World

‘આ સંઘર્ષ અમેરિકન એરબેઝ સુધી પહોંચશે’, ઇઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે ઇરાનની અમેરિકાને ચેતવણી

ઇરાને શુક્રવારે રાત્રે (13 જૂન, 2025) તેલ અવીવની આસપાસ ઓછામાં ઓછા સાત સ્થળોએ બેલિસ્ટિક મિસાઇલો ચલાવી. આ હુમલો ઇઝરાયલના તેહરાનના લશ્કરી નેટવર્ક અને પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવતા મોટા હવાઈ હુમલાઓ પછી થયો હતો. ઇઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે ઇરાને કહ્યું છે કે અમને ખબર છે કે ઇઝરાયેલના હુમલામાં અમેરિકાનો હાથ છે. ઇરાને અમેરિકાને ચેતવણી આપી છે કે આ સંઘર્ષ અમેરિકન એરબેઝ સુધી પહોંચશે.

ઇરાને કહ્યું કે ઇઝરાયેલના હુમલાઓમાં અત્યાર સુધીમાં 78 લોકો માર્યા ગયા છે અને 329 ઘાયલ થયા છે. જ્યારે ઇઝરાયલે લગભગ 20 લોકોના ઘાયલ થવાની પુષ્ટિ કરી છે જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. રાજધાની તેહરાનમાં સતત વિસ્ફોટો સંભળાયા હતા અને પાસટોર વિસ્તારમાં હવાઈ સંરક્ષણ પ્રણાલી સક્રિય રહી હતી.

બીજી તરફ ઇરાનના લોકો પણ હવે બદલો લેવા નારા લગાવી રહ્યા છે. તેહરાનથી લગભગ 150 કિમી દૂર કોમ શહેરમાં જામકરન મસ્જિદ પર લાલ ધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે. મસ્જિદની બહાર હજારો લોકો એકઠા થયા છે જે ઇઝરાયલનો નાશ કરવા માટે નારા લગાવી રહ્યા છે. ઇરાનના એક અધિકારીના જણાવ્યા મુજબ અમેરિકાએ હુમલામાં ઇઝરાયલને ટેકો આપ્યો છે. હવે અમેરિકા સાથે વાતચીતનો સમય પૂરો થઈ ગયો છે. અમને નથી લાગતું કે પરમાણુ કાર્યક્રમ પર કોઈ વાતચીત થઈ શકે.

ઈરાને ચેતવણી આપી છે કે આ હુમલાઓ ચાલુ રહેશે અને સંઘર્ષ અમેરિકન ઠેકાણાઓ સુધી ફેલાશે. ઈરાનની FARS ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ વરિષ્ઠ લશ્કરી અધિકારીઓએ ચેતવણી આપી છે કે ઈઝરાયલ પર હુમલા ચાલુ રહેશે. તેમણે એમ પણ કહ્યું છે કે આગામી દિવસોમાં આ સંઘર્ષ પ્રદેશમાં આવેલા યુએસ ઠેકાણાઓ સુધી ફેલાશે. અધિકારીનું નામ લીધા વિના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ મુકાબલો ગઈકાલે રાતની મર્યાદિત કાર્યવાહીથી સમાપ્ત થશે નહીં અને ઈરાનના હુમલા ચાલુ રહેશે.

ઈરાનના એક ટોચના સરકારી અધિકારીએ કહ્યું કે હવે વાતચીતનો સમય પૂરો થઈ ગયો છે. ઈઝરાયલે ઘાતક હુમલા કર્યા છે. કોઈએ વિચાર્યું પણ નહોતું કે આવો હુમલો થશે. અમારા જનરલ સલામીનું અવસાન થયું છે. જે પરમાણુ વૈજ્ઞાનિકો મૃત્યુ પામ્યા છે તેઓ પરમાણુ કાર્યક્રમમાં સક્રિય રીતે સામેલ પણ નહોતા.

એક અમેરિકન અધિકારીએ દાવો કર્યો હતો કે આ પ્રદેશમાં પહેલેથી જ તૈનાત અમેરિકા, ઈઝરાયલને મિસાઈલ સંરક્ષણમાં મદદ કરી રહ્યું છે અને કેટલીક મિસાઈલોને પણ અટકાવવામાં આવી છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે કહ્યું કે તેણે ઘણા ઈઝરાયલી લશ્કરી અને સુરક્ષા ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.

બીજી તરફ ઇઝરાયલે વહેલી સવારે ઇરાનના મેહરાબાદ એરપોર્ટ પર હુમલો કર્યો. ઇરાનની સમાચાર એજન્સી IRNA અનુસાર મિસાઇલ હુમલાને કારણે અનેક વિસ્ફોટ થયા હતા પરંતુ તેનાથી રનવે, ઇમારત કે અન્ય કોઈ સુવિધાને અસર થઈ ન હતી. ઇરાની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.

ઇઝરાયલી વાયુસેનાના વડા મેજર જનરલ ટોમર બારે કહ્યું છે કે શુક્રવારે (13 જૂન, 2025) રાત્રે ડઝનબંધ ઇઝરાયલી લડાકુ વિમાનો તેહરાન ઉપરથી પસાર થયા અને સેંકડો મહત્વપૂર્ણ લક્ષ્યો પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે આ હુમલાઓમાં ઇરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી અને અન્ય લશ્કરી થાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ટોમર બારે કહ્યું કે અમે અમારા નાગરિકોની સુરક્ષા માટે આ પગલું ભર્યું છે. આ હુમલો સંપૂર્ણ તૈયારી અને ચોકસાઈ સાથે કરવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે ઇઝરાયલી વાયુસેના આગામી સમયમાં દરેક મોરચે કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે.

ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ ઇઝરાયલી સેના (IDF) એ ઈરાન સાથેની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તરીય સરહદ પર સુરક્ષા વધારી દીધી છે. સેનાએ 146મી રિઝર્વ ડિવિઝન અને ‘આયર્ન ફિસ્ટ’ અને ‘એત્ઝિઓની’ બ્રિગેડને તૈનાત કરી છે જેથી જરૂર પડ્યે તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. આ ઉપરાંત લેબનોન અને સીરિયાની સરહદો પર ઘણી વધુ રિઝર્વ બટાલિયન મોકલવામાં આવી છે. સેનાએ કહ્યું કે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

Most Popular

To Top