Business

આવું અમેરિકામાં પણ થાય છે!!!

વર્ષ ૧૯૯૦માં અમેરિકાએ એના ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ, ૧૯૫૨’, જેમાં ચાર જુદી જુદી એમ્પ્લોયમેન્ટ બેઝડ પ્રેફરન્સ કેટેગરીઓ હતી, જેની હેઠળ પિટિશન દાખલ કરીને અમેરિકન માલિકો પરદેશીઓને પોતાને ત્યાં કામ કરવા કાયમ માટે ઈમિગ્રન્ટ વિઝા ઉપર બોલાવી શકે એમાં એક પાંચમી કેટેગરીનો ઉમેરો કર્યો. ‘એમ્પ્લોયમેન્ટ બેઝડ ફિફથ પ્રેફરન્સ કેટેગરી’, જે ટૂંકામાં ‘ઈબી-૫’ તરીકે ઓળખાય છે એની હેઠળ જો કોઈ પરદેશી અમેરિકાના નવા બિઝનેસમાં, જે પછાત પ્રદેશમાં કે ટાર્ગેટેડ એમ્પ્લોયમેન્ટ એરીયામાં ખોલવામાં આવ્યો હોય, એમાં પાંચ લાખ ડોલરનું રોકાણ કરી દસ અમેરિકનોને ફુલટાઈમ નોકરીમાં રાખે અને પોતે એ બિઝનેસ ચલાવે તો એ રોકાણકારને અને એની સાથે સાથે એની પત્ની/પતિ અને ૨૧ વર્ષથી નીચેની વયના સંતાનોને ગ્રીનકાર્ડ મળી શકે એવો કાયદો દાખલ કર્યો.

આ ‘ઈબી-૫ બેઝીક પ્રોગ્રામ’ને જોઈએ એટલો રીસ્પોન્સ ન મળ્યો. એટલે વર્ષ ૧૯૯૩માં અમેરિકાએ એક બીજો ‘ઈબી-૫ પાઈલોટ પ્રોગ્રામ’ ઘડ્યો. પાઈલોટ પ્રોગ્રામ હેઠળ અમેરિકાની કંપનીઓ, જેઓ પછાત પ્રદેશમાં કે ટાર્ગેટેડ એમ્પ્લોયમેન્ટ એરીયામાં નવો બિઝનેસ કરતા હોય, અને જેમને ઈમિગ્રેશન ખાતાએ માન્યતા આપી હોય, એવા ‘રીજનલ સેન્ટર’માં પરદેશીઓ જો પાંચ લાખ ડોલરનું રોકાણ કરે તો એમને અને એમના ડિપેન્ડન્ટોને ઈમિગ્રન્ટ વિઝા અને ત્યારબાદ ગ્રીનકાર્ડ મળે.

ભારતીયોને વર્ષો સુધી આ પ્રોગ્રામની જાણ જ નહોતી. આ કટારના લેખક, મુંબઈમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા અને ‘વિઝાના ડોક્ટર’ કહેવાતા, અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાના એક્સપર્ટ ડો. સુધીર શાહે એમના લેખો, સેમિનારો, વર્કશોપ અને પર્સનલ કન્સલ્ટેશન દ્વારા ભારતીયોને અને ખાસ કરીને ગુજરાતીઓને, ઈબી-૫ પ્રોગ્રામની જાણ કરી.

આમ છતાં ભારતીયો ઈબી-૫ પોગ્રામ હેઠળ રોકાણ કરવું એટલે કેટલું મોટું જોખમ છે, રીજનલ સેન્ટર એમને રોકાણના પૈસા પાછા આપશે એની ગેરંટી શું? આટલી મોટી રકમ વ્યાજે મૂકીએ તો વર્ષના સહેજે બાર ટકા વ્યાજ મળે જ્યારે રીજનલ સેન્ટર તો માંડ અડધોથી દોઢ ટકો જ વ્યાજ આપવાનું જણાવે છે, આવું વિચારીને રોકાણ કરતા ખચકાતા હતા.

આવામાં ૨૧મી નવેમ્બર, ૨૦૧૯ના દિવસે રોકાણની રકમ પાંચ લાખ ડોલરથી વધારીને નવ લાખ ડોલરની કરવામાં આવી અને જેમાં થોડાઘણાં પણ ભારતીયો રોકાણ કરતા હતા તેઓ વિચારતા થઈ ગયા. કેલિફોર્નિયામાં આવેલ બેહરીંગ રીજનલ સેન્ટરે, યુનાઈટેડ સ્ટેટસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, નોર્ધન ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયા માં કેસ નંબર ૨૦-સીવી-૦૯૨૬૩-જેએસસી દાખલ કરીને એવી માગણી કરી કે, ‘૨૧મી નવેમ્બર, ૨૦૧૯ના દિવસે ઈબી-૫ પ્રોગ્રામનો ફાઈનલ રૂલ, જેમાં રોકાણની રકમ વધારવામાં આવી હતી એ રૂલ જાહેર કરનાર મેકએલિન એ દિવસે હોમલેન્ડ સિક્યોરિટીનો કાયદેસરનો નિમાયેલો સેક્રેટરી જ નહોતો. આથી એણે જે પાંચ લાખ ડોલરથી વધારીને રોકાણની રકમ નવ લાખ ડોલર કરતો ઈબી-૫નો ફાઈનલ રૂલ જાહેર કર્યો હતો એ ફેડરલ વેકન્સિસ રીફોર્મ એક્ટ ઓફ ૧૯૯૮ હેઠળ ગેરકાનૂની છે.’

