શાળામાં એક વિષય ભણાવવામાં આવતો હતો, મોરલ સાયન્સ. આપણને એવું શીખવવામાં આવતું હતું કે આપણે સારા કાર્યો કરવા જોઈએ, લોકોને મદદ કરવી જોઈએ, તે પણ કોઈ સ્વાર્થ વગર. એટલે કે આવા કામના બદલામાં કંઈપણ મેળવવાની અપેક્ષા ન રાખવી જોઈએ. એક ખેડૂતે તેમના મૃત્યુ સુધી આવું જ એક ઉમદા કાર્ય ચાલુ રાખ્યું હતું. આ ખેડૂતની સ્ટોરી દરેક વ્યક્તિએ જાણવા જેવી છે. અમેરિકાના અલાબામા શહેરમાં રહેતા એક ખેડૂતે આ કામ કર્યું છે. ખેડૂત તેના પડોશીની દવાઓના બિલ ચૂકવતો રહ્યો હતો.
અને તે પણ આ વાતની ખબર તેનાં પડોશીને થવા દીધી ન હતી! ખેડૂતનું નામ હોડી ચાઈલ્ડ્રેસ હતું. હોડીએ એક જાન્યુઆરીએ આ દુનિયાને અલવિદા કરી હતી! પરંતુ, તેમના ઉમદા કાર્યની ચર્ચા હવે ચારેબાજુ છે. વાત કંઈક એમ છે કે, હોડીના પડોશી 15 વર્ષીય એલી સ્લેગેટરને મોંઢા અને ગાલ પર સોજો આવી ગયો હતો. એલીના માતા-પિતા તરત જ તેને ડૉક્ટર પાસે લઈ ગયા હતા. ડૉક્ટરે એલર્જી છે એવું કહીને એપીપેન નામની દવા લાવવા કહ્યું હતું. જોકે, દવાની કિંમત સાંભળીને એલીના માતા-પિતા માટે મુશ્કેલી ઉભી થઈ હતી! કારણ કે તેઓ આ દવા લાવી શકે તેટલાં ખમતીધર નોહતા. તેઓ વિચારવા લાગ્યા કે તેઓ દવા કેવી રીતે મેળવી શકશે. દવાની કિંમત લગભગ 65 હજાર રૂપિયા હતી.
થોડા દિવસો પછી, 8,000 રૂપિયાનું એક પરબિડીયું આ વિસ્તારમાં આવેલા મેડિકલ સ્ટોર ગેરાલ્ડિન ડ્રગ્સ પર પહોંચ્યું હતું. પૈસાથી ભરેલા એન્વલપ્સ મેળવવાની પ્રક્રિયા 10 વર્ષથી વધુ સમય સુધી ચાલુ રહી હતી. આ પરબિડીયાઓ અલાબામામાં રહેતા ખેડૂત હોડી ચાઈલ્ડ્રેસ દ્વારા મોકલવામાં આવતાં હતાં. પાછળથી ખેડૂત બનેલા અને અગાઉ યુએસ એરફોર્સમાં કામ કરી ચૂકેલા હોડીએ વર્ષ 2012માં પૈસા મોકલવાની આ પ્રક્રિયા શરૂ કરી હતી. આ સાથે તે પોતાના વિસ્તારના લોકોને મેડિકલ સપોર્ટ પણ આપતા હતા. ગેરાલ્ડિન ડ્રગ્સના માલિક બ્રુક વોકરને હોડી ચાઈલ્ડ્રેસને યાદ કરીને એવું કહ્યું હતું કે – ચાઈલ્ડ્રેસે મને કહ્યું હતું કે પૈસા ક્યાંથી આવી રહ્યા છે તે કોઈને ક્યારેય જણાવશો નહીં. કોઈ પૂછે તો કહેજો ભગવાનના આશીર્વાદ છે. આ રીતે તેઓ આવા જરૂરિયાત લોકોના મેડિસિનના બિલ ભરતાં હતા. એવા લોકના બિલ પણ હોડીના પીએસમાંથી ચૂકવાયા છે, જેને હોડીએ ક્યારેય જોયાં નથી!