સુરત(Surat) : ડ્રાઈવિંગ લાયસન્સ (Driving Licence) માટેના ટેસ્ટમાં સમય ઓછો પડતો હોવાની તથા વેઈટિંગ પીરિયડ ખૂબ જ લાંબું હોવાની ફરિયાદો ઉઠતા સુરત આરટીઓ (RTO) કચેરીમાં ટુવ્હીલરના ડ્રાઈવિંગની ટેસ્ટ માટે એક અલગ નિર્ણય લેવાયો છે. રાજ્યના વાહન વ્યવહાર કમિશનરના ફરમાન બાદ સુરત આરટીઓ કચેરીમાં કર્મચારીઓ બે શિફ્ટમાં કામ કરી વેઈટિંગ પીરિયડ ઘટાડશે. તેથી લાયસન્સ માટે અરજી કરનારાઓને ફાયદો થશે.
સુરત આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટેની સમયમર્યાદા વધારવામાં આવી છે. આગામી તા. 6 ઓક્ટોબરથી ટુવ્હીલરની ટેસ્ટ સવારે 6.30થી રાત્રિના 9 વાગ્યા સુધી લેવામાં આવશે. આ માટે આરટીઓમાં કર્મચારીઓ બે શિફ્ટમાં કામ કરશે. સવારે 6.30થી 2 અને બપોરે 2.30 થી રાત્રિના 9 વાગ્યા સુધી કામ કરવામાં આવશે. વેઈટિંગ પીરિયડ ઘટાડવા માટે રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે બે શિફ્ટમાં કામગીરી કરવા ફરમાન આપ્યું છે. કારની ટેસ્ટ લેવાના સમયમાં હાલ કોઈ ફેરફાર કરાયો નથી.
અમદાવાદમાં તથ્ય પટેલના અકસ્માત કેસ બાદ રાજ્યમાં પોલીસ દ્વારા ચેકિંગ ડ્રાઈવ વધારી દેવામાં આવતા ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવા માટે રાજ્યભરની આરટીઓ કચેરીમાં ધસારો વધ્યો છે, જેના લીધે વેઈટિંગ પીરિયડ પણ લંબાયો છે. કાચું લાયસન્સ કઢાવવા માટે ઓનલાઈન અરજી કરનારાની સંખ્યા બમણી થઈ ગઈ છે.
છેલ્લાં ત્રણ મહિનામાં લાયસન્સ કઢાવનારા અરજદારોની સંખ્યા વધી છે, તેની અસર ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર જોવા મળે છે. સમય ઓછો પડતો હોવાના લીધે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે એક મહિના લાંબું વેઈટિંગ ચાલી રહ્યું છે. જ્યાં પહેલાં રોજે રોજની એપોઈન્ટમેન્ટ મળતી હતી ત્યાં હવે 20થી 30 દિવસનું વેઈટિંગ થઈ ગયું હતું.
અરજદારોને પડતી તકલીફને પગલે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે બે શિફ્ટમાં કામ કરવા આદેશ કર્યો છે. તેના પગલે હવે સુરતની આરટીઓમાં સવારે 6.30થી રાત્રિના 9 વાગ્યા સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ખુલ્લા રહેશે. કારની એપોઈન્ટમેન્ટ રોજે રોજની મળે છે તે જ રીતે ટુવ્હીલર ટેસ્ટ માટે પણ રોજેરોજ એપોઈન્ટમેન્ટ મળે તે માટે સમય વધારાયો છે. સમય વધારવામાં આવતા રોજની 150 એપોઈન્ટમેન્ટ વધુ મળશે તેવો અંદાજ છે.