Entertainment

ગરમીમાં આ ગાર્ડનના તળાવ આપે છે ઠંડક, કમળ અને પક્ષીઓને કારણે નજારો છે ખૂબસૂરત

અત્યારે ગરમીનો પ્રકોપ વધતો જઇ રહ્યો છે, આમ તો પવન તેજ રફતારથી વહી રહ્યો છે એટલે ગરમીનો પારો ગગડતો દેખાઈ રહ્યો છે પણ ઉકળાટને કારણે લોકોને ગરમી અસહ્ય લાગી રહી છે. એવામાં સુરત શહેરના લોકો સિટીમાં જ એવી જગ્યાઓ શોધી રહ્યાં છે જ્યાં ગરમીમાં રાહતનો એહસાસ થાય. લોકીની નજર સુરતના એવા ગાર્ડન તરફ પડી રહી છે જેમાં તળાવો હોય. સિટીમાં નાના મોટા ગાર્ડનમાં 29 જેટલા વોટર બોડીઝ છે જેના કિનારે લોકોને ગરમીમાં થોડી રાહત મળી રહી છે. આ વોટર બોડી રમણીય તો છે જ પણ દરેકની આંખોને ઉડીને વળગે એવી ખાસિયતો છે. જે સુરતીઓને વારંવાર એ ગાર્ડન તરફ ખેંચીને લઈ જાય છે. એવા કયા બગીચાઓ છે જેમાં વોટર બોડીઝ છે એના કિનારાઓ પર શું એટ્રેકશન સુરતીઓ માટે ઉભું કરાયું છે જેને કારણે સવાર અને સાંજ આ બગીચાઓ શહેરીજનો માટે હવા ખાવાનું સ્થળ બની રહ્યાં છે? તેના વિશે જાણીએ…

સુભાષ ગાર્ડનના તળાવ પર નાનકડો વોકવે બ્રિજ છે સેલ્ફી પોઈન્ટ


મોરાભાગળ ચાર રસ્તા સ્થિત નેતાજી સુભાષચંદ્ર બોઝ ગાર્ડનમાં સવારે લોકો યોગા અને અન્ય કસરત કરવા આવે છે. આ ગાર્ડનમાં 14226 ચોરસ મીટર જગ્યામાં તળાવ ફેલાયેલું છે. આ તળાવ પર નાનકડો બ્રિજ છે જેના પરથી તમે ચાલીને તળાવના એક છેડા પરથી બીજા છેડા પર જઈ શકો છો અને તળાવનો વ્યુ પણ આ બ્રિજ પર ઉભા રહીને જોઈ શકો છો. તળાવની બાઉન્ડ્રી પર વોકવે છે એટલે તળાવ ફરતે વોકિંગ થઈ શકે છે. એન્ટ્રન્સ પાસે તળાવનો એક છેડો છે અને તળાવની બીજી સાઈડ ગાર્ડનના અંતમાં બીજો છેડો છે. રાત્રે તો લાઈટોનું પ્રતિબિંબ તળાવના પાણીમાં પડતાં તળાવનો વ્યુ ખુબસુરત દેખાય છે.

કતારગામ લેક ગાર્ડનના વોકવેની બંને બાજુઓ પર વૃક્ષોની હારમાળા છે


2008માં બનાવવામાં આવેલું કતારગામ લેક ગાર્ડનનું તળાવ પણ ઘણું વિશાળ છે. તેને અડીને વોકવે છે જેની બંને બાજુ વૃક્ષોની હારમાળા છે. તળાવની ઉપર નાનકડો વોકવે બ્રિજ છે જેની પર ચાલીને તળાવના એક છેડેથી બીજે છેડે જઈ શકાય છે. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી લેક ગાર્ડન તરીકે ઓળખાતા આ ગાર્ડનનો કુલ એરિયા 44700 ચોરસ મીટર છે જેમાંથી 23808 ચોરસ મીટરમાં તળાવ ફેલાયેલું છે. અહીં તળાવ પાસે લોકો યોગ અને ધ્યાન કરવાનું તથા પીકનીક મનાવવાનું પસંદ કરે છે.

સુંદર ફૂલોના ગેટવાળા બોટનીકલ ગાર્ડનના તળાવમાં પક્ષીઓ તરતા જોવાની આવે છે મજા


બોટનીકલ ગાર્ડન જેને સ્નેહ રશ્મિ ગાર્ડન પણ કહેવાય છે. આ ગાર્ડનમાં ખૂબ જ મોટું તળાવ છે જેને જોતા જ આંખોને ઠંડક મળે છે. અત્યારે તમે સવારે અને સાંજે અહીં જાવો તો તળાવમાં કલરફુલ બર્ડ્ઝ પાણીમાં તરતા જોવા મળે છે. અહીં તળાવ પાસેનું વોકવે રૂફથી ઢંકાયેલું અને વિવિધ ફૂલોના પ્લાન્ટસથી ખૂબ જ અનોખું લાગે છે. આ વોકવે ગેટ તમને છાંયડો આપતો હોવાથી ગરમીમાં છુટકારો મળે છે. તળાવ કિનારે ભૂલભૂલૈયા અને આકર્ષક સકલ્પચર છે. પ્લાન્ટ્સને પણ જીરાફ, હાથી, બળદગાડાના શેપ આપવામાં આવેલા છે જે આર્ટિિસ્ટક લાગે છે.

કમળના ફૂલોથી સુંદર દેખાય છે ભેસાણના ગાર્ડનનું તળાવ


ઉગત ભેસાણ રોડ સ્થિત આ લેક ગાર્ડનમાં એક કૂવો પણ છે જેના પર લોકોની પહેલી નજર જાય છે જોકે, આ ગાર્ડનને સુંદર અને આકર્ષક બનાવે છે બગીચામાં સ્થિત તળાવમાં છે ખીલેલા કમળ. ચોમાસામાં તો કમળના ફુલોથી તળાવ ભરાય જાય છે અને ગુલાબી-ગુલાબી લાગે છે. હમણાં ગરમીમાં પણ આ તળાવમાં ખાસ્સું પાણી છે. આમ તો આ ગાર્ડનમાં બીજા ફૂલોના સુંદર પ્લાંટ્સ પણ છે અને બાળકોને રમવા માટે પ્લે એરિયા પણ છે. અત્યારે વેકેશન છે એટલે લોકો પોતાના બાળકોને અહીં ગાર્ડનમાં રમવા માટે લઈ આવે છે અને તળાવને કારણે ઠંડક પ્રસરેલી રહે છે એટલે ગરમીમાં સારું લાગે છે. તળાવમાં બતક અને અન્ય પક્ષીઓને તરતા જોવાની મજા આવી જાય છે.

લેક્વ્યૂ ગાર્ડનના તળાવમાં ડક બન્યા છે લોકોના આકર્ષણનું કેન્દ્ર


SVNIT કોલેજ પાસેનું લેક્વ્યુ ગાર્ડન 1989માં બન્યું હતું. આ ગાર્ડનના લેકમાં બતક અટ્રેકશનનું કેન્દ્ર બન્યા છે. અહીં ઘાસની ટેકરીઓ પર બેસી લોકો નાસ્તાની મિજબાની લે છે. બાળકો અને લેડીઝ આવતી જોવા મળે છે. તળાવ પાસે બે પક્ષીઓનું સ્ટેચ્યુ લોકો માટે સેલ્ફી પોઇન્ટ બન્યું છે.

Most Popular

To Top