Editorial

એર-ઇન્ડિયાની મિલકતો કબજે કરવા માટે કેઇર્ન એનર્જીનો દાવો: ભારત સરકાર માટે આ કેસ પ્રતિષ્ઠાનો મુદ્દો બની રહેશે

ભારત સરકારે કેટલીક વિદેશી કંપનીઓ પાસેથી અમુક વેરાની વસૂલાત પાછલી અસરથી વસૂલ કરવાનું નક્કી કર્યું તે પછી ભારે આંતરરાષ્ટ્રીય વિવાદ થયો છે. દેશમાં કાર્યરત વોડાફોન નામની ટેલિકોમ ઓપરેટર કંપની ઉપરાંત કેઇર્ન એનર્જી નામની બ્રિટિશ આંતરરાષ્ટ્રીય ઓઇલ એક્સપ્લોરીંગ કંપની પાસેથી પણ તેણે પાછલી અસરથી વેરાની વસૂલાત અંગે પગલાં ભર્યા હતા અને હવે આ બાબતમાં મોટો ભડકો થયો છે. કેઇર્ન એનર્જી પાસેથી ભારત સરકારે રૂ.૧૦૨૪૭ કરોડનો વેરો પાછલી અસરથી લાગુ પાડ્યો હતો, ભારત સરકારની આ માગ આંતરરાષ્ટ્રીય લવાદ ટ્રિબ્યુનલે ડીસેમ્બર ૨૦૨૦માં ખોટી ગણાવી હતી અને ભારત સરકારે આ વેરાની વસૂલાત માટે આ કંપનીના શેરો વેચીને વસૂલેેલી રકમ, કબજે કરેલા ડિવિડન્ડ અને ટેક્સ રિફંડો જે અટકાવાયા હતા તે ક્રેઇનને પરત કરવા આદેશ આપ્યો હતો. જો કે ભારત સરકારે આ રકમ આપવાનો ઇન્કાર કર્યો છે અને આ રકમ વસૂલ કરવા કેઇર્ન હવે એર ઇન્ડિયાની વિદેશોમાંની મિલકતો વેચીને વસૂલાત કરવા માગે છે.

યુકેની કેઇર્ન એનર્જી આંતરરાષ્ટ્રીલ કંપનીએ ભારત સરકાર પાસેથી તેણે લેવાની થતી આંતરરાષ્ટ્રીય લવાદ ટ્રિબ્યુનલ દ્વારા મંજૂર કરાયેલ ૧.૭૨ અબજ ડોલરની રકમ વસૂલ કરવા માટે એર ઇન્ડિયાની વિદેશમાંની મિલકતો જેવી કે વિમાનો વગેરે કબજે કરી શકાય તે માટે અમેરિકાની એક અદાલતમાં કાનૂની દાવો માંડ્યો છે. ક્રેઇને ૧૪મી મેએ અમેરિકાની સઘર્ન ડિસ્ટ્રીક્ટ ઓફ ન્યૂયોર્કની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં દાવો માંડ્યો છે જેમાં એર ઇન્ડિયાને ભારત સરકારનો ઓલ્ટર ઇગો એટલે કે પોતીકી મહત્વની સંપતિ જાહેર કરવા માટે માગણી કરવામાં આવી છે. અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે એર ઇન્ડિયાનું સંચાલન જે રીતે આંતરિક કાયદા વડે કરવામાં આવે છે અને તેની રચના જે રીતે આર્ટિકલ્સ ઓફ એસોસીએશન હેઠળ કરવામાં આવી છે તે જોતા ભારત સરકારનો એર ઇન્ડિયા પર સંપૂર્ણ રીતે કામગીરીનો, વહીવટી અને આર્થિક કાબૂ છે અને તેનું સંચાલન ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા થાય છે અને તે કોઇ ચીલા ચાલુ સરકાર સંચાલિત એરલાઇન નથી અને તેથી તેને ભારત સરકારથી કોઇ સ્વતંત્ર કંપની ગણી શકાય નથી અને ભારત સરકાર પાસેથી લેવાની રકમ માટે આ કંપનીની મિલકતો કબજે કરી શકાય છે. જો કોર્ટ આ દાવો મંજૂર કરે તો એર ઇન્ડિયાના વિદેશોમાંના વિમાનો, કચેરીઅોની ઇમારતો, બેન્ક થાપણો જેવી મિલકતો ક્રેઇન કંપની જપ્ત કરી શકશે.

જ્યારે કેઇર્ન એનર્જીએ કહ્યું છે કે તે પોતાના શેર હોલ્ડરોના હિતોના રક્ષણ માટે કાનૂની પગલાઓ ભરી રહ્યું છે ત્યારે ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે આવા કોઇ પણ ગેરકાયદે અમલીકરણ પગલા સામે જરૂરી રક્ષણના પગલાઓ ભરશે જેમાં હેગ ખાતેની યોગ્ય અદાલતમાં આર્બિટ્રેશન ટ્રિબ્યુનલના આદેશને પડકારવામાં આવ્યો છે તે ભૂમિકા પર આ દાવાનો સામનો કરવામાં આવશે અને આશા છે કે ચુકાદો ભારતની તરફેણમાં આવશે. ભારત સરકારે આ માટે ધારાશાસ્ત્રીઓની ટીમ પણ રોકી હોવાનું જાણવા મળે છે. જો ન્યૂયોર્કની અદાલતનો ચુકાદો ભારત સરકારની વિરુદ્ધમાં આવે તો પણ તત્કાળ તો કેઇર્ન કંપની એર-ઇન્ડિયાની મિલકતો જપ્ત કરી શકે તેવું શક્ય લાગતું નથી. આ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે લાંબી કાનૂની લડતો ચાલી શકે છે. પરંતુ એટલી વાત ચોક્કસ છે કે એર-ઇન્ડિયાની મિલકતો જપ્ત કરવા માટે કેઇર્ન એનર્જીએ માંડેલો કેસ ભારત સરકાર માટે એક પ્રતિષ્ઠાનો મુદ્દો બની રહેશે.

Most Popular

To Top