદદ લઇ યોગ્ય કરવા નક્કી કરાયું હતું.