Comments

આ લડત ખેડૂતોએ જ લડવી પડશે

જિનિવા ખાતે યોજાયેલા સ્ટોકહોમ કન્વેન્શનમાં યુરોપના દેશો દ્વારા ભારતના ખેડૂતોની સ્વદેશી દવા એન્ડોસલ્ફાન ઉપર પ્રતિબંધ મૂકવા પ્રસ્તાવ થયો. ૨૫ એપ્રિલથી ૫ દિવસ માટેના સ્ટોકહોમ કન્વેન્શનમાં જોડાયેલા ૧૭૦ સભ્ય દેશો પૈકી ભારત, જાપાન, ચીન, અમેરિકા, ઓમાન, દક્ષિણ કોરિયા જેવાં કૃષિવિકાસને મુખ્ય આધાર સમજતાં રાષ્ટ્રોએ કપાસ, તંબાકુ, શણ, ફળ-ફૂલો, કાજુ જેવી ર૧થી વધુ ખેત પેદાશોમાં પ્રચલિત કીટનાશક એન્ડોસલ્ફાનને પ્રતિબંધિત કરવાના નિર્ણયને એકતરફી, અવૈજ્ઞાનિક વ્યાપારિક નિર્ણય કહી તેને મજબૂત વિરોધ કર્યો.

તે રશિયા અને ઈઝરાયલ આવા બજારુ નિર્ણયથી દૂર રહ્યાં હતાં. પોતાને વિશ્વ પર્યાવરણનાં રક્ષક કહેવડાવતાં નોર્વે, ડેન્માર્ક અને સ્વીટ્ઝરલેન્ડ સાથે જોડાએલ સ્વૈચ્છિક સંગઠનોએ સ્ટોકહોમ સમિટમાં એન્ડોસલ્ફાનના ઉપયોગથી સ્ત્રીઓ વાંઝણી બની જાય છે. બાળકો અપંગ બની જાય છે, ખેડૂતોનાં આંતરડાં બહાર આવી જાય છે તેવી બેહૂદી અને ઉપજાવી કાઢેલી વાતો રજૂ કરી. આવી ભ્રામક રજૂઆતથી ભારતમાં સ્વદેશી રીતે તૈયાર થતા પેસ્ટી સાઈડ કેમિકલ એન્ડોસલ્ફાનના ઉપયોગ પ્રત્યે ભય ઊભો કરવાનો પ્રયત્ન થયો.

કેરળના મુખ્યમંત્રી તો સ્ટોકહોમ કન્વેન્શનના પહેલા જ દિવસે ૭ કલાકના ઉપવાસ ઉપર ઊતર્યા હતા. બરાબર આ જ સમયે કેરળમાં ચૂંટણી ચાલી રહી હતી અને તેમના પક્ષનો મુખ્ય એજન્ડા પણ આ જ હતો. માટે રાજકીય લાભ લેવાનો તેમનો પ્રયત્ન રહ્યો. જો કે સંબોધનમાં ઉપસ્થિત ભારત સરકારના કૃષિ, પર્યાવરણ અને આરોગ્ય વિભાગના સચિવોએ આવી રજૂઆતને અતિશયોક્તિથી ભરેલી, અવૈજ્ઞાનિક, વૈકલ્પિક પર્યાય વિનાની અને અવાસ્તવિક જણાવી રાષ્ટ્રના સ્વાભિમાનનું રક્ષણ કર્યું.