આ રીજનલ સેન્ટરે એવી પણ માંગણી કરી કે ઈમિગ્રેશન ખાતાને મનાઈહુકમ ફરમાવવામાં આવે કે તેઓ રોકાણની રકમ ફરી પાછી પાંચ લાખ ડોલરથી વધારીને નવ લાખ ડોલરની ન કરે. જજ જેક્લીન સ્કોટ કોર્લિએ બન્ને પક્ષોને સાંભળીને મંગળવાર, ૨૨મી જૂન, ૨૦૨૧ના દિવસે એમના ૧૭ પાનાંના જજમેન્ટમાં એવું જણાવ્યું કે, રીજનલ સેન્ટરે કહ્યા મુજબ ૨૧મી નવેમ્બર, ૨૦૧૯ના દિવસે મેકએલિનન હોમલેન્ડ સિક્યોરિટીનો કાયદેસરની નોકરી કરતો સેક્રેટરી નહોતો. આથી એણે રોકાણની રકમ વધારતો ઈબી-૫નો જે ફાઈનલ રૂલ જાહેર કર્યો હતો એ ગેરકાયદેસર છે. જજે એ રોકાણ વધારવાનો રૂલ રદ કર્યો છે.

રીજનલ સેન્ટરની બીજી માગણી જે મનાઈહુકમ ફરમાવવાની હતી એ જજે મંજૂર ન રાખી. ભારતીયો જ્યારે રોકાણની રકમ પાંચ લાખ ડોલરની હતી ત્યારે પણ વ્હાઈટના એટલા પૈસા ઈન્વેસ્ટ કરવા માટે શક્તિમાન નહોતા અને જેઓ હતા તેઓ પણ દસ વાર વિચાર કરતા હતા કે રોકાણ કરવું કે નહીં? પછી રોકાણની રકમ વધારવામાં આવી એટલે તો ભારતીયોએ રોકાણ કરવાનું જ, વિચારવાનું છોડી દીધું. એમાં કોવિડ-૧૯ જેવો ભયંકર રોગ વિશ્ર્વમાં ફેલાયો અને લગભગ બધા જ દેશોએ લોકડાઉન જાહેર કર્યું. આથી મોટાભાગના ભારતીયોએ તો ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ રોકાણ કરવાનું માંડી વાળ્યું. આમ છતાં અનેક ભારતીયો અને વિશ્ર્વના અન્ય દેશના ઘણા લોકોએ નવ લાખ ડોલરનું રોકાણ રીજનલ સેન્ટરોમાં ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે કર્યું છે.

૨૧મી નવેમ્બર, ૨૦૧૯થી ૨૨મી જૂન, ૨૦૨૧ એટલે કે ૧૯ મહિનામાં સેંકડો પરદેશીઓએ અમેરિકાના જુદા જુદા રીજનલ સેન્ટરોમાં પાંચ લાખ ડોલરને બદલે નવ લાખ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. શું એમને જે વધારાનું ચાર લાખ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું એ રોકાણ રીજનલ સેન્ટર પાછું આપશે? આવો ગેરકાનૂની નિયમ ૧૯ મહિના સુધી ચલાવવા બદલ અને એના કારણે રોકાણકારોને જે વધારાનું રોકાણ કરવું પડ્યું છે એનો બદલો અમેરિકાનું ઈમિગ્રેશન ખાતું આપશે? જે લોકોએ આ ૧૯ મહિનાના સમય દરમિયાન પાંચ લાખને બદલે નવ લાખ ડોલરનું રોકાણ કર્યું છે એમને શું આ નિયમ જાહેર કરનાર મેકએલિનન કોઈ વળતર આપશે? આવો ગેરકાનૂની નિયમ બહાર પાડવા બદલ અમેરિકાની સરકાર મેકએલિનને કોઈ સજા યા દંડ કરશે?

આવા આવા અનેક પ્રશ્ર્નો હવે ખડા થયા છે. મુખ્યવાત તો એ છે કે અમેરિકામાં પણ આવું ગેરવર્તન ચાલે છે. જે વ્યક્તિને નિયમ બહાર પાડવાની, રૂલ દાખલ કરવાની, રોકાણની રકમ અધધધ ચાર લાખ ડોલર જેટલી વધારવાની બિલકુલ સત્તા નહોતી એણે એ વધારી છે. આવું ગેરકૃત્ય કર્યું છે. આથી વિશ્ર્વના બધા જ દેશોના લોકો કહેવા લાગ્યા છે કે, ‘અમેરિકામાં પણ આવું થાય છે!!!’

Most Popular

To Top