Charchapatra

વિચારો તમારા માટે દરવાજો કોણ ખોલશે?

લગ્ન થાય એટલે પતિનો હંમેશા મરો થાય છે. પત્નીને પ્રેમ કરે તો પત્નીઘેલો અને માને આદર આપે તો માવડિયો. બહારથી ઓફિસ અને દુકાન નોકરી પરથી થાકીને માંડ સાંજને છેડે ઘરે આવે તે વખતે ઘરમાં પત્ની હસીને દરવાજા પર સ્વાગત કરે, પાણીનો ગ્લાસ આપે તો પતિનો અર્ધો થાક દૂર થાય પણ હવે આ દૃશ્ય દેવોને પણ દુર્લભ છે. પતિ પત્ની વચ્ચે વણલખ્યો કરાર થયો કે રાતે 11 વાગ્યા પછી આપણે બન્ને રૂમમાં સાથે હોઈએ ત્યારે કોઈના માટે પણ દરવાજો ખોલવામાં આવશે નહીં.એક દિવસ માતાને કંઈ કામ પડતાં માતાએ મોડી રાતે દરવાજો ખખડાવ્યો. પતિને થયું કે માને કંઈ કામ હશે પણ પત્ની સાથે જીભાજોડી કરવાને બદલે પોતાની માતા માટે દરવાજો ના ખોલ્યો. ખૂબ દુઃખ સાથે માતા કંઈ વિચારી પાછાં ફરી ગયાં.

થોડા સમય પછી પત્નીનાં માતાપિતા અચાનક કંઈ કામ પડતાં મોડી રાતે દીકરીના રૂમનો દરવાજો ખખડાવ્યો. પત્નીએ પતિ સામે જોયું. પતિ કંઈ બોલ્યો નહીં. થોડી વારમાં પત્નીની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. પત્ની પલંગમાંથી ઊભી થઈને રડતાં રડતાં લાગણીશીલ બની કહેવા લાગી “ હું મારાં માતાપિતા સાથે આવું ના કરી શકું “ આટલું કહી દરવાજો ખોલ્યો. પતિ આ બધું ચુપચાપ જોતો રહ્યો. સમય પસાર થતો ગયો. આ દંપતીને પહેલા જ ખોળે પુત્રરત્નનો જન્મ થયો.પતિએ સામાન્ય ઉજવણી કરી.

બે વરસ પછી આ દંપતીને પુત્રી લક્ષ્મી અવતરી. પુત્રી જન્મવાને પ્રસંગે પતિએ એક ભવ્ય મોટી પાર્ટીનું આયોજન કર્યું. જેમાં પતિએ પોતાના તમામ સાથી કર્મચારીઓ મિત્રમંડળ અને સગાંસંબંધીઓને આગ્રહ કરી પાર્ટીમાં બોલાવ્યા. આ જોઈ પત્ની આશ્ચર્યચકિત થઈ ગઈ અને પતિને સાઈડ પર બોલાવી પૂછ્યું “ તમે પુત્રના જન્મ પર સામાન્ય ઉજવણી કરી અને આજે પુત્રીના આગમન પર આટલી ભવ્ય ઉજવણી શા માટે? પતિએ પત્નીના ખભા પર પ્રેમથી હાથ મૂકી મંદ મંદ  હાસ્ય સાથે ખૂબ જ સરસ જવાબ આપ્યો. “ તારી વાત સો ટકા સાચી છે. કારણકે મને ખબર છે કે એક દિવસ મારી આ પરી મારા માટે દરવાજો ખોલશે.
સુરત      -અબ્બાસભાઈ કૌકાવાલા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top