ગરમ અને ભેજવાળી હવા, ઓછી જમીન, વરસાદની અનિશ્ચિતતા, મોંઘા ભાવનું ખાતર, બિયારણ તેમજ દલાલો આધીન બજાર જેવી વિષમ પરિસ્થિતિઓ વચ્ચે ભીંસાતો ખેડૂત બે પાંદડે થવા અથાગ મહેનત કરે છે ત્યારે હર્યાભર્યા પાકને નુકસાન કરતાં ૬૦ કરતાં વધુ કીટકો સામે ખેતીને રક્ષણ આપનાર, પેસ્ટી સાઈડની દુનિયામાં એકચક્રી શાસન ચલાવનાર યુરોપની ત્રણ વૈશ્વિક કંપનીઓને પ્રથમ ક્રમાંકથી નીચે ઉતારનાર ભારતના સ્વદેશી ઉદ્યોગોએ દુનિયાનાં ૧૨૭ થી વધુ ગરીબ અને અવિકસિત દેશનાં ખેડૂતો પાસે વર્ષે ચાર કરોડ લીટર સ્વદેશી પેસ્ટી સાઈડ પહોંચાડતા વિશ્વ આરોગ્ય સંસ્થાએ ૫ણ વર્ષ ૨૦૨૨-૨૩ના અહેવાલમાં સ્પષ્ટ રીતે સરાહના કરી ભારતીય કૃષિ કીટનાશકોને કાર્સિનોજેનિક કે જેનોટોકિસકથી મુક્ત હોવાનું સ્વીકાર્યું છે.

બજારના વૈશ્વિક પ્રવાહની અંદરની હકીકત તો એ છે કે યુરોપના મહાકાય ઉદ્યોગોને સસ્તા ખેડૂતો માટે દરની પ્રોડકટ બજારમાં પ્રચલિત કરવામાં રસ જ નથી. આથી અતિશય ખર્ચાળ કીટનાશક બજારમાં મૂકવાની તૈયારીના પ્રથમ પગલે સ્વદેશી કીટનાશકનું ઉત્પાદન બંધ કરવાની વ્યાપારી ચાલ ચાલવામાં આવી અને ભારતીય ઉદ્યોગોએ એન્ડોસલ્ફાનનું ઉત્પાદન બંધ કરવું પડયું.

વિશ્વના ઉદ્યોગો દ્વારા માનવ આરોગ્યના સંરક્ષણ નામે રચાયેલ મૂડીવાદી અને દંભી વલણ સામે અવાજ ઉઠાવતા અમેરિકી કૃષિવિજ્ઞાની ફિલિપ મેકડોવેલે પોતાના અભ્યાસમાં જણાવ્યું કે’ અમેરિકાનાં ખેડૂતો સરકાર રક્ષિત ખેતીમાં વર્ષે રૂ.૨૯,૨૦૦ કરોડનું જર્મનીના ખેડૂતો રૂ.૯,૦૦૦ કરોડનું કીટનાશક વાપરે છે. જેની સામે ભારતમાં માત્ર રૂા. ૪૫૦૦ કરોડનું કીટનાશક વપરાય છે, જે કૃષિ વપરાશના માત્ર ૨.૫% છે. આમ છતાં ભારતના વિકાસ ઉપર પ્રહારો થઈ રહ્યા છે. એટલું જ નહિ પણ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ નામની ભારતીય સંસ્થાને રૂ.૩૩ કરોડની વિદેશી સહાય આપી કેરળ રાજયના કાસરરોડ જિલ્લાના પાડે ગામનો અભ્યાસ કરાવી મનઘડંત તારણો દુનિયા સમક્ષ મૂકવામાં આવ્યાં.

નર્મદા યોજના થકી ગુજરાતના ખેડૂતો પ્રતિ વર્ષ ૧૪૦૦ કરોડની કૃષિ પેદાશો ઉત્પન્ન કરે તે સામે વિશ્વ બેન્ક અને યુરોપની ગ્રીન લોબીએ પર્યાવરણ અને માનવ અધિકારના નામે રોડાં પાથરી ગુજરાત અને રાજસ્થાનની ધરતી ઉપર નર્મદાની નહેરનાં પાણીને ૩૨ વર્ષ સુધી વહેતાં અટકાવ્યાં. તે પછી એન્ડોસલ્ફાન જેવા કીટનાશકને ઝેરી અને માનવહિતથી વિરુદ્ધ ગણી સ્વદેશી ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકવાની શતરંજ પાથરવામાં સફળ રહ્યા છે અને હવે યુરોપની મલ્ટીનેશનલ કંપનીઓએ વૈજ્ઞાનિક સંશોધનની આડમાં સેન્દ્રિય ખાતર અને ગાય આધારિત ખેતીને તોડી પાડવા કારસો ઘડ્યો છે.

ન્યુયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર સેન્દ્રિય અને સુવેજ ખાતરથી પ્રદૂષણ અને કેન્સરની સંભાવનાઓ વ્યાપક બની રહ્યાનું તારણ રજૂ કરવામાં આવ્યું છે. ગ્રીન યુનિવર્સિટી ઓફ યુનાઈટેડ સ્ટેઈટના કૃષિ વિભાગમાં વૈજ્ઞાનિક રોબર્ટ બેકવેલ નોંધે છે કે મીશીગન, ટેનીસીબેલી, મેનહટન સહિત અનેક રાજયોમાં સુવેજ સાથે ઈન્ડસ્ટ્રિયલ એફલ્યુએટ ભળતાનું કરોડ એકરમાં ખેતીને વ્યાપક નુકસાન થયું છે. પશુના ગોબર કે એગ્રોવેસ્ટમાં કલ્ચર ઉમેરી તૈયાર કરવામાં આવતા સેન્દ્રિય ખાતર માટે વાંધો ઉઠાવતાં યુનિવર્સિટી આંકડાકીય વિગતો અને ગ્રાફથી દર્શાવે છે કે સેન્દ્રિય ખાતરથી જમીનમાં ક્ષારીય તત્ત્વ વધશે, જૈવિક રીતે વૈવિધ્યપૂર્ણ રોગે વિકસિત થશે. જમીનનું બંધારણ અસ્તવ્યસ્ત તો થશે જ પણ જમીનનું વ્યાપક રીતે ધોવાણ થશે અને સરવાળે જમીનનાં પોષક તત્ત્વો અસમતુલિત થતાં ઉત્પાદન ઘટશે અને ભૂખમરો જગતને પ્રશ્નોથી ભરી દેશે.

બીજા વિશ્વયુદ્ધ પછી જગત ઉપર એકચક્રી આર્થિક અંકુશ ધરાવતાં રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ કેમિકલના ઉદ્યોગ ઉપર એશિયા-આફ્રિકા અને સવિશેષ ભારતની જૈવિક ખેતી પડકારરૂપ બની રહી છે ત્યારે યુરોપ અમેરિકાથી હવે ઓર્ગેનિક ઉત્પાદનોને નીચી ગુણવત્તા ધરાવનાર અને કેન્સર જેવા રોગોને નિમંત્રણ આપનાર જણાવી તેને પ્રતિબંધિત કરવા ભલામણ થઈ રહી છે.

આવા સમયે ખેડૂતોએ જ મૂડીવાદી વૈશ્વિક વલણને પડકારી રાષ્ટ્રના સ્વાભિમાનને જીવિત રાખવું પડશે. આફ્રિકાના દેશ યુગાન્ડામાં રોજ ૩૨૦ લોકો મેલેરિયાથી મૃત્યુ પામે છે પણ યુરોપનાં લોકો પર્યાવરણની શુદ્ધિને આગળ કરી તમાશો જુએ છે, જરૂરી કીટનાશકને પ્રતિબંધિત કરી રાખી મચ્છરદાની વાપરવાની સલાહ આપે છે ત્યારે લોહી પસીનો એક કરતાં આપણા ખેડૂતોએ નક્કી કરવું પડશે કે સ્વદેશી એકમો સાથે રહેવું છે કે એરકંડિશન્ડ ઓફિસોમાં બેસી દુનિયા સુધારવા નીકળેલા લાલચુ ઉદ્યોગોનાં જુઠાણાં સાથે!!!

ખેડૂત મિત્રો, યાદ રહે, જે જમીનમાં કદી કોઈ ઉપજ નથી લીધી તેવી પ્રાકૃતિક જમીનમાં સહુથી વધુ ઉત્પાદન મળે છે. જગતના તાત તરીકેની જવાબદારી વહેનાર કૃષકો પોતાનો વિવેક અને કોઠાસૂઝ ઉપર ભરોસો રાખી વિદેશી ખાતર દવાના ઝેરને જાકારો આપે અને ગાય અને સેન્દ્રિય ખાતર આધારિત રસ્તે દૃઢતાથી આગળ વધે.
ડો.નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top